top
ગુજરાતની 5 સેવાભાવી હોસ્પિટલોને મળી અત્યાધુનિક એમ્બ્યુલન્સ:મંત્રી પાનસેરિયાએ કહ્યું- બોગસ ડિગ્રી રજૂ કરી ફોટા પડાવી સન્માન લઈ જનારાને પણ છોડીશું નહીં
રાજ્યમાં સાચા અર્થમાં માનવ સેવા કરી રહેલી અને જ્યાં દર્દીઓ માટે કોઈ કેશ કાઉન્ટર જ નથી તેવી વિનામૂલ્યે સારવાર આપતી ટ્રસ્ટની હોસ્પિટલો માટે એક પ્રશંસનીય પહેલ હાથ ધરવામાં આવી છે. સમાજના છેવાડાના અને જરૂરિયાતમંદ નાગરિકોને કટોકટીના સમયે સુલભ તેમજ ત્વરિત આરોગ્ય સેવાઓ મળી રહે તેવા ઉદ્દેશ્ય સાથે CSR ફંડના માધ્યમથી પાંચ સેવાભાવી હોસ્પિટલોને આધુનિક એમ્બ્યુલન્સ અર્પણ કરવાનો સમારોહ યોજાયો હતો. રાજ્યમંત્રી પ્રફુલ પાનસેરિયાના વરદ હસ્તે આ વાહનોનું લોકાર્પણ કરીને માનવ સેવામાં કાર્યરત ટ્રસ્ટીઓ અને સંસ્થાઓની કામગીરીને બિરદાવવામાં આવી હતી. જ્યારે સુરત ખાતે આયોજિત એક કાર્યક્રમમાં બોગસ ડિગ્રી ધરાવતા તબીબનું સન્માન થવાના મામલે વિવાદ વકરતા રાજ્યકક્ષાના આરોગ્ય મંત્રી પ્રફુલ પાનસેરિયાએ ખુલ્લી ચેતવણી આપી છે. મંત્રીએ જણાવ્યું હતું કે, આવી બદમાશી કરનારા તત્વો સામે તાત્કાલિક એક્શન લેવામાં આવ્યા છે અને મનના મેલા આવા લોકોને કોઈપણ સંજોગોમાં છોડવામાં આવશે નહીં. કઈ 5 સેવાભાવી હોસ્પિટલોને એમ્બ્યુલન્સ સોંપાઈ પ્રથમ તબક્કામાં દર્દીઓની નિઃસ્વાર્થ સેવા કરતી પાંચ હોસ્પિટલોને એમ્બ્યુલન્સ સુપરત કરવામાં આવી છે. જેમાં માતુશ્રી રામુબા તથા માતુશ્રી શાંતાબા વીડિયા હોસ્પિટલ (ડાયમંડ હોસ્પિટલ), વિદ્યાગુરુ ફાઉન્ડેશન ટ્રસ્ટ સંચાલિત શેઠ લલ્લુભાઈ હોસ્પિટલ, સાવરકુંડલા, સ્વામી શ્રી નિર્દોષાનંદજી માનવસેવા હોસ્પિટલ, ટીંબી, દિનબંધુ ચેરિટેબલ હોસ્પિટલ, ખોલવડ અને પૂજ્ય મુક્તાનંદ બાપુ પ્રેરિત જય અંબે મલ્ટી સ્પેશ્યાલિટી હોસ્પિટલ, ચાપરડાનો સમાવેશ થાય છે. કુલ 25 એમ્બ્યુલન્સ ફાળવવાનો દ્રઢ સંકલ્પ આ પ્રસંગે સંબોધન કરતાં મંત્રીએ જણાવ્યું હતું કે, ગુજરાતમાં દાનના આધારે વિનામૂલ્યે આરોગ્ય સેવા પૂરી પાડતી સંસ્થાઓ ખૂબ મોટો પવિત્ર યજ્ઞ ચલાવી રહી છે. આ સંસ્થાઓમાં સારવાર લેવા આવતા દર્દીઓને લાવવા-લઈ જવામાં સરળતા રહે તે માટે કુલ 25 અત્યાધુનિક અને મજબૂત એમ્બ્યુલન્સ ફાળવવાનો દ્રઢ સંકલ્પ કરવામાં આવ્યો છે. જે પૈકી CSR ફંડમાંથી