top
સવારે ઉઠ્યા તો લોકોના બૂટ-ચંપલ ગાયબ, CCTV:સુરતના મોટા વરાછામાં બે હાઈરાઈઝ બિલ્ડિંગમાંથી 65 જોડી બ્રાન્ડેડ બૂટ-ચંપલ ચોરાયા, કોસાડ આવાસનો 18 વર્ષીય તસ્કર ઝડપાયો
સુરતના મોટા વરાછા વીઆઈપી સર્કલ નજીક આવેલી બે લક્ઝુરિયસ હાઈરાઈઝ સોસાયટીઓમાં વહેલી સવારે ત્રાટકીને ફ્લેટ્સ બહાર મુકેલા મોંઘા બૂટ-ચંપલ ચોરનાર એક 18 વર્ષીય યુવકને ઉત્રાણ પોલીસે ગણતરીના કલાકોમાં ઝડપી પાડ્યો છે. આરોપી ફ્લેટ્સના પેસેજમાંથી કુલ ₹55,000ની કિંમતના 65 જોડી બ્રાન્ડેડ શૂઝ ચોરી ગયો હતો, જે સમગ્ર ઘટના સીસીટીવીમાં કેદ થઈ ગઈ હતી. હીરા દલાલના ઘર બહારથી 8 જોડી સહિત કુલ 65 જોડી શૂઝ ગાયબ થયા મોટા વરાછા વીઆઈપી સર્કલ પાસે આવેલી ‘સિલ્વર મેક્ઝીમા’ અને નજીકમાં આવેલી ‘સેંટોસા હાઈટ્સ’ સોસાયટીના અલગ-અલગ ટાવરોમાં રહેતા રહીશોના ઘર બહારથી શૂઝ ચોરાવાની ઘટના સામે આવી હતી. સિલ્વર મેક્ઝીમામાં રહેતા અને હીરાદલાલી કરતા મૂળ ભાવનગરના હણોલ ગામના વતની નિલેશભાઈ દેવશીભાઈ મોરડિયાના ફ્લેટ બહારથી એકસાથે 8 જોડી કિંમતી બૂટ ગાયબ થયા હતા. આ ઉપરાંત બંને સોસાયટીના અન્ય ફ્લેટ્સમાંથી મળીને કુલ 65 જોડી બ્રાન્ડેડ શૂઝ ચોરાયા હોવાનું સામે આવતાં રહીશોમાં ભારે રોષ ફેલાયો હતો. CCTVમાં વહેલી સવારે 4થી 6 વચ્ચે પોટલું બાંધીને ભાગતો દેખાયો ઘટના અંગે સોસાયટીના સીસીટીવી ફૂટેજ તપાસતા સવારે 4:00થી 6:00 વાગ્યાના સમયગાળા દરમિયાન એક અજાણ્યો યુવક બિલ્ડિંગોના ફ્લોર પર શંકાસ્પદ રીતે આંટાફેરા કરતો જોવા મળ્યો હતો. ફૂટેજમાં સ્પષ્ટ દેખાતું હતું કે આરોપીએ દરેક ફ્લેટના દરવાજે રાખેલા મોંઘાદાટ શૂઝ એકઠા કરી, કપડાંનું મોટું પોટલું બાંધીને આસાનીથી લિફ્ટ અને સીડી મારફતે બહાર નીકળી ગયો હતો. સેકન્ડ હેન્ડ માર્કેટમાં સસ્તા ભાવે વેચવાની ફિરાકમાં હતો આ મામલે ઉત્રાણ પોલીસ મથકના પીએસઆઈ આર. ડી. ધાંધલ અને તેમની ટીમે ટેકનિકલ સર્વેલન્સ તથા હ્યુમન ઈન્ટેલિજન્સના આધારે તપાસ શરૂ કરી હતી. પોલીસે ગણતરીના કલાકોમાં 18 વર્ષીય આરોપી રેહાન ફિરોજ અબ્બાસ શેખને ઝડપી પાડ્યો હતો. પ્રાથમિક પૂછપરછમાં આરોપીએ કબૂલાત કરી હતી કે તે હાઈરાઈઝ બિલ્ડિંગોમાંથી બ્રાન્ડેડ બૂટ-ચંપલ ચોરીને સેકન્ડ હેન્ડ માર્કેટમાં રોકડમાં વેચી દેતો હતો. પોલીસે મુદ્દામાલ રિકવર કરવાની દિશામાં વધુ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
Read full article on Divya Bhaskar