crime
ગોધરાના દયાલકાકરા ગામે ઝેરી સાપે ડંખ મારતાં યુવાનનું મોત:યુવક ઘરમાં જમીન પર સૂતો હતો; સારવાર દરમિયાન દમ તોડ્યો
ગોધરા તાલુકાના દયાલ કાકરા ગામે ઝેરી સાપ કરડવાથી 22 વર્ષીય યુવકનું સારવાર દરમિયાન મૃત્યુ થયું છે. આ ઘટનાથી નાયક પરિવારમાં શોકનો માહોલ છવાઈ ગયો છે. પ્રાપ્ત માહિતી અનુસાર, દયાલ કાકરા ગામના નાયક ફળિયા, નવી વસાહતમાં રહેતા 22 વર્ષીય હરસિલ ભીમસિંગભાઈ નાયક રવિવારની મોડી રાત્રે પોતાના ઘરમાં જમીન પર સૂઈ રહ્યા હતા. તે સમયે કોમન ક્રેત (કાળોતરો) પ્રજાતિના ઝેરી સાપે તેમને હાથના ભાગે ડંખ માર્યો હતો. સાપ કરડ્યાની જાણ થતાં જ પરિવારજનો દ્વારા હરસિલભાઈને તાત્કાલિક ગોધરાની હોસ્પિટલમાં સારવાર માટે ખસેડવામાં આવ્યા હતા. જોકે, 19 ઓગસ્ટના રોજ સારવાર દરમિયાન તેમનું અવસાન થયું હતું. આશાસ્પદ યુવકના અકાળે થયેલા નિધનથી પરિવારમાં ભારે શોકની લાગણી વ્યાપી છે. નોંધનીય છે કે કોમન ક્રેત, જેને કાળોતરો પણ કહેવાય છે, તે અત્યંત ઝેરી સાપ માનવામાં આવે છે. તે ભારતમાં જોવા મળતા સૌથી ઝેરી સાપો પૈકીનો એક છે. ખાસ કરીને મોડી રાત્રે અંધારામાં અને જમીન પર સૂતા લોકો માટે તેના ડંખનું જોખમ વધુ હોય છે.
Read full article on Divya Bhaskar