top
CIPP ટેકનોલોજીનો ઉપયોગ, ટ્રાફિકને અસર નહીં થાય:પકવાનથી માનસી સર્કલ વચ્ચે રોડ ખોદ્યા વગર ગટર લાઇન રિપેર થશે: અંદર જ નવી પાઇપ બની જશે
અમદાવાદના સૌથી વ્યસ્ત અને પોશ ગણાતા પકવાન જંક્શનથી માનસી જંક્શન વચ્ચે વર્ષો જૂની ડ્રેનેજ લાઇન ચોમાસામાં વારંવાર બેસી જતી હોવાથી સ્થાનિકો અને વાહનચાલકોને મુશ્કેલી પડે છે. આ લાઇનનો ઉપરનો ભાગ (ક્રાઉન) જર્જરિત થઈ ગયો હોવાથી ભવિષ્યમાં રોડ ધસી પડવાની અને મોટી દુર્ઘટના સર્જાવાની ભીતિ હતી. આ રોડ પરથી રોજના 1.25 થી 1.50 લાખ વાહનો પસાર થાય છે, જેથી જો ખોદકામ કરીને પાઇપ બદલવામાં આવે તો વાહનવ્યવહાર ઠપ્પ થઈ જાય તેમ હતો. આ સમસ્યાના કાયમી ઉકેલ માટે મ્યુનિ. દ્વારા રોડ ખોદ્યા વગર વિદેશી ‘CIPP’ (ક્યોર્ડ-ઇન-પ્લેસ પાઇપ) ટેક્નોલોજીથી લાઇનનું રિહેબિલિટેશન કરવાનો નિર્ણય લેવાયો છે. આ કામગીરી માટે વોટર સપ્લાય કમિટીએ વર્ગો સ્પેશિયાલિટીઝ પ્રા. લિ.ના અંદાજ કરતાં 32.80% ઓછા એટલે કે રૂ.16.22 કરોડના ટેન્ડરને મંજૂરી આપી છે. ભાસ્કર એક્સપ્લેનર - સમયની 80 ટકા બચત, ભૂવો પડવાનું જોખમ ઓછું થશે રોડ ખોદ્યા વગર પાઇપ કેવી રીતે બદલાશે રસ્તો ખોદવો નહીં પડે: પકવાનથી માનસી સર્કલ વચ્ચે રોજના દોઢ લાખથી વધુ વાહનો દોડે છે. સામાન્ય રીતે ગટર બદલવા આખો રસ્તો ખોદવો પડે, જેનાથી મહિનાઓ સુધી ટ્રાફિક ઠપ્પ થઈ જાય. આ ટેકનોલોજીમાં માત્ર બે મેનહોલ વચ્ચેથી કામ થતું હોવાથી વાહનવ્યવહાર રાબેતા મુજબ ચાલુ રહે છે. સમયની 80% સુધી બચત: પરંપરાગત ખોદકામ, નવી પાઇપ નાખવી, ફરી નવો ડામર રોડ બનાવવામાં 4 થી 6 મહિના લાગી જાય છે. જ્યારે CIPP પદ્ધતિમાં થોડા જ દિવસો કે કલાકોમાં અંદરની પાઇપ તૈયાર થઈ જાય છે. લાઈનનું આયુષ્ય 40 થી 50 વર્ષ વધી જશે: જૂની જર્જરિત પાઈપની અંદર ઉતારેલું લાઈનર ગરમીથી કડક પથ્થર જેવું સખત બની જાય છે. આ નવી સાંધા વગરની પાઇપ આગામી 40 થી 50 વર્ષ સુધી અડીખમ રહેશે. પાણીનો પ્રવાહ ઝડપી થશે : નવી બનેલી પાઇપ અંદરથી કાચ જેવી લીસી હોવાથી કચરો ભરાઈ રહેતો નથી. તેનાથી પાણીના વહેણની ક્ષમતા વધે છે અને ઉભરાવાની કે બ્લોકેજની ફરિયાદ કાયમ માટે દૂર થાય છે. રોડ તૂટવાનો કે અકસ્માતનો ખતરો નાબૂદ: આ કામગીરીથી પાઈપને અંદરથી જ ફૂલ-પ્રૂફ મજબૂતી મળતાં ભૂવા પડવાની શક્યતા શૂન્ય થઈ જાય છે. (ડ્રેનેજ વિભાગના અધિકારીઓ સાથે વાતચીતના આધારે)
Read full article on Divya Bhaskar