crime
ગાંધીનગર મનપાની ફૂડ શાખાની લાલ આંખ:NFSU-GNLUની કેન્ટિન સહિત 18 હોટલોમાં દરોડા, ભારે ગંદકી બદલ 2 જાણીતી રેસ્ટોરન્ટ 3 દિવસ માટે સસ્પેન્ડ
ગાંધીનગર મહાનગરપાલિકા (GMC) વિસ્તારમાં આવેલી શૈક્ષણિક સંસ્થાઓમાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓ અને નાગરિકોને શુદ્ધ તેમજ પૌષ્ટિક ખોરાક મળી રહે તે હેતુથી ફૂડ સેફ્ટી શાખા દ્વારા સઘન ચેકિંગ ઝુંબેશ હાથ ધરવામાં આવી છે. મનપાના ડેઝિગ્નેટેડ ઓફિસર એસ. એ. ઓડની આગેવાની હેઠળની ફૂડ ટીમે નેશનલ ફોરેન્સિક સાયન્સિસ યુનિવર્સિટી (NFSU) અને ગુજરાત નેશનલ લૉ યુનિવર્સિટી (GNLU) ની વિદ્યાર્થી મેસ સહિત શહેરની 18 જેટલી હોટલ-રેસ્ટોરન્ટ્સમાં આકસ્મિક તપાસ કરી હતી. આ તપાસ દરમિયાન રસોડા અને કેન્ટિનમાં ગંભીર ક્ષતિઓ તથા અસ્વચ્છતા સામે આવી હતી. કેન્ટીનમાંથી ખાદ્યપદાર્થોના 6 જેટલા શંકાસ્પદ નમૂના લેબોરેટરીમાં મોકલાયા ‘ફૂડ સેફ્ટી એન્ડ સ્ટાન્ડર્ડ્સ એક્ટ-2006’ના શિડ્યુલ-4ની જોગવાઈઓ મુજબ સેનિટરી તેમજ હાઇજિનિક સ્થિતિ યોગ્ય ન જણાતાં NFSU અને GNLUની મેસ સંભાળતી કેટરિંગ એજન્સીઓને તાત્કાલિક સુધારો લાવવા માટે ‘ઇમ્પ્રુવમેન્ટ નોટિસ’ ફટકારવામાં આવી છે. આ ઉપરાંત જીએનએલયુની કેન્ટીનમાંથી ખાદ્યપદાર્થોના 6 જેટલા શંકાસ્પદ નમૂના લઈ પૃથ્થકરણ માટે લેબોરેટરીમાં મોકલવામાં આવ્યા છે, જેનો રિપોર્ટ આવ્યા બાદ નિયમભંગ કરનારાઓ સામે વધુ આકરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરાશે. બંને પેઢીઓના રજિસ્ટ્રેશન તાત્કાલિક અસરથી સસ્પેન્ડ કરવાનો આદેશ બીજી તરફ, શહેરમાં હાથ ધરાયેલી તપાસ દરમિયાન સેક્ટર-16માં આવેલી જાણીતી ‘મિસ્ટર ઢોસા સાઉથ ઇન્ડિયન રેસ્ટોરન્ટ’ અને ‘શ્રી રાધે છોલે કુલચે’ ખાતે ભારે ગંદકી અને અસ્વચ્છતા જોવા મળી હતી. નિયમોના ખુલ્લેઆમ ઉલ્લંઘન બદલ આ બંને પેઢીઓના રજિસ્ટ્રેશન તાત્કાલિક અસરથી 3 દિવસ માટે સસ્પેન્ડ કરવાનો આદેશ કરવામાં આવ્યો છે. મનપા તંત્રએ કડક ચેતવણી આપી છે કે, જો નિયત સમયગાળામાં હાઇજિનની સ્થિતિમાં સુધારો નહીં થાય, તો તેમના લાયસન્સ કાયમી ધોરણે રદ કરી દેવામાં આવશે. આ સમગ્ર ઝુંબેશ દરમિયાન વિવિધ સ્થળોએથી ખાદ્યચીજોના કુલ 12 જેટલા નમૂના એકત્રિત કરાયા છે. આગામી દિવસોમાં પણ સરપ્રાઈઝ ચેકિંગ ચાલુ રહેશે ફૂડ સેફ્ટી શાખા દ્વારા શહેરના તમામ હોટલ-રેસ્ટોરન્ટ સંચાલકોને સ્પષ્ટ સૂચના આપવામાં આવી છે કે ખાદ્યપદાર્થો બનાવવામાં કોઈપણ પ્રકારના બિનઆરોગ્યપ્રદ કૃત્રિમ કલરનો ઉપયોગ કરવો નહીં અને ખોરાક પેક કરવા કે પીરસવા માટે અખબાર (ન્યૂઝપેપર) નો ઉપયોગ કરવા પર સંપૂર્ણ પ્રતિબંધ રહેશે. નાગરિકોના સ્વાસ્થ્ય સાથે ચેડાં કરનારા કોઈપણ એકમ સામે આગામી દિવસોમાં પણ કોઈપણ જાતની બાંધછોડ વગર સરપ્રાઈઝ ચેકિંગ અને કડક કાનૂની કાર્યવાહી ચાલુ રાખવામાં આવશે.
Read full article on Divya Bhaskar