crime
હિંમતનગરમાં પકડાયેલી બાળતસ્કરી ગેંગના 4 સભ્યો 11 દિવસના રિમાન્ડ પર:એક માસની નવજાત બાળકી રૂ.1.50 લાખમાં વેચવા જતી ટોળકી રાજપુર પાસેથી ઝડપાઈ હતી, 12 બાળકો વેચ્યાની કબૂલાત
સાબરકાંઠા પોલીસે બાળતસ્કરીના ગંભીર કિસ્સાનો પર્દાફાશ કરી એક માસની નવજાત બાળકીને વેચાણ માટે લઈ જતી ટોળકીના પાંચ સભ્યોને ઝડપી પાડ્યા છે. હિંમતનગર-ઇડર હાઇવે પર રાજપુર ગામના પાટિયા નજીક એન્ટી હ્યુમન ટ્રાફિકિંગ યુનિટ (AHTU)ને મળેલી બાતમીના આધારે પોલીસે વોચ ગોઠવી કાર્યવાહી કરી હતી. સફેદ રંગની ઇકો કાર નંબર GJ-27-TT-7650ને રોકી તપાસ કરતાં કારમાંથી પાંચ વ્યક્તિઓ સાથે નવજાત બાળકી મળી આવી હતી. હિંમતનગર સેશન્સ કોર્ટે આ 5 માંથી 4 સભ્યોના 11 દિવસના રિમાન્ડ મંજૂર કર્યા છે. રૂ.1.50 લાખમાં બાળકીના વેચાણની ડીલ પોલીસ તપાસમાં સામે આવ્યું છે કે નવજાત બાળકીને રૂ.1.50 લાખમાં વેચાણ કરવા માટે લઈ જવામાં આવી રહી હતી. મુખ્ય આરોપી દેવીલાલ ગમાર દલાલ તરીકે કામ કરતો હોવાનું સામે આવ્યું છે. જ્યારે પોપટભાઈ ગમાર અને બબીબેન બાળકીના માતા-પિતા હોવાનું પોલીસ તપાસમાં બહાર આવ્યું છે. પ્રવિણ ધ્રાંગી અને દિનેશ ધ્રાંગી પણ દલાલ તરીકેની ભૂમિકામાં હોવાની વિગતો સામે આવી છે. મુંબઈની કવિતાબેન સાથે વેચાણની ડીલ પોલીસની પ્રાથમિક તપાસમાં નવજાત બાળકીને મુંબઈમાં રહેતી કવિતાબેનને વેચાણ કરવાની ડીલ નક્કી થઈ હોવાનું સામે આવ્યું છે. સમગ્ર મામલામાં આંતરરાજ્ય કડી હોવાની આશંકાને પગલે પોલીસે તપાસનો દોર તેજ કર્યો છે. સીતારામ પરમાર અને કવિતાબેન સહિતના અન્ય સંડોવાયેલા આરોપીઓની શોધખોળ હાથ ધરવામાં આવી છે. ઝડપાયેલા પાંચ આરોપીઓની વિગત ચાર આરોપીઓને 11 દિવસના રિમાન્ડ આ કેસમાં ધરપકડ કરાયેલા પાંચ આરોપીઓ પૈકી ચાર આરોપીઓને હિંમતનગર સેશન્સ કોર્ટમાં રજૂ કરવામાં આવ્યા હતા. કોર્ટે ચારેય આરોપીઓના 11 દિવસના પોલીસ રિમાન્ડ મંજૂર કર્યા છે. જ્યારે મહિલા આરોપી બબીબેનને હાલ પોલીસ જાપ્તા હેઠળ રાખવામાં આવી છે. પોલીસે સમગ્ર નેટવર્ક અંગે વધુ માહિતી મેળવવા માટે આરોપીઓની પૂછપરછ શરૂ કરી છે. ચાર મોબાઇલ અને ઇકો કાર સહિત રૂ.2.12 લાખનો મુદ્દામાલ પોલીસે કાર્યવાહી દરમિયાન ચાર મોબાઇલ ફોન, રોકડ રૂ.12 હજાર અને અંદાજે રૂ.2 લાખની ઇકો કાર સહિત કુલ રૂ.2.12 લાખનો મુદ્દામાલ કબજે કર્યો છે. જપ્ત કરાયેલા મોબાઇલ ફોનમાંથી બાળકીના વેચાણ સાથે જોડાયેલી વધુ વિગતો અને અન્ય લોકોની સંડોવણી અંગે માહિતી મળવાની શક્યતા છે. અગાઉ 12 બાળકોના વેચાણની કબૂલાતનો દાવો પોલીસના જણાવ્યા મુજબ, ઝડપાયેલા મુખ્ય આરોપી દેવીલાલ ગમારના નિવેદન દરમિયાન અગાઉ પણ આશરે 12 બાળકોના વેચાણમાં સંડોવણી હોવાની હકીકત સામે આવી છે. જેના પગલે સાબરકાંઠા પોલીસે આ મામલાને ગંભીરતાથી લઈ બાળતસ્કરીના સમગ્ર નેટવર્ક સુધી પહોંચવા માટે તપાસ શરૂ કરી છે. નવજાત બાળકી સિવિલ હોસ્પિટલમાં પોલીસ જાપ્તામાં રેસ્ક્યુ કરાયેલી એક માસની નવજાત બાળકી હાલ હિંમતનગર સિવિલ હોસ્પિટલમાં પોલીસ જાપ્તા હેઠળ સારવાર લઈ રહી છે. બાળકીની સલામતીને ધ્યાનમાં રાખીને પોલીસ દ્વારા વિશેષ દેખરેખ રાખવામાં આવી રહી છે અન્ય બે આરોપીઓની શોધખોળ પોલીસ તપાસમાં સીતારામ પરમાર, રહે. ઢેઢમારિયા, તા. કોટડા, જી. ઉદેપુર, રાજસ્થાન અને મુંબઈની કવિતાબેનની સંડોવણી અંગે વિગતો સામે આવી છે. બંનેની શોધખોળ હાથ ધરવામાં આવી છે. બાળતસ્કરીના આ નેટવર્કમાં અન્ય કેટલા લોકો સંડોવાયેલા છે અને અગાઉ વેચાયેલા બાળકો અંગેની હકીકત શું છે તે જાણવા સાબરકાંઠા પોલીસે અલગ-અલગ ટીમો બનાવી તપાસ હાથ ધરી છે.
Read full article on Divya Bhaskar