top
ભાસ્કર ઈમ્પેક્ટ:રેસિડન્ટ ડૉક્ટરો સામે પગલાં નહીં લેવા બદલ SVPના ડીનને નોટિસ
અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન (એએમસી) સંચાલિત પ્રતિષ્ઠિત એસવીપી હોસ્પિટલમાં ફરજ બજાવતા એનએચએલ મેડિકલ કોલેજના ઓર્થોપેડિક યુનિટ–B અને યુનિટ–Cના રેસિડન્ટ ડૉક્ટરો દ્વારા પીએમજેએવાય તેમજ વાહન અકસ્માત યોજનાના દર્દીઓના નામે ફાર્મસીમાંથી મોંઘાદાટ સર્જિકલ સાધનો મેળવી બારોબાર ખાનગી મેડિકલ સ્ટોર્સમાં વેચી મારવાના ચકચારી કૌભાંડનો દિવ્ય ભાસ્કરે પર્દાફાશ કર્યો હતો. તપાસ કમિટીના રિપોર્ટમાં સ્પષ્ટ નોંધવામાં આવ્યું છે કે, હોસ્પિટલમાં પીએમજેએવાય યોજના કે વાહન અકસ્માત અંતર્ગત દાખલ દર્દીઓની સંખ્યામાં કોઈ નોંધપાત્ર વધારો થયો નહોતો, છતાં ‘Beatle’ ફાર્મસી પાસેથી ખરીદવામાં આવતી સારવારલક્ષી સામગ્રી અને દવાઓનાં બિલની રકમમાં તોતિંગ ઉછાળો જોવા મળ્યો હતો. ઓર્થોપેડિક વિભાગના કસૂરવાર રેસિડન્ટ ડૉક્ટરો હોસ્પિટલ ઈન્ફોર્મેશન સિસ્ટમ (HIS)ના લોગઈન આઈડીનો દુરુપયોગ કરતા હતા. આ ડૉક્ટરો અન્ય વિભાગોમાં દાખલ દર્દીઓના કેસ પેપર પર ઓપરેશન દરમિયાન વપરાતા ‘Ioban drape’ અને ‘Ethibond suture’ જેવાં સર્જિકલ સાધનો જે AMC સ્ટોર્સમાં ઉપલબ્ધ ન હોઈ તે ખોટી રીતે પ્રિસ્ક્રાઈબ કરતા હતા. કોઈપણ જરૂરિયાત ન હોવા છતાં ‘Beatle’ ફાર્મસીમાંથી આ સાધનો જાતે મેળવીને બારોબાર સગેવગે કરી દેવામાં આવતા હતા.ડેપ્યુટી મ્યુનિસિપલ કમિશનરના આદેશથી તપાસ કમિટીની રચના કરાઈ હતી. કમિટીએ આશરે 6 મહિના અગાઉ જ પોતાનો સીલબંધ અહેવાલ એનએચએલ મેડિકલ કોલેજના ડીનને સુપરત કર્યો હતો. તપાસ કમિટીના અહેવાલમાં કસૂરવાર પુરવાર થયેલા રેસિડન્ટ ડૉક્ટરો સામે નિયમાનુસાર શિસ્તભંગનાં પગલાં ભરવાને બદલે ડીને મામલો દબાવી રાખ્યો હતો. ફરજ પ્રત્યે દાખવેલી આ ગંભીર ગેરશિસ્ત અને ઘોર બેદરકારી કરી હોવાનો નોટીસમાં ઉલ્લેખ છે. “ડીન વિરુદ્ધ ખાતાકીય તપાસ શા માટે ન શરૂ કરવી?” તે અંગે નોટિસ ફટકારી ખુલાસો માંગવામાં આવ્યો છે.
Read full article on Divya Bhaskar