top
કાર પાર્ક કરવા બાબતે બે પાડોશીઓનો સામસામે હુમલો:CCTV તોડ્યા, બારીઓના કાચ ફોડ્યા; 14 વર્ષીય બાળકી સહિત 6 ઘાયલ
મહેસાણા શહેરના તાવડીયા રોડ પર આવેલી સંકેતનગર સોસાયટી પાસેના સમર્પણ વિલામાં કાર પાર્કિંગની મામૂલી બાબતે બે પાડોશી પરિવારો વચ્ચે અથડામણ સર્જાઈ હતી. રક્ષાબંધનના તહેવારના દિવસે મહેમાનની ગાડી પાર્ક કરવા બાબતે શરૂ થયેલી સામાન્ય બોલાચાલી જોતજોતામાં હિંસક સ્વરૂપ પકડી ગઈ હતી. બંને પક્ષો દ્વારા સામસામે લાકડાના ધોકા, પાટિયા અને ઈંટો વડે પથ્થરમારો કરવામાં આવતાં 14 વર્ષીય સગીરા સહિત બંને પક્ષના અનેક લોકોને ગંભીર ઈજાઓ પહોંચી હતી. આ બનાવની જાણ થતાં જ તમામ ઈજાગ્રસ્તોને 108 એમ્બ્યુલન્સ મારફતે મહેસાણા સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતા. સમગ્ર મામલે મહેસાણા શહેર 'એ' ડિવિઝન પોલીસ સ્ટેશનમાં બંને પક્ષે સામસામી ક્રોસ ફરિયાદ નોંધાતાં પોલીસે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. પ્રથમ પક્ષ: મહેમાનની કાર પાર્ક કરતાં પાટિયા વડે હુમલો કર્યાનો આક્ષેપ ફેડરલ બેંકમાં કલેક્શન મેનેજર તરીકે ફરજ બજાવતા વિપુલકુમાર રામજીભાઈ સોલંકીએ નોંધાવેલી ફરિયાદ મુજબ, રક્ષાબંધન નિમિત્તે તેમના ઘરે આવેલા મહેમાનની ફોર વ્હીલર ગાડી સોસાયટીના ગેટ આગળ પાર્ક કરાવતી વખતે પાડોશમાં રહેતા પૂનમભાઈ પરમાર, તેમના પત્ની ભારતીબેન અને પુત્રએ આવીને બેફામ ગાળાગાળી શરૂ કરી હતી. વિપુલકુમારે ગાળો બોલવાની ના પાડતાં પૂનમભાઈના પુત્રએ ઘરમાંથી લાકડાનું મોટું પાટિયું લાવીને વિપુલકુમારના માથામાં ફટકારી દીધું હતું. આ હુમલામાં પાટિયું તૂટી જતાં તેનો એક ટુકડો વિપુલકુમારની 14 વર્ષીય પુત્રી કાનનના માથામાં વાગ્યો હતો, જ્યારે વચ્ચે બચાવવા પડેલા તેમના ભાઈ અશ્વિનભાઈને પણ હાથના ભાગે ઈજાઓ પહોંચાડી આરોપીઓ ફરાર થઈ ગયા હતા. સામો પક્ષ: CCTV કેમેરાની તોડફોડ કરી ઈંટોથી પથ્થરમારો કર્યાની વળતી ફરિયાદ બીજી તરફ કડિયાકામ કરતા પૂનમભાઈ ખોડાભાઈ પરમારે નોંધાવેલી વળતી ફરિયાદ અનુસાર, વિપુલભાઈના મહેમાને ગાડી તેમના ઘર આગળ પાર્ક કરતાં તેને પોતાના ઘર આગળ મૂકવાનું કહેતાં જ સામેવાળા લોકો ઉશ્કેરાઈ ગયા હતા. ગાળાગાળી બાદ વિપુલભાઈ, તેમના પત્ની મીનાક્ષીબેન, સંબંધી અને એક એક્ટિવાચાલકે ભેગા મળી પૂનમભાઈના ઘર આગળ લાગેલા સીસીટીવી કેમેરાની તોડફોડ કરી હતી અને લાકડાના ધોકા વડે જીવલેણ હુમલો કર્યો હતો. પૂનમભાઈનો પરિવાર બચવા માટે ઘરમાં સંતાઈ જતાં હુમલાખોરોએ ઈંટોથી પથ્થરમારો કરી ઘરની બારીઓના કાચ તોડી નાખ્યા હતા. સિવિલ હોસ્પિટલમાં ઈજાગ્રસ્તો સારવાર હેઠળ આ હિંસક અથડામણમાં પૂનમભાઈ, તેમના પત્ની અને પુત્ર નીલેશને શરીરના વિવિધ ભાગોએ ગંભીર ઈજાઓ પહોંચતાં તેઓને તાત્કાલિક સિવિલ હોસ્પિટલના એમ.એસ.ડબલ્યુ (MSW) વોર્ડમાં દાખલ કરવામાં આવ્યા છે. મહેસાણા શહેર 'એ' ડિવિઝન પોલીસે બંને પક્ષોની વિગતવાર ફરિયાદો નોંધીને રાયોટિંગ, હુમલો તેમજ જાહેર શાંતિ ભંગ કરવા સહિતની કલમો હેઠળ ગુનો દાખલ કર્યો છે. પોલીસે સોસાયટીના સીસીટીવી ફૂટેજ તેમજ સ્થાનિક સાક્ષીઓના નિવેદનોના આધારે આગળની કાયદેસરની તપાસ તેજ કરી છે.
Read full article on Divya Bhaskar