ભાજપની નવી રાષ્ટ્રીય ટીમ જાહેર: 10 મહિલાઓને મળ્યું સ્થાન, જાણો કોને કઈ જવાબદારી?
BJP New National Team: ભારતીય જનતા પાર્ટી (BJP) દ્વારા સોમવારે પાર્ટીના રાષ્ટ્રીય અધ્યક્ષ નીતિન નવીનના નેતૃત્વમાં એક નવી રાષ્ટ્રીય ટીમની સત્તાવાર જાહેરાત કરવામાં આવી છે. આ નવી ટીમમાં સૌથી વધુ ધ્યાન ખેંચનારી બાબત એ છે કે તેમાં 10 મહિલાઓને મહત્વની જવાબદારીઓ સોંપવામાં આવી છે. પાર્ટી અત્યારે પોતાના રાષ્ટ્રીય માળખામાં મોટો સંગઠનાત્મક ફેરફાર કરી રહી છે. આ ફેરફારનો મુખ્ય હેતુ સંગઠનમાં અનુભવી નેતાઓને મુખ્ય ભૂમિકામાં લાવવાની સાથે અલગ-અલગ પ્રદેશો અને સમુદાયોને યોગ્ય પ્રતિનિધિત્વ આપવાનો છે. આ ઉપરાંત, પીયૂષ ગોયલને પાર્ટીના ખજાનચી પદની મોટી જવાબદારી સોંપવામાં આવી છે.
સ્મૃતિ ઈરાની અને વસુંધરા રાજેને મળી મોટી જવાબદારી
આ નવી ટીમમાં મહિલા નેતાઓને ખૂબ જ આગળ પડતું સ્થાન આપવામાં આવ્યું છે. પૂર્વ કેન્દ્રીય મંત્રી સ્મૃતિ ઈરાનીને રાષ્ટ્રીય મહાસચિવ તરીકે નિયુક્ત કરવામાં આવ્યા છે. બીજી તરફ, રાજસ્થાનના પૂર્વ મુખ્યમંત્રી વસુંધરા રાજે સિંધિયા, પૂર્વ કેન્દ્રીય મંત્રી ડી. પુરંદેશ્વરી અને રાષ્ટ્રીય મહિલા આયોગના પૂર્વ વડા રેખા વર્માને રાષ્ટ્રીય ઉપાધ્યક્ષ તરીકે નિમવામાં આવ્યા છે.
કોણ બન્યા મહિલા મોરચાના વડા?
મહિલા નેતૃત્વની વાત કરીએ તો, સાંસદ રૂપ કુમારી ચૌધરીને વનથી શ્રીનિવાસનના સ્થાને ભાજપના મહિલા મોરચાના નવા વડા બનાવવામાં આવ્યા છે. જ્યારે કવિતા પાટીદાર, ફાંગનોન કોન્યાક અને સંગીતા યાદવનો રાષ્ટ્રીય સચિવોની નવી યાદીમાં સમાવેશ કરવામાં આવ્યો છે. આ ઉપરાંત ડિજિટલ મોરચે પ્રીતિ ગાંધીને સોશિયલ મીડિયાના સહ-સંયોજક (Co-coordinator) તરીકેની જવાબદારી સોંપવામાં આવી છે.
મહિલાઓનું વધતું વર્ચસ્વ અને અનામતનું સમીકરણ
નોંધનીય છે કે, અગાઉની એટલે કે આઉટગોઇંગ ટીમમાં એક પણ મહિલા રાષ્ટ્રીય મહાસચિવ નહોતા. તેની સરખામણીમાં આ વખતે રાષ્ટ્રીય પદાધિકારીઓમાં મહિલાઓની સંખ્યામાં નોંધપાત્ર વધારો જોવા મળ્યો છે. એવું માનવામાં આવે છે કે ભાજપ અત્યારે લોકસભા અને રાજ્યોની વિધાનસભાઓમાં મહિલા અનામતના વહેલા અમલીકરણની જોરશોરથી વકીલાત કરી રહ્યું છે (જેનાથી નીચલા ગૃહમાં બેઠકોની સંખ્યા પણ વધવાની શક્યતા છે). આ જ રાજકીય સમીકરણોને ધ્યાનમાં રાખીને મહિલાઓને સંગઠનમાં આગળ લાવવામાં આવી રહી છે.
આ પણ વાંચોઃ ભાજપ અધ્યક્ષ નીતિન નવીનની નવી ટીમ જાહેર: અમિત માલવિયા આઉટ, જાણો કોને મળી IT સેલની કમાન
સંબિત પાત્રાને ઉત્તર-પૂર્વનો વિશેષ હવાલો
અન્ય નિમણૂકો પર નજર કરીએ તો, ભાજપના લોકપ્રિય સાંસદ સંબિત પાત્રાને પાર્ટીના ઉત્તર-પૂર્વ વિસ્તારના સંયોજક (કોઓર્ડિનેટર) બનાવવામાં આવ્યા છે, જ્યારે તેમની સાથે રાજીવ બબ્બર સહ-સંયોજકની ભૂમિકા ભજવશે. આ સાથે જ પાર્ટીએ વિષ્ણુ દત્ત શર્માને પ્રકોષ્ઠ સંકુલ (સેલ ક્લસ્ટર) ના સંયોજક તરીકે પસંદ કર્યા છે, અને ઋતુરાજ સિંહા તેમજ વિષ્ણુ વર્ધન રેડ્ડીને તેમાં સહ-સંયોજક તરીકે નિયુક્ત કર્યા છે.
16 રાષ્ટ્રીય સચિવોની કરાઈ નિમણૂક
ભાજપની આ નવી ટીમમાં કુલ 16 રાષ્ટ્રીય સચિવોની નિમણૂક કરવામાં આવી છે. આ લાંબી યાદીમાં કે. સુરેન્દ્રન, અનિલ એન્ટોની, ફાંગનોન કોન્યાક, સંદીપ પાઠક, કવિતા પાટીદાર, એમ. વેંકટેશન, મનોજ ટિગ્ગા અને રોહન ગુપ્તા જેવા દિગ્ગજ ચહેરાઓનો સમાવેશ થાય છે.
આ પણ વાંચોઃ નીતિન નવીનની નવી ટીમમાં કેટલા મુસ્લિમોને મળ્યું સ્થાન? આ નેતા બન્યા લઘુમતી મોરચાના રાષ્ટ્રીય પ્રમુખ