આજે પ્રથમ તબક્કાની 5 એમ્બ્યુલન્સ સેવામાં મૂકવામાં આવી છે અને આગામી દિવસોમાં ક્રમશઃ બાકીની એમ્બ્યુલન્સ પણ આ સંસ્થાઓને સોંપવામાં આવશે. ‘દર્દીઓ પાસેથી એક પણ રૂપિયો ચાર્જ નહીં લેવાય’ તેમણે વિશેષ સ્પષ્ટતા કરતાં જણાવ્યું હતું કે, 108 ઇમરજન્સી સેવાની સાથોસાથ પ્રાઇવેટ ટ્રસ્ટની આ હોસ્પિટલો આજુબાજુના અંતરિયાળ ગ્રામ્ય વિસ્તારોમાં કાર્યરત બનશે. સૌથી મહત્વની બાબત એ છે કે આ એમ્બ્યુલન્સ સેવામાં કોઈપણ ગરીબ કે સામાન્ય દર્દી પાસેથી એક પણ રૂપિયાનો ચાર્જ લેવામાં નહીં આવે. હાર્ટ એટેક (કાર્ડિયાક ઇમરજન્સી), સર્પદંશ કે સગર્ભા બહેનોની પ્રસુતિ જેવી ગંભીર સ્થિતિમાં આ વાહનો ગ્રામીણ નાગરિકો માટે સંજીવની સમાન સાબિત થશે. આ સાથે જ તેમણે નિઃસ્વાર્થ ભાવે કાર્યરત તમામ ટ્રસ્ટીઓની સેવાભાવનાને વંદન કર્યા હતા. ‘બોગસ ડિગ્રી રજૂ કરી સન્માન મેળવ્યું તેની જાણ ન હતી’ સમગ્ર હકીકત જણાવતા આરોગ્ય મંત્રી પ્રફુલ પાનસેરિયાએ કહ્યું હતું કે, ચેમ્બર ઓફ કોમર્સ જેવી સુરત શહેરની પ્રતિષ્ઠિત સંસ્થા તથા ઓલ ગુજરાત આયુર્વેદ એસોસિએશન દ્વારા સરસાણા હોલ ખાતે દિવસભરની આયુર્વેદ કોન્ફરન્સનું આયોજન કરવામાં આવ્યું હતું. આ સમારોહમાં અમે મહેમાન તરીકે ઉપસ્થિત રહ્યા હતા. ત્યાં ડોક્ટરોનું સન્માન કરવામાં આવી રહ્યું હતું, જેમાં એક વ્યક્તિએ એસોસિએશન સમક્ષ નકલી-બોગસ દસ્તાવેજો કે ડિગ્રી રજૂ કરીને સન્માન સ્વીકાર્યું હતું. આ બાબતની જાણ સરકાર કે અમને નહોતી. ‘અમારી સાથે ફોટા પડાવી સન્માન લઈ જનારા ભોગવવા તૈયાર રહે’ મીડિયા દ્વારા ધ્યાને દોરાતાની સાથે જ તાત્કાલિક કડક પગલાં લેવાયા હોવાનું જણાવતા મંત્રીએ ચીમકી ઉચ્ચારી હતી કે, જે લોકો પોતાના મેલા મનની મુરાદ સાચી અને સારી સાબિત કરવા માટે અમારી સાથે ફોટો પડાવી જાય, ઇનામ કે સન્માન લઈ જાય, તેને અમે ક્યારેય છોડીશું નહીં. સ્ટેજ પર અમે દરેકને વ્યક્તિગત રીતે ઓળખતા ન હોઈએ, અમારું કર્તવ્ય સન્માન કરવાનું હોય છે. પરંતુ જો કોઈ સંસ્થાની સારી પ્રવૃત્તિ વચ્ચે આવી બદમાશી કરશે તો તેણે ભોગવવું જ પડશે. તેમણે અન્ય સંસ્થાઓને પણ આવા સન્માન આપતા પહેલાં યોગ્ય ચકાસણી કરવાની અપીલ કરી હતી. રાજ્યભરમાં બોગસ ડોક્ટરો અને ભેળસેળિયા તત્વો સામે મહાઝુંબેશ બોગસ ડોક્ટરોને