crime
Bharuch News: વાગરાની ઓરા ચોકડી પાસે બંધ મકાનમાંથી 2.50 લાખની રોકડ અને દાગીનાની ચોરી
ભરૂચ જિલ્લાના વાગરા તાલુકામાં શાંતિપૂર્ણ વાતાવરણ વચ્ચે તસ્કરોએ પોલીસ પેટ્રોલિંગને ખુલ્લો પડકાર ફેંક્યો છે. વાગરાની ઓરા ચોકડી નજીક આવેલી સોસાયટીમાં તસ્કરોએ એક બંધ મકાનને નિશાન બનાવી લાખો રૂપિયાની મત્તાની ચોરી કરી ફરાર થઈ જતાં સમગ્ર વિસ્તારમાં અરેરાટી સાથે ફફડાટ વ્યાપી ગયો છે. ગ્રીલ અને દરવાજાના નકુચા તોડી ઘરમાં પ્રવેશ મળતી માહિતી અનુસાર, મકાનમાલિક શેખ અજરુદ્દીન નશરુદ્દીન અને તેમનો પરિવાર પોતાના અંગત કામ અર્થે ઘરને તાળું મારી બહારગામ ગયો હતો. આ બંધ મકાન અને અંધારાનો સીધો લાભ ઉઠાવી ચોરોએ ચોરીની યોજના બનાવી હતી. તસ્કરોએ સૌપ્રથમ મકાનની બહારની ગ્રીલનો નકુચો તોડ્યો હતો અને ત્યારબાદ મુખ્ય દરવાજાનું તાળું તેમજ નકુચો તોડી ઘરમાં પ્રવેશ કર્યો હતો. તિજોરી તોડી 2.50 લાખ રોકડા અને સોનાના દાગીનાની લૂંટ ઘરમાં ઘૂસ્યા બાદ ચોરોએ સમગ્ર ઘરમાં સામાન ફેંદી નાખ્યો હતો અને તિજોરી તોડી તેમાં રાખેલી કિંમતી ચીજવસ્તુઓ પર હાથ સાફ કર્યો હતો. મકાનમાલિકના જણાવ્યા અનુસાર, તસ્કરો ઘરમાંથી 2.50 લાખ રૂપિયાની રોકડ રકમ, 3.5 તોલાનો સોનાનો હાર તેમજ 4 સોનાની વીંટીઓ સહિત લાખો રૂપિયાના સોના-ચાંદીના દાગીના ચોરીને પલાયન થઈ ગયા હતા. પોલીસ તપાસ અને CCTV ફૂટેજની ચકાસણી શરૂ સવારે ઘટનાની જાણ થતાં જ પરિવારજનો તુરંત બહારગામથી નિવાસ્થાને દોડી આવ્યા હતા અને બનાવ અંગે વાગરા પોલીસને જાણ કરી હતી. ઘટનાની જાણ થતાં જ પોલીસ કાફલો ઘટના સ્થળે પહોંચી ગયો હતો અને ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી. હાલ પોલીસે આસપાસના વિસ્તારના CCTV કેમેરાના ફૂટેજ ચકાસવાની સાથે તસ્કરોનું સુરાગ મેળવવા તપાસ તેજ કરી છે. રહેણાંક વિસ્તારમાં બનેલી આ ઘટનાથી સ્થાનિક રહેવાસીઓમાં ભય અને ચિંતાનો માહોલ છવાયો છે. આ પણ વાંચો - Bharuch Bharuch News: ACBના હાથે ઝડપાયા ડ્રગ્સ વિભાગના બે લાંચિયા અધિકારી, ફાર્માસિસ્ટ એસોસિએશને કરી ઉજવણી
Read full article on Sandesh