crime
જૂનાગઢના રાજુ સોલંકીના પુત્રને માર મારવાના કેસમાં ગણેશ ગોંડલ નિર્દોષ:બંને પક્ષોએ જિલ્લા કોર્ટમાં સમાધાન થયું હોવાની જુબાની આપી, તમામ 11 આરોપીને દોષમુક્ત કર્યા
જૂનાગઢની ડિસ્ટ્રિક્ટ એન્ડ સેશન્સ કોર્ટે રાજુ સોલંકીના પુત્ર સંજય સોલંકીને માર મારવાના કેસમાં પૂર્વ ધારાસાભ્ય જયરાજસિંહના પુત્ર ગણેશ ગોંડલને નિર્દોષ જાહેર કર્યો છે. આ કેસમાં સંડોવાયેલા તમામ આરોપીઓને દોષ મુક્ત જાહેર કર્યા છે. 30 મે 2025ના રોજ જૂનાગઢ શહેરના દાતાર રોડ પર અનુસૂચિત જાતિના અગ્રણી રાજુ સોલંકીના પુત્ર દેવાંગ સોલંકી સાથે માથાકૂટ થઈ હતી. ફરિયાદ અનુસાર, દેવાંગ સોલંકીનું ગાડીમાં અપહરણ કરી તેને ગોંડલ લઈ જવામાં આવ્યો હતો, જ્યાં તેને ઢોર માર મારી જાનથી મારી નાખવાની કોશિશ કરવામાં આવી હતી. તેમજ જાતિ વિષયક અપશબ્દો કહી અપમાનિત કરવામાં આવ્યો હતો. આ ઘટના બાદ જૂનાગઢ સિટી એ ડિવિઝન પોલીસ સ્ટેશનમાં ગણેશ જાડેજા અને તેમના સાથીદારો સામે આઈપીસીની વિવિધ ગંભીર કલમો તથા એટ્રોસિટી એક્ટ હેઠળ ફરિયાદ દાખલ કરવામાં આવી હતી. આ પણ વાંચો: ગોંડલમાં ગણેશ-જયરાજસિંહનું રાજુ સોલંકી સાથે સમાધાન ત્યાર બાદ પોલીસે ગણેશ જયરાજસિંહ જાડેજા, જશપાલસિંહ ઉર્ફે જે.કે. રાણા, ઇન્દ્રજીતસિંહ ઉર્ફે ઈન્દુભા જાડેજા, પૃથ્વીરાજસિંહ ઉર્ફે પુથુભા જાડેજા, દિગપાલસિંહ ઉર્ફે દિગુભા જાડેજા, સમીર ઉર્ફે પોલાસ, અકરમ તર્કવાડીયા અને રમીશ પઠાણ સહિત કુલ 11 આરોપીઓની ધરપકડ કરી હતી. આ તમામ આરોપીઓ લાંબા સમય સુધી જેલમાં રહ્યા હતા. આ કેસની જૂનાગઢની સેશન્સ કોર્ટમાં સુનાવણી ચાલી રહી હતી ત્યારે ફરિયાદી રાજુ સોલંકી અને આરોપી પક્ષ વચ્ચે સમાધાન થઈ ગયું હતું. કોર્ટ કાર્યવાહી દરમિયાન ફરિયાદી દેવાંગ સોલંકી અને મુખ્ય સાક્ષીઓએ રજૂ કરેલી પોતાની જુબાનીમાં બંને પક્ષો વચ્ચે સમાધાન થયું હોવાની બાબતને કોર્ટ સમક્ષ સમર્થન આપ્યું હતું. અંતે આજે જૂનાગઢ ડિસ્ટ્રિક્ટ એન્ડ સેશન્સ કોર્ટે તમામ કાનૂની પરિસ્થિતિઓ, સાક્ષીઓની ફેરવાયેલી જુબાની અને પક્ષકારો વચ્ચે થયેલા આંતરિક સમાધાનને ધ્યાને રાખીને તમામ આરોપીઓને નિર્દોષ જાહેર કરી મુક્ત કરવાનો ચુકાદો આપ્યો છે.
Read full article on Divya Bhaskar