crime
ગોધરાના બખ્ખર ગામે મકાનમાં આગ:ઘરવખરી અને અનાજ બળીને ખાખ, પોલીસ તપાસ શરૂ
ગોધરા તાલુકાના બખ્ખર ગામના ડબ્બા ફળિયામાં આવેલા એક મકાનમાં અચાનક આગ લાગી હતી. આ ઘટનામાં મકાનની છત, ઘરવખરીનો સામાન અને અનાજ બળીને ખાખ થઈ ગયું હતું, જેના કારણે પરિવારને મોટું નુકસાન થયું છે. મળતી માહિતી મુજબ, આ મકાન કલ્પેશકુમાર મણીલાલ પટેલનું છે, જેઓ સેન્ટિંગ મજૂરીનું કામ કરે છે. આગ અચાનક અને અગમ્ય કારણોસર લાગી હતી. આગે જોતજોતામાં વિકરાળ સ્વરૂપ ધારણ કર્યું હતું, જેના કારણે મકાનની છતનો ભાગ અને ઘરમાં રહેલો તમામ ઘરવખરીનો સામાન તેમજ અનાજ આગની ઝપેટમાં આવી ગયા હતા. ઘટનાની જાણ થતાં જ ફાયર વિભાગની ટીમ તાત્કાલિક સ્થળ પર પહોંચી હતી. ફાયર ફાઈટરોએ પાણીનો મારો ચલાવી આગ પર કાબુ મેળવ્યો હતો અને તેને વધુ ફેલાતી અટકાવી હતી. આ બનાવ અંગે મકાન માલિક કલ્પેશકુમાર પટેલે ગોધરા તાલુકા પોલીસને જાણ કરી હતી. પોલીસે ઘટનાની નોંધ લઈ આગ લાગવાના ચોક્કસ કારણો જાણવા માટે વધુ તપાસ હાથ ધરી છે.
Read full article on Divya Bhaskar