politics
કેરળમાં વીર સાવરકર પર પ્રશ્ન પૂછનાર શિક્ષકને સસ્પેન્ડ કરતા વિવાદ:ભારતીય રાષ્ટ્રીય શૈક્ષિક મહાસંઘનો વિરોધ, કલેક્ટરને આવેદનપત્ર આપી સસ્પેન્શન પરત ખેંચવા માંગ
કેરળના કાસરગોડ જિલ્લાના કુંબલા સબ-ડિસ્ટ્રિક્ટમાં આયોજિત શાળાકીય સોશિયલ સાયન્સ ફ્રીડમ ક્વિઝમાં વીર સાવરકર સંબંધિત પ્રશ્ન પૂછવા બદલ શિક્ષક ગુરુ પ્રસાદને સસ્પેન્ડ કરવામાં આવ્યા છે. આ નિર્ણયના વિરોધમાં અખિલ ભારતીય રાષ્ટ્રીય શૈક્ષિક મહાસંઘના શિક્ષકો વીર સાવરકરના પોસ્ટર સાથે કલેક્ટર કચેરી ખાતે એકત્ર થયા હતા. શિક્ષકોએ કલેક્ટરને આવેદનપત્ર આપીને શિક્ષકનું સસ્પેન્શન તાત્કાલિક અસરથી પરત ખેંચવાની કડક માંગ કરી છે. શિક્ષકોની અભિવ્યક્તિની સ્વાતંત્રતાનું હનન અખિલ ભારતીય રાષ્ટ્રીય શૈક્ષિક મહાસંઘના મહામંત્રી અતુલ ઉનાગરે જણાવ્યું હતું કે, શિક્ષકે પ્રશ્નપત્રમાં પૂછેલો પ્રશ્ન સંપૂર્ણપણે સાચો હતો છતાં કેરળ સરકાર દ્વારા તેમની સામે સસ્પેન્શનની કાર્યવાહી કરવામાં આવી છે. અમુક ચોક્કસ લોકો પોતાની વિચારધારાના કારણે શિક્ષકોની અભિવ્યક્તિની સ્વાતંત્રતાનું હનન કરી રહ્યા છે. આ અન્યાય સામે દેશભરમાં વિરોધ પ્રદર્શન કરીને કલેક્ટર, મુખ્યમંત્રી અને રાજ્યપાલ મારફતે પ્રધાનમંત્રી સુધી રજૂઆત પહોંચાડવામાં આવી રહી છે. સસ્પેન્શનનો નિર્ણય રદ ન થાય ત્યાં સુધી દેશવ્યાપી વિરોધ તેમણે વધુમાં ઉમેર્યું હતું કે ભારતીય રાષ્ટ્રીય શૈક્ષિક મહાસંઘ સાથે દેશના 14 લાખ જેટલા શિક્ષકો જોડાયેલા છે. ઘટના ભલે કેરળમાં બની હોય, પરંતુ શિક્ષક ભલે ગુજરાતનો હોય કે કેરળનો, તે શૈક્ષિક પરિવારનો ભાગ છે. સમગ્ર શિક્ષક આલમ ગુરુ પ્રસાદના સમર્થનમાં છે અને સસ્પેન્શનનો નિર્ણય રદ ન થાય ત્યાં સુધી દેશવ્યાપી વિરોધ ચાલુ રાખવામાં આવશે.
Read full article on Divya Bhaskar