crime
ચાની લારી મામલે બબાલમાં મિત્રએ જ મિત્રને કેનાલમાં ધક્કો માર્યો:ગોરવા વિસ્તારમાંથી ગુમ યુવકની રાયપુરા કેનાલમાંથી લાશ મળી, પોલીસે આરોપીને રાઉન્ડઅપ કર્યો
વડોદરા શહેરના ગોરવા મધુનગર વિસ્તારમાંથી બે દિવસ અગાઉ રહસ્યમય સંજોગોમાં ગુમ થયેલા 25 વર્ષીય યુવકની લાશ રાયપુરા પાસેથી પસાર થતી નર્મદા કેનાલમાંથી મળી આવી છે. આ યુવકનું મોત આત્મહત્યા કે અકસ્માત નહીં પરંતુ હત્યા થઈ હોવાનો ખુલાસો થયો છે. આ મામલે ગોરવા પોલીસે હત્યાનો ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે. રાયપુરા પાસેની કેનાલમાંથી મનમોહનસિંગનો મૃતદેહ મળ્યો શહેરના ગોરવા મધુનગરમાં રહેતા 25 વર્ષીય મનમોહનસિંગ છેલ્લા બે દિવસથી રહસ્યમય સંજોગોમાં ગુમ થયા હતા. પરિવારજનો દ્વારા તેમની ભારે શોધખોળ કરવામાં આવી રહી હતી, તે દરમિયાન રાયપુરા પાસેની કેનાલમાંથી મનમોહનસિંગનો મૃતદેહ મળી આવ્યો હતો. બનાવની જાણ થતાં જ ફાયર બ્રિગેડની ટીમ તાત્કાલિક ઘટનાસ્થળે દોડી ગઈ હતી અને ભારે જહેમત બાદ યુવકના મૃતદેહને કેનાલમાંથી બહાર કાઢી પોલીસને સોંપ્યો હતો. યુવકને કેનાલમાં ધક્કો મારીને મોતના મુખમાં ધકેલી દેવાયો યુવકના શંકાસ્પદ મોતને કારણે પરિવારજનોમાં ભારે આઘાતની સાથે આક્રોશ ફેલાયો છે. પરિવારે ગંભીર આક્ષેપ કર્યો હતા કે બે યુવકો મનમોહનસિંગ ઘરેથી બોલાવીને પોતાની સાથે લઈ ગયા હતા. આ ઉપરાંત, અગાઉ મૃતકને જાનથી મારી નાખવાની ધમકી પણ મળી હોવાનું સામે આવ્યું હતું. પરિવારજનોને આશંકા હતી કે યુવકને કેનાલમાં ધક્કો મારીને મોતના મુખમાં ધકેલી દેવામાં આવ્યો છે તે પોલીસ તપાસમાં સત્ય પુરવાર થયું. પોલીસે આરોપી સુફિયાન સિદિકીને રાઉન્ડઅપ કર્યો ઘટનાની ગંભીરતાને ધ્યાનમાં રાખીને ગોરવા પોલીસ દ્વારા હત્યાનો ગુનો દાખલ કરવામાં આવ્યો છે અને આ મામલે આરોપી સુફિયાન અબ્દુલસતાર સિદિકી (મધુનગર બ્રિજ ગોરવા) ને રાઉન્ડઅપ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે. પોલીસ તપાસમાં હત્યા પાછળનું કારણ જણાતા તમે પણ ચોંકી જશો. બે મહિના અગાઉ આરોપી અને મૃતકે બે મહિના અગાઉ ચાની લારી શરૂ કરી હતી જે લારી પર મૃતક સમયસર ન આવતા અને ધંધામાં રસ ન હોવાથી આરોપીએ અગાઉ બોલાચાલી પણ કરી હતી અને બાદમાં કેનાલ પાસે લઈ જઈ ધક્કો મારી દીધો હોવાનો ખુલાસો થયો છે. ચાનો વ્યવસાયમાં મતભેદના કારણે હત્યા કરી: PI ગોરવા પોલીસ મથકના પોલીસ ઇન્સ્પેક્ટર કે એન લાઠીયાએ જણાવ્યું હતું કે, આ યુવકનો મૃતદેહ કેનાલમાંથી મળી આવ્યો છે. આ દરમ્યાન પરિવાના આક્ષેપો આધારે તપાસ કરતા ચાનો વ્યવસાય શરૂ કર્યો હતો તેમાં મતભેદના કારણે આ હત્યા કરી હોવાનું સામે આવ્યું છે. આરોપીને અમે રાઉન્ડ અપ કર્યો છે અને વધુ તપાસ હાથ ધરી છે.
Read full article on Divya Bhaskar