crime
બીલખા રોડ પર બાઈકની ટક્કરે રસ્તો ઓળંગતા પાઠકનગરના વૃદ્ધાનું મો:ત અજાણ્યા ચાલક સામે સી ડિવિઝનમાં ગુનો નોંધાયો
જૂનાગઢમાં બીલખા રોડ પર બાઈકની ટક્કરે રસ્તો ઓળંગતા વૃદ્ધાનું મોત નિપજ્યું હતું. પાઠકનગરમાં રહેતા જાહીબેન મંગાભાઈ ડોડીયા ઉ. વ. 58 તા. 8 ઓક્ટોબરના રોજ રાત્રે 8:30 વાગ્યાના સુમારે પાઠક નગર બિલખા રોડ પર આવેલી દેવાંગી પાનવાળીની દુકાન સામેની સાઈડેથી રોડ ક્રોસ કરી રહ્યા હતા. તે દરમિયાન ખડીયા તરફથી પૂરપાટ ઝડપે આવી રહેલી જીજે 11 સીજે 8115 નંબરની બાઈકના ચાલકે વૃધ્ધાને જોરદાર ટક્કર મારી અકસ્માત સર્જ્યો હતો. આ અકસ્માતમાં જાહીબેનને હોઠ ઉપર, જમણા હાથની કોણીના ભાગે, ડાબા પગમાં ઘુંટણ નીચે તથા જમણા પગમાં થાપાના ભાગે ગંભીર ઇજાઓ પહોંચી હતી. અકસ્માત સર્જી બાઇક ચાલક નાસી છૂટ્યો હતો. ઘટના બાદ ઈજાગ્રસ્ત મહિલાને તાત્કાલિક સારવાર માટે 108 એમ્બ્યુલન્સ દ્વારા ઝાંઝરડા ચોકી સ્થિત ખાનગી હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા. જ્યાં 15 દિવસ સારવાર બાદ ઘરે લવાયા હતા. જો કે, 30 ઓક્ટોબરે તબિયત વધુ બગડતા સિવિલમાં લઈ જવામાં આવ્યા, જ્યાં ફરજ પરના તબીબે તેમને મૃત જાહેર કર્યા હતા. આ બનાવ અંગે મૃતકના પુત્ર મનસુખભાઈ ડોડીયાની ફરિયાદ આધારે પોલીસે બાઇક ચાલક વિરુદ્ધ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી હતી.
Read full article on Divya Bhaskar