top
ભૂચરમોરી શહીદ શ્રદ્ધાંજલિ સમારોહમાં મંત્રી રીવાબા જાડેજાએ શહીદોને નમન કર્યા:35મો સમારોહ યોજાયો, મહેસૂલ મંત્રી સંજયસિંહ મહીડા પણ હાજર રહ્યા
જામનગર જિલ્લાના ધ્રોલ તાલુકામાં આવેલી ભૂચરમોરી યુદ્ધભૂમિ ખાતે 35મો શહીદ શ્રદ્ધાંજલિ સમારોહ યોજાયો. શીતળા સાતમના પર્વ નિમિત્તે દર વર્ષે આ સમારોહ થાય છે. આ વર્ષે રાજ્યસભાના સાંસદ કેશરીદેવસિંહ ઝાલાએ કાર્યક્રમની અધ્યક્ષતા કરી હતી. રાજ્ય શિક્ષણ મંત્રી રીવાબા જાડેજા અને રાજ્ય મહેસૂલ મંત્રી સંજયસિંહ મહીડા સહિતના મહાનુભાવોએ શહીદ સ્મારક ખાતે શહીદોને શ્રદ્ધાંજલિ આપી. તેમણે શૂરવીર જામ અજાજી, તેમના પત્ની સુરજબા અને ભૂચરમોરીના શહીદ વીરોના પાળિયાને નમન કર્યા. આ યુદ્ધભૂમિ પર સ્પોર્ટ્સ ઓથોરિટી ઓફ ગુજરાત અને જામનગર જિલ્લા રમત ગમત કચેરી દ્વારા પરંપરાગત અશ્વ શો સ્પર્ધા અને તલવારબાજી 2026નું આયોજન કરાયું હતું. સ્પર્ધામાં પ્રથમ, દ્વિતીય અને તૃતીય ક્રમે આવેલા વિજેતા ખેલાડીઓને મહાનુભાવોના હાથે ટ્રોફી અને રોકડ પુરસ્કાર આપવામાં આવ્યા. ભૂચરમોરી શહીદ સ્મારક ખાતે બનેલા યુવા સંઘ સ્મૃતિ હોલનું મહાનુભાવોના હાથે લોકાર્પણ થયું. ભૂચરમોરી શહીદ સ્મારક ટ્રસ્ટને જામરાજવી શત્રુશલ્યસિંહજી જાડેજા તરફથી 11.51 લાખ રૂપિયાનું અનુદાન મળ્યું છે. કાર્યક્રમમાં રાજ્ય શિક્ષણમંત્રી રીવાબા જાડેજાએ કહ્યું કે, ભૂચરમોરીનું યુદ્ધ સૌરાષ્ટ્રના ઇતિહાસમાં શૌર્ય, સ્વાભિમાન અને આશરા ધર્મના પાલનનું પ્રતીક છે. શરણાગતની રક્ષા અને સ્વાભિમાન માટે જામ સતાજીની સેના સાથે અનેક વીરોએ પોતાના જીવ આપ્યા હતા. આ વીરગાથા સૌરાષ્ટ્રની શૌર્ય પરંપરા અને સંસ્કૃતિનું પ્રતીક છે. તેમણે વધુમાં કહ્યું કે, ભૂચરમોરી માત્ર એક ઐતિહાસિક સ્થળ નથી, પરંતુ આવનારી પેઢીઓને શૌર્ય, સ્વાભિમાન, કર્તવ્યનિષ્ઠા અને શરણાગતની રક્ષા જેવા મૂલ્યોની પ્રેરણા આપે છે. આવા સ્થળો અને વીરપુરુષોની ગાથાને નવી પેઢી સુધી પહોંચાડવી એ આપણી સામૂહિક જવાબદારી છે. મહેસૂલ મંત્રી સંજયસિંહ મહીડાએ કહ્યું કે, સરકારના ‘મારી માટી, મારો દેશ’ અને ‘હર ઘર તિરંગા’ જેવા અભિયાનો દ્વારા શહીદોની યાદને ઘર-ઘર સુધી પહોંચાડવામાં આવી છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીના નેતૃત્વમાં દેશ વિકાસની નવી ઊંચાઈઓ તરફ આગળ વધી રહ્યો છે. સુશાસનના ૨૫ વર્ષ પૂર્ણ કરવાની દિશામાં ગુજરાત પણ વિકાસના અનેક નવા આયામો સર કરી રહ્યું છે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના નેતૃત્વમાં ગુજરાત સરકાર યુવાનો માટે શિક્ષણ, કૌશલ્ય, રોજગાર અને ઉદ્યોગસાહસિકતાની નવી તકો ઊભી કરવા માટે સતત પ્રયત્નશીલ છે. ત્યારે હવે સમાજની પણ જવાબદારી છે કે કૌશલ્યવાન, શિક્ષિત, સંસ્કારી અને વ્યસનમુક્ત યુવા પેઢી તૈયાર કરીએ. વ્યસનમુક્ત, સંસ્કારી અને સંવેદનશીલ આજની યુવા પેઢી જ આવતીકાલના ભારતનું નિર્માણ કરશે. કાર્યક્રમમાં રાજ્ય મહેસુલ મંત્રી સંજયસિંહ મહીડાએ જણાવ્યું હતું કે, ભૂચર મોરીનું મેદાન સ્વરાજના ગૌરવ અને શૌર્યનું સાથે સામાજિક સમરસતા અને એકતાનું પ્રતિક છે. શ્રેષ્ઠ ભારત એક ભારતનો જીવંત સંદેશ સાડા ચારસો વર્ષ પહેલાં જામનગરના ભૂચર મોરીના મેદાનમાં લખાઈ ગયો હતો. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ આપેલા અમૃતકાળના ‘પંચ પ્રાણ’માં એક છે, ‘આપણા વારસા પર ગર્વ કરો.’ વર્ષો સુધી આપણા ઇતિહાસના અનેક નાયકો પુસ્તકોના પાનાઓ સુધી પણ યોગ્ય સ્થાન મેળવી શક્યા નહોતા. આવા વીર નાયકોને રાષ્ટ્રીય ફલક પર સન્માન અપાવવાનું અને તેમની ગૌરવગાથાને નવી પેઢી સુધી પહોંચાડવાનું કામ આજે થઈ રહ્યું છે. ‘મારી માટી, મારો દેશ’ અને ‘હર ઘર તિરંગા’ જેવા અભિયાનો દ્વારા શહીદો અને વીર સપૂતોની સ્મૃતિને ઘર-ઘર સુધી પહોંચાડવામાં આવી છે. યુવા શક્તિને રમતગમત જેવા સકારાત્મક ક્ષેત્રોમાં દિશા આપવી અને નશામુક્ત સમાજના નિર્માણ માટે સતત કાર્ય કરવું આજની પેઢી માટે ખૂબ જ મહત્વપૂર્ણ છે. ભૂચરમોરી ખાતે આયોજિત વિવિધ પરંપરાગત સ્પર્ધાઓના આયોજનમાં સરકાર દ્વારા સહકાર મળતા યુવાઓને પણ પ્રોત્સાહન મળ્યું છે.
Read full article on Divya Bhaskar