crime
ભારત-ન્યુઝીલેન્ડ મેચ પર સટ્ટો રમાડતો હીરા દલાલ ઝડપાયો:પાલના ફ્લેટમાંથી ધર્મેશ શાહ પકડાયો, 12 મોબાઇલ અને હિસાબી ચોપડા જપ્ત
હીરા દલાલીના વ્યવસાય સાથે સંકળાયેલા એક શખ્સે પોતાના ગેરકાયદે આર્થિક ફાયદા માટે ક્રિકેટ સટ્ટાખોરીનું આખું રેકેટ શરૂ કર્યું હોવાનો સુરત ક્રાઇમ બ્રાન્ચે પર્દાફાશ કર્યો છે. સુરતમાં પાલ વિસ્તાર ખાતે સૌરભ સોસાયટી પાસે આવેલા વાસુ પૂજ્ય ડ્રીમ્સના ફ્લેટ નંબર સી/501માં રહેતો 50 વર્ષીય હીરા દલાલ ધર્મેશ રમણલાલ શાહ મેચ પર સટ્ટો રમી અને રમાડી રહ્યો હતો. ભારત અને ન્યુઝીલેન્ડ વચ્ચે રમાઈ રહેલી મેચ પર મોટાપાયે સટ્ટો ચાલી રહ્યો હોવાની ચોક્કસ બાતમી મળતાં જ ક્રાઇમ બ્રાન્ચની ટીમે ફ્લેટ પર દરોડો પાડી આ આરોપીની ધરપકડ કરી લીધી હતી. ઝૂમ મીટિંગ અને વેબસાઇટ મારફતે ચલાવતો હતો ઓનલાઇન સટ્ટો પોલીસ તપાસમાં સામે આવ્યું છે કે ઝડપાયેલો હીરા દલાલ ધર્મેશ શાહ સટ્ટો રમાડવા માટે આધુનિક ડિજિટલ પ્લેટફોર્મનો ઉપયોગ કરતો હતો. તે વિવિધ બેટિંગ વેબસાઇટ્સ તેમજ ઝૂમ મીટિંગ મારફતે ભારત અને ન્યુઝીલેન્ડ વચ્ચેની લાઇવ મેચના રન, ઓવર, સેશન તથા મેચની હાર-જીત પર ઓનલાઇન રૂપિયાના સોદા કરતો હતો. તે અન્ય પંટરો પાસેથી ગેરકાયદે સોદા મેળવી પોતાના લેવલે પણ સટ્ટો લગાવતો હતો. 12 મોબાઇલ ફોન અને હિસાબી ચોપડા સહિત રૂ. 61 હજારનો મુદ્દામાલ જપ્ત દરોડા દરમિયાન ક્રાઇમ બ્રાન્ચે ઘટનાસ્થળેથી ગુનાહિત પ્રવૃત્તિ માટે વપરાતા અલગ-અલગ કંપનીના 12 નંગ મોબાઇલ ફોન (કિંમત રૂ. 60,000) કબ્જે કર્યા છે. આ ઉપરાંત સ્થળ પરથી રૂ. 1,000નું ઇન્ટરનેટ રાઉટર, ક્રિકેટ સટ્ટાના નાણાકીય હિસાબો નોંધેલી નોટબુક તેમજ રૂ. 200ની કિંમતનું એક નાનું સ્ટડી ટેબલ મળી કુલ રૂ. 61,200નો મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યો હતો. ડીસીબી પોલીસ મથકમાં ગુનો દાખલ, વોન્ટેડ સાગરીતોની શોધખોળ શરૂ હીરા દલાલીની આડમાં ક્રિકેટ સટ્ટાબાજીનું નેટવર્ક ચલાવવા મામલે સુરત ક્રાઇમ બ્રાન્ચે આરોપી ધર્મેશ શાહ તેમજ તેની સાથે જોડાયેલા અન્ય વોન્ટેડ આરોપીઓ વિરુદ્ધ ડી.સી.બી. (DCB) પોલીસ સ્ટેશનમાં ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. આ હીરા દલાલ સાથે શહેર કે રાજ્ય બહારના કયા મોટા બુકીઓ સંડોવાયેલા છે તે દિશામાં પોલીસે તપાસ તેજ કરી છે.
Read full article on Divya Bhaskar