top
હળવદના માથક ગામે વીજળી પડતા માતા-પુત્રનું મોત:વાડીમાં મગફળી પિયત કરતી વખતે બન્યો બનાવ, પોલીસે તપાસ શરૂ કરી
મોરબી જિલ્લાના હળવદ તાલુકાના માથક ગામે વીજળી પડવાથી એક મહિલા અને તેના ચાર વર્ષના પુત્રનું મોત થયું છે. આ ઘટના વાડી વિસ્તારમાં બની હતી, જ્યાં માતા-પુત્ર મગફળીમાં પાણી વાળી રહ્યા હતા. આજે બપોર પછી મોરબી જિલ્લામાં લાંબા વિરામ બાદ વરસાદી માહોલ જામ્યો હતો. આકાશમાં વીજળીના કડાકા ભડાકા થતા હતા. જિલ્લાના કેટલાક વિસ્તારોમાં છૂટોછવાયો વરસાદ થયો હતો અને હળવા ઝાપટા પડ્યા હતા. માથક ગામમાં માધવભાઈ ગોકળભાઈની વાડીમાં રાકેશભાઈ નાયક મજૂરી કામ કરે છે. તેમની પત્ની મનકુબેન નાયક (ઉંમર 28) અને તેમનો ચાર વર્ષનો દીકરો શ્યામ વાડીમાં મગફળીમાં પિયત કરી રહ્યા હતા. તે સમયે અચાનક આકાશી વીજળી તેમની ઉપર પડી હતી. વીજળી પડતા મનકુબેન અને તેમના દીકરા શ્યામનું ઘટનાસ્થળે જ મોત થયું હતું. બંનેના મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે હોસ્પિટલ લઈ જવામાં આવ્યા હતા. હોસ્પિટલ દ્વારા હળવદ તાલુકા પોલીસ સ્ટેશનને આ બનાવની જાણ કરવામાં આવી હતી. પોલીસે બનાવની નોંધ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે.
Read full article on Divya Bhaskar