top
હું સુસાઈડ કરું છું:પિતરાઈ ભાઈને તલાટીએ વીડિયો કોલ કરી ગળાફાંસો ખાધો, કાલોલના ભદ્રોલીમાં 10 વર્ષથી નોકરી કરતો હતો
પંચમહાલ જિલ્લાના ગોધરામાં એક અત્યંત ચોંકાવનારી ઘટના સામે આવી છે, જેમાં તલાટી કમ મંત્રીએ કાકાના પુત્રને લાઈવ વીડિયો કૉલ કરી હું સુસાઈડ કરું છું કહી ગળે ફાંસો ખાઈ આત્મહત્યા કરી લીધી છે. આ દુઃખદ ઘટનાથી સમગ્ર પંથકમાં ભારે ચકચાર મચી ગઈ છે. કાલોલ તાલુકાના ભદ્રોલી ગ્રામ પંચાયતમાં છેલ્લા 10 વર્ષથી ફરજ બજાવતા અંદાજિત 40 વર્ષીય તલાટી કમ મંત્રી સુરસિંગ રાઠોડે અગમ્ય કારણોસર પોતાના ઘરે આ અંતિમ પગલું ભર્યું હતું. મૂળ મોરવા હડફ તાલુકાના દેલોચ ગામના વતની સુરસિંગ ગોધરાની સુદર્શન સોસાયટીમાં ભાડાના મકાનમાં રહેતા હતા. આપઘાત કરતા પહેલાં તેણે પિતરાઈ રાજેશ રાઠોડને વીડિયો કૉલ કરીને આત્મહત્યા કરવાની વાત કરી હતી. રાજેશે વીડિયો કૉલ પર જ તેમને આવું પગલું ન ભરવા માટે ભારે આજીજી કરી હતી, પરંતુ તેણે વાત ન માનીને ચાલુ વીડિયો કૉલે જ ગળે ફાંસો ખાઈ લીધો હતો. ઘટનાની જાણ થતાં જ ગોધરા શહેર એ-ડિવિઝન પોલીસની ટીમ તુરંત ઘટનાસ્થળે દોડી આવી હતી. પોલીસે મૃતદેહને પોસ્ટમોર્ટમ અર્થે ગોધરા સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડીને આત્મહત્યા પાછળનું સાચું કારણ જાણવા માટે કાયદેસરની તપાસ હાથ ધરી છે.
Read full article on Divya Bhaskar