top
બાકી નાણાં માટે ખેડૂતોની મહુવા સુગરની ઓફિસોમાં તાળાબંધી:તાપીમાંથી શેરડી ન મોકલવા અપીલ; ધવલ ચૌધરીએ કહ્યું- એક પણ ટુકડો મહુવા સુગરમાં નહીં જવા દઈએ
વ્યારા સુગર ફેક્ટરીના બાકી નાણાં ચૂકવવાની માંગ સાથે છેલ્લા 29 દિવસથી ધરણા પર બેઠેલા ખેડૂતોએ હવે પોતાનું આંદોલન વધુ આક્રમક બનાવ્યું છે. લાંબા સમયથી ચાલી રહેલાં ધરણા પ્રદર્શન છતાં કોઈ નક્કર ઉકેલ ન આવતાં, રોષે ભરાયેલા ખેડૂતોએ આજે ટીચકપુરા અને બાજીપુરા ખાતે આવેલી મહુવા સુગરની ઝોન ઓફિસો પર પહોંચી જઈ તાળાબંધી કરી હતી. તાપીમાંથી શેરડી ન મોકલવા અપીલ કરાઈ હતી. આંદોલન કરનાર આગેવાન ધવલ ચૌધરીએ કહ્યું- એક પણ ટુકડો મહુવા સુગરમાં નહીં જવા દઈએ. પોતાના પરસેવાના બાકી નાણાં મેળવવા માટે લડત ચલાવી રહેલા ખેડૂતોએ હવે તાપી જિલ્લામાંથી અન્ય સુગર મિલોમાં જતા શેરડીના પુરવઠાને રોકવાની રણનીતિ અપનાવી છે. જેના ભાગરૂપે આજે આંદોલનકારીઓએ ટીચકપુરા અને બાજીપુરા સ્થિત મહુવા સુગરની બંને ઝોન ઓફિસોની કામગીરી સદંતર બંધ કરાવી દીધી હતી. આ સાથે જ તાપી જિલ્લાના તમામ ખેડૂતોને મહુવા સુગરમાં શેરડીનો પુરવઠો ન મોકલવા માટે જાહેર અપીલ કરવામાં આવી છે. આ આંદોલનનું નેતૃત્વ કરી રહેલા આગેવાન ધવલ ચૌધરીએ આક્રમક તેવર બતાવતા જણાવ્યું હતું કે, "ખેડૂતો છેલ્લા 29 દિવસથી પોતાના હકના નાણાં માટે રસ્તા પર બેઠા છે. હવે અમે તાપી જિલ્લામાંથી શેરડીનો એક પણ ટુકડો મહુવા સુગરમાં જવા દઈશું નહીં અને તમામ કામગીરી બંધ કરાવીશું." ખેડૂતો દ્વારા કરવામાં આવેલી આ તાળાબંધી અને શેરડી રોકવાની ચીમકીને પગલે સમગ્ર તાપી જિલ્લાના સહકારી અને સુગર ક્ષેત્રમાં ભારે ખળભળાટ મચી ગયો છે.
Read full article on Divya Bhaskar