crime
કાંકણપુર પોલીસે જુગાર રમતા 4 ઝડપ્યા:ધમકી અને અપહરણના પ્રયાસમાં 3 સામે ફરિયાદ
ગોધરા તાલુકાના કાંકણપુર પોલીસે બે અલગ-અલગ ઘટનાઓમાં કાર્યવાહી કરી છે. જૂનીધરી ગામે જાહેરમાં ગંજીપત્તા વડે જુગાર રમતા ચાર વ્યક્તિઓને પોલીસે ઝડપી પાડ્યા હતા, જ્યારે ગોઠડા ખાતે ભાડું વધારવા અને ધમકી આપવાના મામલે ત્રણ શખ્સો સામે ફરિયાદ નોંધવામાં આવી છે. પ્રથમ ઘટનામાં, ગોધરા તાલુકાના જૂનીધરી ગામના પટેલ ફળિયામાં ઇલેક્ટ્રિક થાંભલાના અજવાળે ગંજીપત્તા વડે હાર-જીતનો જુગાર રમાઈ રહ્યો હોવાની બાતમી કાંકણપુર પોલીસને મળી હતી. આ બાતમીના આધારે પોલીસે 20 ઓગસ્ટની રાત્રે દરોડો પાડ્યો હતો. પોલીસે સ્થળ પરથી કલ્પેશભાઈ લક્ષ્મણભાઈ માછી, હર્ષદભાઈ શનાભાઈ માછી, ભરતભાઈ પાયાભાઈ માછી અને અરુણકુમાર ભરતભાઈ માછીની અટકાયત કરી હતી. જોકે, દરોડા દરમિયાન ગોકુળભાઈ સાંકળભાઈ માછી અંધારાનો લાભ લઈ ફરાર થઈ ગયો હતો. પોલીસે દાવ પરની રોકડ ₹500, આરોપીઓની અંગજડતીમાંથી ₹1,730, ₹5,000ની કિંમતનો વનપ્લસ મોબાઈલ ફોન અને ગંજીપત્તા મળી કુલ ₹8,930નો મુદ્દામાલ કબ્જે કર્યો છે. કાંકણપુર પોલીસે જુગારધારા હેઠળ ગુનો નોંધી ફરાર આરોપીની શોધખોળ શરૂ કરી છે. બીજી ઘટનામાં, ગોધરા-ટિમ્બા રોડ પર ગોઠડા ખાતે આવેલી કેપિટલ સ્ટોન ક્રશર ક્વોરીમાં ભાડાના ભાવ વધારવા અને ગાળાગાળી તથા ધમકી આપવાના મામલે ત્રણ શખ્સો સામે કાંકણપુર પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાઈ છે. ફરિયાદ મુજબ, ક્વોરીમાં માસ્ટર તરીકે નોકરી કરતા સલમાન અલતાફ શેખે ગ્રીટના ભાડામાં ₹10નો વધારો કરવાની સૂચના આપી હતી. આ બાબતે સોહેલ હારુન રસીદ મન્સુરીએ ફોન કરીને ગાળાગાળી કરી જાનથી મારી નાખવાની ધમકી આપી હોવાનો આક્ષેપ છે. ત્યારબાદ અયાઝ મન્સુરી અને મુઝમ્મીલ શેખ પણ સ્થળ પર પહોંચ્યા હતા અને ફરિયાદીને બળજબરીથી સેન્ટ્રો કારમાં બેસાડી લઈ જવાનો પ્રયાસ કર્યો હતો. આ સમગ્ર મામલે કાંકણપુર પોલીસે ત્રણેય શખ્સો સામે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.
Read full article on Divya Bhaskar