crime
ચાંદખેડાના વૃદ્ધા સાથે પિયરમાં છેતરપિંડી:લાડોલમાં પિતાના અવસાન બાદ ભાઈએ પેઢીનામામાંથી બહેનનું નામ જ કાઢી નાખ્યું
અમદાવાદના ચાંદખેડા વિસ્તારમાં સત્યમેવ હોસ્પિટલની સામે આવેલા બી/204 જય વિસત રોયલ, હીરામોતી સોસાયટીની પાછળ રહેતા 72 વર્ષીય રમીલાબેન પ્રવિણભાઇ રણછોડભાઈ પટેલે પોતાના જ નાના ભાઈ અને સાક્ષીઓ સામે હક-હિસ્સો ડૂબાડવા અંગે લાડોલ પોલીસ સ્ટેશનમાં કાયદેસરની ફરિયાદ નોંધાવી છે. વર્ષ 2002માં પિતાનું અવસાન ફરિયાદમાં જણાવ્યા અનુસાર, રમીલાબેનનું પિયર વિજાપુર તાલુકાના લાડોલ ગામે છે. તેમના પિતા કેશવલાલ કાશીરામ પટેલનું 19 જૂન 2002ના રોજ અને માતા શાન્તાબેનનું 1996માં અવસાન થયું હતું. પિતાના અવસાન બાદ પરિવારમાં કુલ પાંચ ભાઈ-બહેન (રમીલાબેન, મંજુલાબેન, મીઠાભાઈ, કોકીલાબેન અને પંકજભાઈ) સીધી લીટીના વારસદાર તરીકે હકદાર બનતા હતા. લાડોલ ગામે પિતાનું વારસાઈ પેઢીનામું તૈયાર કરાવ્યું રમીલાબેનના સૌથી નાના ભાઈ પંકજભાઈ કેશવલાલ પટેલે 2 ઓગસ્ટ 2002ના રોજ લાડોલ ગ્રામ પંચાયતના તલાટી સમક્ષ પિતાનું વારસાઈ પેઢીનામું તૈયાર કરાવ્યું હતું. આ પેઢીનામામાં પાંચ સંતાનોના બદલે માત્ર ચાર જ સંતાનો દર્શાવીને મોટા બહેન રમીલાબેનનું નામ જાણીજોઈને બાદ કરી દેવામાં આવ્યું હતું. આ ખોટા પેઢીનામામાં લાડોલ ગામના જ રહેવાસી પટેલ મીઠાભાઈ બબાભાઈ, પટેલ મથુરભાઈ મણીલાલ અને પટેલ દશરથભાઈ અંબાલાલ નામના ત્રણ વ્યક્તિઓએ સાક્ષી તરીકે સહીઓ કરી હતી. RTI હેઠળ માહિતી માંગતા આ ગેરરીતિનો ખુલાસો ત્યારબાદ પંકજભાઈ પટેલે આ ખોટા પેઢીનામાનો સાચા તરીકે ઉપયોગ કરી લાડોલ ગ્રામ પંચાયતના નમુના 6 ના હક પત્રકમાં વારસાઈ નોંધ નંબર 19753/1 પણ પડાવી લીધી હતી. આ સમગ્ર છેતરપિંડી અંગેની જાણ રમીલાબેનને પાછળથી થઈ હતી. ત્યારબાદ તેમણે 19 જાન્યુઆરી 2026ના રોજ આર.ટી.આઈ. (RTI) હેઠળ માહિતી માંગતા આ ગેરરીતિનો ખુલાસો થયો હતો. બહેનની ભાઈ અને સાક્ષીઓ સામે છેતરપિંડીની ફરિયાદ અરજી સંદર્ભે લાડોલ પોલીસે 7 જુલાઈ 2026ના રોજ (ડી.એ.પી નં. 10/26) હાથ ધરેલી તપાસ દરમિયાન રમીલાબેને રૂબરૂ હાજર રહીને આ વિગતવાર નિવેદન આપ્યું હતું. પોતાના પિતાની મિલકતમાં મળવાપાત્ર હક-હિસ્સો ડૂબાડવાના ઈરાદાથી ખોટું પેઢીનામું બનાવી, તેનો ઉપયોગ કરી છેતરપિંડી કરવા બદલ અને સાક્ષીઓ દ્વારા તેમાં મદદગારી કરવા બદલ રમીલાબેને ભાઈ પંકજભાઈ પટેલ અને ત્રણેય સાક્ષીઓ સામે કાયદેસરની કાર્યવાહી કરવાની માંગ કરી છે. લાડોલ પોલીસે આ મામલે ગુનો નોંધી આગળની કાયદેસરની તપાસ હાથ ધરી છે.
Read full article on Divya Bhaskar