crime
ગોતાની પરિણીતાની સાબરમતી નદીમાં મોતની છલાંગ, 14 દિવસે મળ્યો મૃતદેહ:આપઘાત કેસમાં નણદોઈ સામે દુષ્પ્રેરણાની ફરિયાદ, બીજી પત્ની બનાવવાની જીદ પકડીને છેલ્લે તરછોડી દીધી
અમદાવાદમાં સંબંધોને લજવતો અને એક પરિણીતાની જિંદગી હોમી દેતો કિસ્સો સામે આવ્યો છે. ગોતા વિસ્તારમાં રહેતી 27 વર્ષીય પરિણીતાને તેના જ નણદોઈએ પ્રેમજાળમાં ફસાવી હતી. પરિવારથી છુપાવીને ત્રણ-ત્રણ મોબાઇલ ફોન આપી સતત વાતચીત ચાલુ રાખી હતી. છેવટે જ્યારે પરિણીતા પોતાનું ઘર છોડીને તેના ભરોસે નીકળી ગઈ ત્યારે નણદોઈએ તેને સ્વીકારવાનો કે સાથે રાખવાનો સ્પષ્ટ ઇનકાર કરી દીધો હતો. પ્રેમમાં દગો મળતાં અને રસ્તો ન સૂઝતાં હતાશ પરિણીતાએ સાબરમતી રિવરફ્રન્ટ પરથી નદીમાં કૂદીને આત્મહત્યા કરી લીધી હતી. આ ઘટનામાં 14 દિવસ બાદ પરિણીતાનો મૃતદેહ મળ્યો હતો, જે બાદ પિતાની ફરિયાદના આધારે રિવરફ્રન્ટ પશ્ચિમ પોલીસે આરોપી નણદોઈ સામે આપઘાત માટે દુષ્પ્રેરણનો ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. ગોતામાં રહેતી વખતે પાડોશમાં રહેતા નણદોઈ સાથે પ્રેમસંબંધ બંધાયો હતો પોલીસ ફરિયાદ અનુસાર જૂના વાડજમાં રામાપીર મંદિર પાસે વણઝારા વાસમાં રહેતા ઓમજી વણઝારા પૂજાવિધિનું કામ કરી પરિવારનું ગુજરાન ચલાવે છે. તેમની 27 વર્ષીય પુત્રી ગુડીયાબેનના લગ્ન 23 મે, 2022ના રોજ ભરતભાઇ જીવાજી વણઝારા સાથે થયા હતા. છેલ્લા દોઢેક વર્ષથી ગુડીયાબેન અને તેમના પતિ ગોતાના વાળીનાથ ચોક પાસે કાચા છાપરામાં રહેતા હતા. આ દરમિયાન તેમની બાજુમાં જ રહેતા ગુડીયાબેનના નણદોઈ ભરતભાઇ ઉર્ફે સોમો વાઘાજી જવ સાથે પરિણીતાને પરિચય થયો હતો અને બાદમાં બંને વચ્ચે પ્રેમસંબંધ બંધાયો હતો. પંચાયત ભરી સમાધાન કરાયું છતાં નણદોઈએ પીછો ન છોડ્યો આ અનૈતિક સંબંધની જાણ બંને પરિવારોને થતાં જુલાઈ-2026માં પરિવાર વચ્ચે પંચાયત મળી હતી. જેમાં મામલો થાળે પાડવા માટે ગુડીયાબેનને સાસરેથી તેડીને તેમના પિયર જૂના વાડજ મોકલી દેવાયા હતા. તેમ છતાં આરોપી ભરત ઉર્ફે સોમાએ ગુડીયાબેનનો પીછો છોડ્યો નહોતો. તેણે ગુડીયાબેનને પરિવારજનોની જાણ બહાર ગુપ્ત રીતે ત્રણ-ત્રણ મોબાઇલ ફોન આપ્યા હતા અને વાતચીત કરવાનું ચાલુ રાખ્યું હતું. આ બાબતની જાણ થતાં ગુડીયાબેનના ભાઈએ ભરતને સમજાવવાનો પ્રયાસ કર્યો હતો, પરંતુ ભરતે પોતે પરણેલો હોવા છતાં "હું ગુડીયાને બીજી પત્ની બનાવીને મારી સાથે જ રાખીશ" તેવી જીદ પકડી રાખી હતી. 'મને લઈ જા' કહેતાં જ નણદોઈએ હાથ ખંખેરી લીધા ગત 24 સપ્ટેમ્બરની મોડી રાત્રે ગુડીયાબેન પિયરેથી કોઈને કહ્યા વગર નીકળી ગયા હતા. ઘર છોડ્યા બાદ તેમણે નણદોઈ ભરતને ફોન કરીને કહ્યું હતું કે, "હું ઘરેથી નીકળી ગઈ છું, મને તારી સાથે લઈ જા." પરંતુ આ સમયે આરોપી ભરતે અચાનક પલટી મારી તેને સ્વીકારવાની સાફ ના પાડી દીધી હતી. પિયર અને સાસરી બંનેના દરવાજા બંધ થઈ ગયા હોવાનો અહેસાસ થતાં ગુડીયાબેન સાબરમતી રિવરફ્રન્ટ પશ્ચિમ તરફ પહોંચ્યા હતા અને સીડી નંબર-31 પાસેના વોક-વે પરથી ઊંડા પાણીમાં ઝંપલાવી દીધું હતું. 14 દિવસની શોધખોળ બાદ મૃતદેહ મળ્યો ગુડીયાબેન ગુમ થતાં પરિવારે શોધખોળ હાથ ધરી હતી. આખરે બનાવના 14 દિવસ બાદ 8 ઓક્ટોબરના રોજ સાબરમતી નદીમાંથી ગુડીયાબેનનો કોહવાયેલી હાલતમાં મૃતદેહ મળી આવ્યો હતો. પોલીસે શરૂઆતમાં અકસ્માત મોતનો ગુનો નોંધી તપાસ હાથ ધરી હતી. તપાસ દરમિયાન મૃતકના મોબાઈલની વિગતો અને પારિવારિક વિવાદ સામે આવતાં મૃતકના પિતા ઓમજીભાઈએ સત્તાવાર ફરિયાદ નોંધાવી હતી. સાબરમતી રિવરફ્રન્ટ પશ્ચિમ પોલીસે આરોપી ભરત વાઘાજી જવ સામે આપઘાતની દુષ્પ્રેરણા હેઠળ ગુનો નોંધીને આરોપીની ધરપકડ માટે ચક્રો ગતિમાન કર્યા છે.
Read full article on Divya Bhaskar