crime
‘ડ્રગ્સ માફિયા કહા મિલેંગે... બીજેપી કે દફતર મેં’:ભાવનગરમાં લઠ્ઠાકાંડ બાદ વડોદરામાં કોંગ્રેસના ધરણા, ગૃહમંત્રીના રાજીનામાની માંગ સાથે બુટલેગરોને છાવરવાનો આક્ષેપ
ભાવનગરમાં લઠ્ઠાકાંડની ઘટનાને પગલે સમગ્ર રાજ્યમાં રાજકીય ગરમાવો આવ્યો છે. જવાબદારો સામે કડક પગલાં લેવાની માંગ સાથે ગુજરાત પ્રદેશ કોંગ્રેસ દ્વારા રાજ્યવ્યાપી વિરોધ પ્રદર્શનો કરવામાં આવી રહ્યા છે. જેના ભાગરૂપે વડોદરા શહેર કોંગ્રેસ સમિતિ દ્વારા શહેરના ઐતિહાસિક ગાંધીનગર ગૃહ ખાતે એક વિશાળ અને આક્રમક વિરોધ પ્રદર્શનનું આયોજન કરવામાં આવ્યું હતું. ભારે સૂત્રોચ્ચાર કરી વિરોધ પ્રદર્શન વડોદરા શહેર પ્રમુખ ઋત્વિજ જોષીના અધ્યક્ષ સ્થાને કોંગ્રેસના તમામ અગ્રણી નેતાઓ, કાર્યકર્તાઓ અને સ્થાનિક હોદ્દેદારો ગાંધીનગર ગૃહ ખાતે મોટી સંખ્યામાં એકઠા થયા હતા. કોંગ્રેસી કાર્યકરોએ હાથમાં બેનરો અને પ્લેકાર્ડ્સ લઈને ગાંધીનગર ગૃહની બહાર ધરણા કાર્યક્રમ યોજ્યો હતો. ધરણા દરમિયાન રાજ્યની ભાજપ સરકાર અને પોલીસ વહીવટતંત્ર સામે ઉગ્ર વિરોધ નોંધાવવામાં આવ્યો હતો તેમજ ભારે સૂત્રોચ્ચાર કરીને સમગ્ર પરિસર ગજવી મુકવામાં આવ્યું હતું. લઠ્ઠાકાંડ ગૃહમંત્રીની નિષ્ફળતા દર્શાવે છે વિરોધ પ્રદર્શન દરમિયાન કોંગ્રેસ નેતાઓએ રાજ્યના ગૃહમંત્રી હર્ષ સંઘવી સામે સીધા પ્રહારો કર્યા હતા. કોંગ્રેસનું કહેવું છે કે રાજ્યમાં દારૂબંધી હોવા છતાં અવારનવાર આવી લઠ્ઠાકાંડની ઘટનાઓ બની રહી છે, જે ગૃહ વિભાગની સંપૂર્ણ નિષ્ફળતા દર્શાવે છે. આ નૈતિક જવાબદારી સ્વીકારીને ગૃહમંત્રી હર્ષ સંઘવી તાત્કાલિક ધોરણે પોતાના પદ પરથી રાજીનામું આપે તેવી ઉગ્ર માંગણી કોંગ્રેસ દ્વારા કરવામાં આવી હતી. ધરણા સ્થળેથી ભાજપ સરકાર પર ગંભીર આક્ષેપો કરતા કોંગ્રેસે જણાવ્યું હતું કે રાજ્યમાં ભાજપ સરકાર પોતે જ અસામાજિક તત્વો અને બુટલેગરોને છાવરી રહી છે. સત્તાપક્ષ ગેરકાયદે પ્રવૃત્તિને છાવરી રહ્યું હોવાના આક્ષેપ સત્તાધારી પક્ષના આશ્રય હેઠળ જ રાજ્યમાં ગેરકાયદેસર દારૂ અને નશાકારક પદાર્થોનું નેટવર્ક ચાલી રહ્યું હોવાનો દાવો કરવામાં આવ્યો હતો. આ વિરોધ પ્રદર્શન દરમિયાન કોંગ્રેસના કાર્યકરોએ "ડ્રગ્સ માફિયા કહા મિલેંગે, બીજેપી કે દફતર મેં" જેવા તીખા અને આક્રમક નારાઓ લગાવીને સમગ્ર વાતાવરણ ગરમ કરી દીધું હતું. કોંગ્રેસે ચીમકી આપી હતી કે જો રાજ્યમાં બુટલેગરો અને અસામાજિક તત્વો સામે કડક કાર્યવાહી કરવામાં નહીં આવે અને લઠ્ઠાકાંડના પીડિતોને યોગ્ય ન્યાય નહીં મળે, તો આગામી દિવસોમાં આ વિરોધ પ્રદર્શનને વધુ સઘન અને ઉગ્ર બનાવવામાં આવશે.
Read full article on Divya Bhaskar