crime
ભાઈ-ભાભીએ ગાળાગાળી કરીને ગડદાપાટુનો માર માર્યો:પ્રોઢના ખેતરમાં પાણી ભરાવા બાબતે બોલાચાલી બાદ હુમલો, ખેરાલુના બળાદ ગામનો બનાવ
મહેસાણાના ખેરાલુ તાલુકાના બળાદ ગામે વિઠોડા રોડ પર આવેલા ખેતરમાં રહેતા અને ખેતીકામ કરતા 60 વર્ષીય નરસિંહભાઈ કુબેરભાઈ ચૌધરી પર ખેતરમાં પાણી ભરાવા બાબતે થયેલી તકરારમાં તેના જ ભાઈ અને ભાભીએ હુમલો કરી ગાળાગાળી તેમજ જાનથી મારી નાખવાની ધમકી આપી હોવાનો બનાવ સામે આવ્યો છે. આ મામલે પીડિતે ખેરાલુ પોલીસ મથકે કાયદેસરની ફરિયાદ નોંધાવી છે. ખેતરમાં પાણી ભરાવા બાબતે બોલાચાલી બાદ હુમલો ઘટનાની વિગત અનુસાર ગત તારીખ 24 ઓગષ્ટ 2026ના સાંજે સાડા સાતેક વાગ્યાના સુમારે નરસિંહભાઈના ભાઈ સવજીભાઈ કુબેરભાઈ ચૌધરીએ પોતાના ખેતરમાં પાણી વાળ્યું હતું. આ પાણી ભરાઈને નરસિંહભાઈના ખેતરમાં આવતા અને પાકને નુકસાન થતું હોવાથી તેઓ સવજીભાઈને આ અંગે કહેવા ગયા હતા. આ બાબતથી ઉશ્કેરાઈ જઈ સવજીભાઈ ચૌધરીએ નરસિંહભાઈ સાથે ગાળાગાળી કરી ગડદાપાટુનો માર મારવાનું શરૂ કર્યું હતું. પત્ની અને દીકરીએ માર ખાતાં બચાવ્યા હતા દરમિયાન સવજીભાઈનું ઉપરાણું લઈને તેમના પત્ની તારાબેન સવજીભાઈ પણ ત્યાં આવી પહોંચ્યા હતા અને તેમણે પણ ગાળો ભાંડવાનું શરૂ કર્યું હતું. બોલાચાલી અને મારામારીનો અવાજ સાંભળીને નરસિંહભાઈના પત્ની કમુબેન તથા દીકરી ડિમ્પલબેન દોડી આવ્યા હતા અને નરસિંહભાઈને વધુ મારામારીમાંથી છોડાવ્યા હતા. જાતે જતા-જતા સવજીભાઈએ હવે પછી પાણી બાબતે કાંઈ પણ કહેવા આવશે તો જાનથી મારી નાખવાની ધમકી આપી હતી. નરસિંહ ચૌધરીએ ભાઈ-ભાભી સામે ફરિયાદ નોંધાવી મારામારીમાં શરીરે બેઠો માર વાગ્યો હોવાથી નરસિંહભાઈને તેમની બીજી દીકરી ધ્રુવલબેન ખાનગી વાહન મારફતે સારવાર માટે વડનગર સિવિલ હોસ્પિટલ ખાતે લઈ ગયા હતા, જ્યાં પ્રાથમિક સારવાર બાદ તેમને રજા આપવામાં આવી હતી. આ બનાવ સંદર્ભે નરસિંહભાઈ ચૌધરીએ ગડદાપાટુનો માર મારી ધમકી આપનાર સવજીભાઈ કુબેરભાઈ ચૌધરી અને તારાબેન સવજીભાઈ ચૌધરી વિરુદ્ધ ખેરાલુ પોલીસ મથકે ફરિયાદ નોંધાવતા પોલીસે ગુનો નોંધી આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
Read full article on Divya Bhaskar