જથ્થાબંધ અપાતી દવાઓ અંગે પૂછાયેલા પ્રશ્નના જવાબમાં મંત્રીએ જણાવ્યું હતું કે, આશરે 20 દિવસ પહેલાં જ આરોગ્ય અને ડ્રગ્સ વિભાગના ઉચ્ચ અધિકારીઓ સાથે બેઠક યોજાઈ ચૂકી છે. સમગ્ર ગુજરાતમાં હાલ બોગસ ડોક્ટરો, ડુપ્લીકેટ ઘી, પનીર અને માવા જેવા ખાદ્ય પદાર્થોમાં ભેળસેળ કરનારાઓ સામે મોટા પાયે ડ્રાઇવ ચાલી રહી છે. તાજેતરમાં જ અમદાવાદ ખાતે પણ મોટી કાર્યવાહી કરવામાં આવી હતી. આ માત્ર કામચલાઉ ડ્રાઇવ નથી, કાયમી ધોરણે ચાલતી ઝુંબેશ રહેશે આરોગ્ય મંત્રીએ દ્રઢ સંકલ્પ વ્યક્ત કરતા અંતમાં જણાવ્યું હતું કે, અમે ક્યાંય પણ ખોટું કરતા નથી, કરવા દઈશું નહીં અને ક્યારેય કરવાના પણ નથી. નાના-મોટા ઈશ્યૂ સામે આવશે તો પણ અમારી આ મુહિમ અટકશે નહીં. આ માત્ર કોઈ કામચલાઉ ડ્રાઇવ નથી પરંતુ કાયમી ધોરણે ચાલનારી સાતત્યપૂર્ણ પ્રવૃત્તિ છે અને જનહિત માટે આવા એક પણ તત્વને છોડવામાં નહીં આવે. બોગસ ડોક્ટરે મંત્રી પ્રફુલ પાનસેરિયાના હસ્તે એવોર્ડ મેળવી લેતાં મોટો વિવાદ સુરત ચેમ્બર ઓફ કોમર્સના નેજા હેઠળ યોજાયેલા ‘વંદે આયુકોન-3’ કાર્યક્રમમાં આયોજકોને ગેરમાર્ગે દોરીને એક બોગસ ડોક્ટરે રાજ્યકક્ષાના મંત્રી પ્રફુલ પાનસેરિયાના હસ્તે એવોર્ડ મેળવી લેતાં મોટો વિવાદ સર્જાયો છે. ચોંકાવનારી બાબત એ છે કે સન્માન મેળવનાર આ વ્યક્તિ અગાઉ નવસારી SOG દ્વારા નકલી ડોક્ટર તરીકે પકડાઈ ચૂક્યો હતો. મંત્રી સાથે બોગસ ડોક્ટરની એવોર્ડ સ્વીકારતી તસવીરો સોશિયલ મીડિયા પર વાયરલ થતાં સમગ્ર મામલો ચર્ચાની એરણે ચડ્યો હતો અને તેને લઈને મંત્રી પ્રફુલ પાનસેરિયાએ પણ પોતાની પ્રતિક્રિયા આપી સ્પષ્ટતા કરવી પડી હતી. ગેરરીતિ આચરનાર બોગસ ડોક્ટર સામે કડક કાનૂની પગલાં ભરવાની માંગ આ સમગ્ર ઘટના સામે આવતાં જ સુરત અને આસપાસના 57થી વધુ માન્ય ડિગ્રીધારી આયુર્વેદિક તબીબોમાં ભારે રોષ ફેલાયો હતો અને તેઓએ સંયુક્ત સહીઓ સાથે ઉગ્ર વિરોધ નોંધાવ્યો હતો. આયુર્વેદિક ક્ષેત્રની ગરિમાને ઠેસ પહોંચાડનારા આ કૃત્ય સામે તબીબોએ દિલ્હી સ્થિત ‘નેશનલ કમિશન ફોર ઈન્ડિયન સિસ્ટમ ઓફ મેડિસિન’ (NCISM) સમક્ષ લેખિતમાં વિધિવત ફરિયાદ નોંધાવી છે અને ગેરરીતિ આચરનાર બોગસ ડોક્ટર સામે કડક કાનૂની પગલાં ભરવાની માંગ કરી છે.
Read full article on Divya Bhaskar