top
ડ્રગ્સ માફિયાઓ પર સુરત પોલીસનો સપાટો:અઠવાલાઇન્સ અને અમરોલીમાંથી લાખોના MD ડ્રગ્સ અને ગાંજા સાથે બે પેડલરો જેલભેગા, સપ્લાયરોની શોધખોળ તેજ
સુરત શહેરમાં નશાના કારોબારને જડમૂળથી નાબૂદ કરવા તેમજ યુવાધનને બરબાદી તરફ ધકેલતા ડ્રગ્સ પેડલરો વિરુદ્ધ ‘નો ડ્રગ્સ ઇન સુરત સિટી’ અભિયાન હેઠળ કડક ઝુંબેશ તેજ કરવામાં આવી છે. આ ઝુંબેશ અંતર્ગત શહેરના અઠવાલાઇન્સ અને અમરોલી વિસ્તારમાં પોલીસે અલગ-અલગ દરોડા પાડી ગેરકાયદેસર રીતે ડ્રગ્સનું વેચાણ અને હેરાફેરી કરતા બે શખ્સોને લાખો રૂપિયાના નશીલા પદાર્થો સાથે ઝડપી પાડ્યા છે. પોલીસે પ્રતિબંધિત મેફેડ્રોન ડ્રગ્સનો જથ્થો જપ્ત કર્યો પ્રથમ ઘટનામાં અઠવાલાઇન્સ પોલીસ વિસ્તાર હેઠળના ઝીંગા સર્કલ પાસેથી બાતમીના આધારે વોચ ગોઠવી એક ઇસમને ઝડપી લેવામાં આવ્યો હતો. પોલીસે આરોપી ખલીલ લુકમાન ઉર્ફે લુખમાન શેખની અંગજડતી લેતાં તેની પાસેથી પ્રતિબંધિત મેફેડ્રોન (MD) ડ્રગ્સનો જથ્થો મળી આવ્યો હતો. તેની પાસેથી આશરે 27.46 ગ્રામ એમ.ડી. ડ્રગ્સ કિંમત રૂ. 82,380 તેમજ મોબાઈલ ફોન સહિત કુલ રૂ. 97,240નો મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યો છે. પકડાયેલ આરોપી રીઢો ગુનાહિત ઇતિહાસ ધરાવે છે અને અગાઉ પણ એનડીપીએસ તેમજ અન્ય ગુનાઓમાં સંડોવાયેલો રહ્યો છે. પ્રાથમિક તપાસમાં આ નશીલો જથ્થો પૂરો પાડનાર અન્ય એક શખ્સનું નામ સામે આવતાં તેને વોન્ટેડ જાહેર કરી એનડીપીએસ એક્ટ હેઠળ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. 1.997 કિગ્રા ગાંજાના જથ્થા સાથે એકને ઝડપી પાડ્યો બીજી એક કાર્યવાહીમાં અમરોલી પોલીસ વિસ્તારમાં આવેલા કોસાડ આવાસ (એચ-૩) ખાતે મળેલ ચોક્કસ બાતમીના આધારે મકાનમાં દરોડો પાડવામાં આવ્યો હતો. ત્યાંથી ભોલાશંકર મેઘનાથ પરીડા નામના શખ્સને ગેરકાયદેસર રીતે રાખેલા 1.997 કિલોગ્રામ ગાંજાના જથ્થા સાથે પકડી પાડવામાં આવ્યો હતો. પોલીસે સ્થળ પરથી રૂ. 99,850 ની કિંમતનો ગાંજો, બેગ, લાઈટબિલ તથા રેલવે ટિકિટ સહિતનો મુદ્દામાલ કબ્જે કર્યો છે. તપાસ દરમિયાન આ જથ્થો ઓડિશાથી લાવવામાં આવ્યો હોવાનું ખુલતાં ઓડિશાના સપ્લાયરને વોન્ટેડ જાહેર કરવામાં આવ્યો છે. આમ, શહેરમાંથી પ્રતિબંધિત કેફી દ્રવ્યોનો મોટો જથ્થો પકડી પાડી પોલીસે નશાના નેટવર્ક સાથે સંકળાયેલા તત્વો સામે કડક કાનૂની કાર્યવાહી શરૂ કરી છે.
Read full article on Divya Bhaskar