top
જસદણ-ગોંડલ યાર્ડ પણ તહેવારોને અનુલક્ષીને રજા રાખશે તેવી જાહેરાત:મોરબી માર્કેટયાર્ડ 5થી 13 નવેમ્બર રજા રાખશે, લાભ પાંચમથી જણસી સ્વીકારાશે
મોરબીના માર્કેટિંગ યાર્ડમાં દિવાળીના તહેવારને અનુલક્ષીને અનાજ વિભાગમાં મીની વેકેશન જાહેર કરવામાં આવ્યું છે. યાર્ડમાં તા. 5 નવેમ્બરથી તા. 13 નવેમ્બર સુધી રજા રાખવાનો નિર્ણય લેવામાં આવ્યો હોવાથી આ સમયગાળા દરમિયાન જણસીઓની હરાજી સહિતનું તમામ કામકાજ બંધ રહેશે. યાર્ડ દ્વારા જાહેર કરાયેલા કાર્યક્રમ મુજબ, તા. 4 નવેમ્બર, બુધવારના રોજ સવારના 9 વાગ્યા સુધી જ ખેડૂતોને જણસીઓની ઉતરાઈ કરવાની મંજૂરી આપવામાં આવશે. ત્યારબાદ તા. 5 નવેમ્બર, ગુરુવારના રોજ યાર્ડમાં અગાઉથી પડતર રહેલા માલની હરાજી કરવામાં આવશે. આ હરાજી પૂર્ણ થયા બાદ તા. 5થી 13 નવેમ્બર સુધી યાર્ડમાં કોઈપણ પ્રકારની જણસીની ઉતરાઈ કરવામાં આવશે નહીં તેમજ હરાજીનું કામકાજ પણ સંપૂર્ણપણે બંધ રહેશે. જસદણ યાર્ડ તા.7મીથી બંધ થશે જસદણ ખેતીવાડી ઉત્પન્ન બજાર સમિતિ દ્વારા દિપાવલીના તહેવારોને ધ્યાને રાખી મહત્વની જાહેરાત કરવામાં આવી છે. દિવાળી પર્વ નિમિત્તે જસદણ યાર્ડ કમીશન એજન્ટ એસોસિએશન તરફથી યાર્ડમાં ખરીદ- વેચાણનું કામકાજ આગામી તારીખ 7ને શનિવારથી 13ને શુક્રવાર સુધી સંપૂર્ણપણે બંધ રખાશે જેથી આ સમયગાળા દરમિયાન હરાજીનું કામકાજ બંધ રહેશે. શનિવાર એટલે કે લાભ પાંચમના શુભ દિવસથી યાર્ડનું તમામ કામકાજ રાબેતા મુજબ પુનઃ શરૂ કરાશે. ઉપરાંત યાર્ડની ઓફિસ તેમજ વહીવટી કામકાજ તારીખ 8 થી તા.13 સુધી બંધ રહેશે. ગોંડલ યાર્ડ 6 નવેમ્બરથી રજા રાખશે દિવાળી તેમજ નૃતનવર્ષના તહેવારોને અનુસંધાને ગોંડ લ યાર્ડ તા.6 થી 13 નવેમ્બર દરમિયાન રજા રાખશે અને જણસીની ખરીદી વેચાણ તેમજ હરાજીની તમામ કામગીરી બંધ રહેશે. રજાના દિવસો દરમિયાન માલ વેચવા ન લાવવા ખેડૂતોને અપીલ કરાઈ છે.
Read full article on Divya Bhaskar