top
ચોરવાડમાં બે જૂથ અથડામણ,:લીમડા ચોકમાં વાહન અડાડવા બાબતે બે જૂથ વચ્ચે માથાકૂટ: સામસામે ફરિયાદ,CCTV ફૂટેજ આવ્યા સામે, નગરપાલિકાના ભાજપ સદસ્ય સામે વ્યાજ વટાવના ગંભીર આક્ષેપ
ચોરવાડ શહેરના ચર્ચિત લીમડા ચોક વિસ્તારમાં મામુલી બાબતે શરૂ થયેલી બોલાચાલીએ ઉગ્ર સ્વરૂપ ધારણ કરી લેતા બે જૂથો વચ્ચે સામસામે જૂથ અથડામણ અને મારામારીનો બનાવ બન્યો છે. વાહન અડાડવા અને અંગત મનદુઃખ રાખવા જેવી બાબતને લઈને બન્ને પક્ષો વચ્ચે છૂટા હાથની મારામારી અને હુમલાઓ થયા હતા. આ સમગ્ર માથાકૂટ ના સીસીટીવી ફૂટેજ પણ સામે આવ્યા છે જેને લઇ ચોરવાડ પોલીસ સ્ટેશનમાં બંને પક્ષો દ્વારા એકબીજા સામે ગંભીર ગુનાહિત કૃત્યો અંગે સામસામે ફરિયાદો નોંધાવવામાં આવી છે, જેના આધારે પોલીસે કાયદેસરની તપાસ શરૂ કરી છે. પ્રથમ પક્ષ તરફથી કસ્ટમ નાકા તળાવ વિસ્તારમાં રહેતા હિતેશભાઈ જગદીશભાઈ પરમારે નોંધાવેલી ફરિયાદ અનુસાર, તેઓ તેમના સાહેદ સંદીપભાઈ ડાભી સાથે લીમડા ચોક ખાતે હાજર હતા. તે દરમિયાન જૂની બાબતોનું મનદુઃખ રાખીને છ જેટલા શખ્સોએ અચાનક તેમની પર હુમલો કરી દીધો હતો. આરોપીઓ કૃપાલ દેવાભાઈ ચુડાસમા, સુનીલ દેવાભાઈ ચુડાસમા, સુનીલ પુનાભાઈ મેર, શૈલેષ પાંચાભાઈ ડાભી, રણજીત લખમણભાઈ ડાભી અને અજય રમેશભાઈ સેવરાએ ભેગા મળીને ગેરકાયદેસર મંડળી રચી હિતેશભાઈ તથા તેમના સાહેદને શરીરે આડેધડ ઢીકાપાટુનો માર માર્યો હતો. હુમલા દરમિયાન આરોપીઓએ જાહેરમાં ગાળો આપી, છરી બતાવી અને જાનથી મારી નાખવાની ધમકી આપી હોવાનો પણ આક્ષેપ કરાયો છે. ચોરવાડ પોલીસે આ મામલે BNS તેમજ ગુજરાત પોલીસ એક્ટની વિવિધ કલમો હેઠળ ગુનો દાખલ કરીને આગળની તપાસ હાથ ધરી છે. સામા પક્ષે વળતી કાર્યવાહી કરતા ધાંસી વાવ વિસ્તારમાં રહેતા શૈલેષભાઈ પાંચાભાઈ ડાભી દ્વારા હિતેશભાઈ પરમાર સહિત છ લોકો સામે ફરિયાદ દાખલ કરવામાં આવી છે. શૈલેષભાઈની ફરિયાદ મુજબ, આરોપી હિતેશભાઈએ પોતાની એક્ટિવા ગાડી સાહેદ કૃણાલ ચુડાસમાની અર્ટિગા ગાડી સાથે અડાડી દેતા પ્રાથમિક તબક્કે બોલાચાલી થઈ હતી. ત્યારબાદ હિતેશભાઈ પરમાર, રાજેશ કરશનભાઈ વૈશ, નિલેશ નરશીભાઈ વૈશ, જય છગનભાઈ કરગઠીયા, ભરત ઉર્ફે ભોલુ ડાભી અને સરમણ ઉર્ફે કાલિયો પંડિતે એકસંપ થઈને શૈલેષભાઈ પર લાકડાના ધોકા વડે હિંસક હુમલો કર્યો હતો. આ હુમલામાં શૈલેષભાઈના ડાબા હાથની કોણીના ભાગે ફ્રેક્ચર જેવી ગંભીર ઈજાઓ પહોંચી હતી અને શરીરે ઢીકાપાટુનો માર મારવામાં આવ્યો હતો. આ બનાવ અંગે પણ પોલીસે રાયોટિંગ અને હુમલાની કલમો હેઠળ વળતી ફરિયાદ નોંધી છે. હિતેશભાઈ ગંભીર આક્ષેપો કરતા જણાવ્યું હતું કે સ્થાનિક ભાજપ નગરપાલિકાના કોર્પોરેટર રણજીત લખમણભાઈ ડાભી અને તેમનું આખું ગ્રુપ વિસ્તારમાં ગેરકાયદેસર વ્યાજવટાવનો કારોબાર ચલાવે છે. તેઓ ગરીબ અને મજબૂર લોકોને મહિનાના 20-20 ટકા જેટલા ઊંચા વ્યાજે નાણાં આપીને આર્થિક રીતે લૂંટી રહ્યા છે. વ્યાજ ન ચૂકવી શકનારા લોકો પાસેથી ગાડીઓ, મોબાઈલ ફોન અને સોનાની ચેન જેવી કિંમતી ચીજવસ્તુઓ પડાવીને ઘરમાં રાખી મુકવામાં આવે છે. હિતેશભાઈએ વધુમાં ખુલાસો કર્યો હતો કે વ્યાજખોરોના અસહ્ય ત્રાસ અને ડરના કારણે ભૂતકાળમાં પણ ઘણા નિર્દોષ લોકોએ આત્મહત્યા કરી લીધી છે, પરંતુ આરોપીઓના ભયને કારણે કોઈ સામે આવીને બોલવાની હિંમત કરતું નહોતું. પત્રકાર તરીકે તેમણે આ ગેરકાયદે પ્રવૃત્તિઓનો પર્દાફાશ કરવાનો પ્રયાસ કરતા તેમને અગાઉ પણ અવારનવાર જાનથી મારી નાખવાની ધમકીઓ આપવામાં આવી હતી. તેઓએ કડક શબ્દોમાં ચેતવણી આપતા જણાવ્યું હતું કે જો ભવિષ્યમાં તેમના પર, તેમના પરિવાર પર કે તેમના ઘર પર કોઈ પણ પ્રકારનો હુમલો કે અપ્રિય બનાવ બનશે તો તેની તમામ કાયદાકીય અને નૈતિક જવાબદારી રણજીત લખમણ ડાભી અને તેમના માણસોની રહેશે. હાલમાં ચોરવાડ પોલીસ સ્ટેશનના એ.એસ.આઈ. વાય.એન. વાળા દ્વારા બંને પક્ષોની ફરિયાદો અને આક્ષેપોને ધ્યાને રાખીને ઊંડાણપૂર્વક તપાસ ચલાવવામાં આવી રહી છે.
Read full article on Divya Bhaskar