top
ગુજરાતમાં પાણી વ્યવસ્થાપન માટે સરકારનો મોટો નિર્ણય:ખેડૂતો માટે નર્મદાનું વધારાનું પાણી, 3 વિસ્તારોમાં પાણીની મુદત લંબાવાઈ
રાજ્યમાં પીવાના અને સિંચાઈના પાણીના યોગ્ય વ્યવસ્થાપનને લઈને મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના અધ્યક્ષસ્થાને ગાંધીનગરમાં ઉચ્ચસ્તરીય બેઠક યોજાઈ હતી. નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવી વિડિયો કોન્ફરન્સના માધ્યમથી બેઠકમાં જોડાયા હતા. બેઠકમાં ખરીફ ઋતુ દરમિયાન ખેડૂતોને સિંચાઈ માટે પૂરતું પાણી મળી રહે તે માટે નર્મદા યોજનામાંથી વધારાનું પાણી ફાળવવાના 3 મહત્વપૂર્ણ નિર્ણયો લેવામાં આવ્યા છે. મહી કમાન્ડ વિસ્તારમાં 20 દિવસ સુધી 5 હજાર ક્યુસેક પાણી રાજ્ય સરકારે મહી કમાન્ડ વિસ્તારમાં સિંચાઈ માટે નર્મદા યોજનામાંથી 20 દિવસ માટે 5,000 ક્યુસેક પાણી આપવાનો નિર્ણય કર્યો છે. આ નિર્ણયથી ખરીફ પાકને જરૂરી સિંચાઈનું પાણી ઉપલબ્ધ કરાવવામાં મદદ મળશે. જામનગર-દ્વારકામાં વધુ 10 દિવસ નર્મદાનું પાણી ઓછા વરસાદવાળા દેવભૂમિ દ્વારકા અને જામનગર જિલ્લામાં સૌની યોજનાની લિંક-1 મારફતે નર્મદાનું પાણી 19 ઓગસ્ટ, 2026થી આપવામાં આવી રહ્યું છે. ઉભા પાકને બચાવવા માટે હવે આ પાણીનો પુરવઠો વધુ 10 દિવસ ચાલુ રાખવાનો નિર્ણય લેવાયો છે. ઉત્તર ગુજરાતને 2 હજાર ક્યુસેક પાણી વધુ 15 દિવસ ઉત્તર ગુજરાતમાં સુજલામ-સુફલામ પાઇપલાઇન યોજના મારફતે 19 ઓગસ્ટથી નર્મદા યોજનામાંથી 2,000 ક્યુસેક પાણી આપવામાં આવી રહ્યું છે. હવે આ પાણીનો પુરવઠો વધુ 15 દિવસ સુધી ચાલુ રાખવામાં આવશે. વરસાદની સ્થિતિ અને અલ નીનોને લઈને સરકાર સતર્ક બેઠકમાં રાજ્યમાં પ્રવર્તમાન અલ નીનો (El Niño)ની સ્થિતિને કારણે વરસાદ અને પાણીની ઉપલબ્ધતા પર થનારી સંભવિત અસર અંગે પણ વિગતવાર ચર્ચા કરવામાં આવી હતી. જળાશયોમાં પાણીની આવક અને સિંચાઈ માટે ઉપલબ્ધ પાણીની સ્થિતિની સમીક્ષા કરવામાં આવી હતી. મુખ્યમંત્રીએ સ્પષ્ટ સૂચના આપી હતી કે, જો આગામી સમયમાં પૂરતો વરસાદ ન થાય અને જળાશયોમાં પાણીની આવકમાં વધારો ન થાય તો પીવાના પાણીની જરૂરિયાતને સર્વોચ્ચ પ્રાથમિકતા આપવામાં આવે. અછતગ્રસ્ત વિસ્તારોમાં પાણી પુરવઠો જાળવવા સૂચના શહેરી અને ગ્રામ્ય વિસ્તારોમાં, ખાસ કરીને પાણીની અછત ધરાવતા અને સંવેદનશીલ વિસ્તારોમાં પીવાના પાણીનો પુરવઠો સુચારુ અને અવિરત રહે તે માટે જરૂરી તમામ વ્યવસ્થા કરવા મુખ્યમંત્રીએ સંબંધિત વિભાગોને સૂચના આપી હતી. જિલ્લા કક્ષાના અધિકારીઓને પાણીની સ્થિતિ પર સતત નજર રાખવા, ઉપલબ્ધ જળસંસાધનોનો કાર્યક્ષમ અને કરકસરપૂર્વક ઉપયોગ કરવા તથા જરૂરિયાત મુજબ તાત્કાલિક પગલાં લેવા પણ તાકીદ કરવામાં આવી છે. સરકારની નજર સતત વરસાદ, જળાશયોની સપાટી અને પાણીની ઉપલબ્ધતા પર રહેશે. પરિસ્થિતિ પ્રમાણે ખેડૂતો અને રાજ્યની જનતાના હિતમાં સમયાંતરે જરૂરી નિર્ણયો લેવામાં આવશે. સાથે જ મુખ્યમંત્રીએ નાગરિકો અને ખેડૂતોને પાણીનો કરકસરપૂર્વક ઉપયોગ કરવા તથા પાણી સંરક્ષણમાં સહયોગ આપવા અપીલ કરી છે.
Read full article on Divya Bhaskar