top
ગુજરાતની GST આવકમાં 28%નો ઉછાળો:ઓગસ્ટમાં રૂ.8,312 કરોડની આવક, પાંચ મહિનામાં સરકારની તિજોરીમાં રૂ.41,691 કરોડ
ગુજરાતની GST આવકમાં નોંધપાત્ર વધારો નોંધાયો છે. ઓગસ્ટ-2026 દરમિયાન રાજ્યને GST પેટે રૂ. 8,312 કરોડની આવક થઈ છે. ગયા વર્ષના ઓગસ્ટની સરખામણીએ GST આવકમાં 28 ટકાનો વધારો નોંધાયો છે. રાષ્ટ્રીય સ્તરે ઓગસ્ટ મહિનામાં GST આવકનો ગ્રોથ 14.8 ટકા રહ્યો છે, ત્યારે ગુજરાતનો ગ્રોથ રાષ્ટ્રીય સરેરાશ કરતાં લગભગ બમણો રહ્યો છે. નાણાકીય વર્ષ 2026-27ના પ્રથમ પાંચ મહિનામાં ગુજરાતને GSTમાંથી કુલ રૂ. 41,691 કરોડની આવક મળી છે. જ્યારે ગયા નાણાકીય વર્ષના સમાન સમયગાળામાં GST આવક રૂ. 32,490 કરોડ હતી. આમ, પાંચ મહિનામાં GST આવકમાં રૂ. 9,201 કરોડનો વધારો નોંધાયો છે. VATથી રૂ. 3,047 કરોડની આવક ઓગસ્ટ-2026 દરમિયાન રાજ્યને અન્ય કરવેરામાંથી પણ નોંધપાત્ર આવક મળી છે. VAT પેટે રૂ. 3,047 કરોડ, જ્યારે વિદ્યુત શુલ્ક પેટે રૂ. 1,125 કરોડની આવક થઈ છે. ઉપરાંત વ્યવસાય વેરા પેટે રૂ. 22 કરોડની આવક નોંધાઈ છે. આ રીતે ઓગસ્ટ મહિનામાં GST, VAT, વિદ્યુત શુલ્ક અને વ્યવસાય વેરા સહિત રાજ્ય કર વિભાગને કુલ રૂ. 12,505 કરોડની આવક થઈ છે. GST આવકમાં થયેલા આ નોંધપાત્ર વધારાને રાજ્યના વેપાર-ઉદ્યોગ અને આર્થિક પ્રવૃત્તિમાં તેજીના સંકેત તરીકે જોવામાં આવી રહ્યો છે.
Read full article on Divya Bhaskar