crime
ગેરકાયદે કનેક્શનો સામે મનપા લાલઘૂમ:ગાંધીનગરમાં અનધિકૃત પાણી-ગટર જોડાણ ધારકો સામે કડક કાર્યવાહી, 16 કનેક્શન કાપી 61ને નોટિસ
ગાંધીનગર શહેરમાં નાગરિકોને સુવ્યવસ્થિત સુવિધાઓ પૂરી પાડવાના દાવાઓ વચ્ચે મહાનગર પાલિકાનું તંત્ર એક્શન મોડમાં આવી ગયું છે. શહેરમાં વધતાં જતા ગેરકાયદેસર પાણી તથા ગટરના અનધિકૃત જોડાણો સામે મનપાએ ઝુંબેશ હાથ ધરી સ્થળ પર જ 16 કનેક્શન કાપી 61ને નોટિસ આપી છે. જેથી રહીશોમાં ફફડાટ વ્યાપી ગયો છે. પાણી ચોરી અને ગટરના બિનઅધિકૃત જોડાણો સામે તંત્રની કાર્યવાહી પાટનગરમાં કાયદો અને વ્યવસ્થાના પાલનની સાથે પાલિકાની આવકને નુકસાન પહોંચાડતા તત્વો સામે તંત્ર દ્વારા તપાસ ઝુંબેશનો આરંભ કરવામાં આવ્યો છે. શહેરના વિવિધ વિસ્તારોમાં લાંબા સમયથી ચાલી રહેલી ગેરકાયદેસર પાણી ચોરી અને ગટરના બિનઅધિકૃત જોડાણોની ફરિયાદોને ગંભીરતાથી લઈને મનપાના વોટર વર્ક્સ અને ડ્રેનેજ વિભાગે સંયુક્ત રીતે આ ઓપરેશન પાર પાડ્યું હતું. મનપાએ ચેકિંગ દરમિયાન 61 નોટિસો ફટકારી તંત્રની તપાસ દરમિયાન અનેક આસામીઓએ વગર મંજૂરીએ કે નિયમો વિરુદ્ધ જઈને મુખ્ય લાઇનમાંથી અંગત સ્વાર્થ માટે કનેક્શનો ખેંચી લીધા હોવાનું બહાર આવ્યું હતું. આ ગંભીર ગેરરીતિ સામે ન્યૂઝીંગ અને ચેકિંગ હાથ ધરીને મનપાએ તાત્કાલિક ધોરણે કડક કાર્યવાહી કરી છે. મળતી માહિતી મુજબ આ વિશેષ ડ્રાઈવ અંતર્ગત છેલ્લા માત્ર બે દિવસના સમયગાળામાં જ મનપાએ કુલ 61 જેટલી સત્તાવાર નોટિસો ફટકારી દીધી છે. પાણી અને ગટરના 16 જોડાણોને કાપી નખાયા જે મિલકતધારકો કે વ્યવસાયિક એકમો દ્વારા કોઈપણ પ્રકારની કાયદેસરની પરવાનગી કે એપ્રૂવલ વગર પાણી અને ગટરના કનેક્શનો મેળવવામાં આવ્યા હતા. તે તમામ સામે આ નોટિસો જારી કરીને ખુલાસો માંગવામાં આવ્યો છે. માત્ર કાગળ પર નોટિસો આપીને સંતોષ માનવાને બદલે તંત્રએ ગ્રાઉન્ડ ઝીરો પર ઉતરીને અદ્યતન મશીનરી અને સ્ટાફની મદદથી સ્થળ પર જ કાર્યવાહી કરી હતી. આ કડક કાર્યવાહીના ભાગરૂપે નિયમોને ઘોળીને પીનારા કુલ 16 જેટલા પાણી અને ગટરના મુખ્ય જોડાણોને સ્થળ ઉપર જ તાત્કાલિક અસરથી કાપી નાખવામાં આવ્યા હતા. મનપાની આ અચાનક અને આક્રમક કાર્યવાહીના પગલે સમગ્ર શહેરમાં ગેરકાયદેસર જોડાણો ધરાવતા આસામીઓમાં ભારે દોડધામ અને ફફડાટ વ્યાપી ગયો છે. આ અંગે ગાંધીનગર મનપા તંત્ર દ્વારા શહેરના તમામ નાગરિકો, રહેવાસીઓ અને વેપારીઓ તેમજ વાણિજ્યિક એકમોના સંચાલકોને અપીલ સાથે સ્પષ્ટ તાકીદ કરી છે કે દરેક નાગરિક પોતાના ઘરો, દુકાનો કે કોમ્પ્લેક્સના પાણી અને ગટરના કનેક્શનો સંપૂર્ણપણે કાયદેસર અને મનપાના પ્રવર્તમાન નિયમો મુજબના જ હોવાની ખાસ ખાતરી કરી લે. જો ભવિષ્યમાં પણ આવી ગેરરીતિઓ જારી રહેશે તો તંત્ર દ્વારા કોઈની પણ શેહશરમ રાખ્યા વિના વધુ આકરી ફોજદારી અને દંડાત્મક કાર્યવાહી હાથ ધરવામાં આવશે.
Read full article on Divya Bhaskar