top
કલેક્ટરે મોરબીની સરકારી શાળાઓની મુલાકાત લીધી:શૈક્ષણિક ગુણવત્તા, સુવિધાઓ અને વિકાસકાર્યોની સમીક્ષા કરી
મોરબીના કલેક્ટર સ્વપ્નિલ ખરેએ વિવિધ સરકારી શાળાઓની મુલાકાત લઈને શૈક્ષણિક ગુણવત્તા, માળખાકીય સુવિધાઓ, સ્વચ્છતા અને વિકાસકાર્યોની સમીક્ષા કરી હતી. તેમણે આચાર્યો અને શિક્ષકોને જરૂરી માર્ગદર્શન અને સૂચનો આપ્યાં હતાં.કલેક્ટરે RMSA સરકારી માધ્યમિક શાળા, કડીયાણામાં શૈક્ષણિક સાધનો, ગુણોત્સવના રિપોર્ટ કાર્ડ, વર્ગખંડો, સ્વચ્છતા, પીવાના પાણીની સુવિધા અને ચાલી રહેલા વર્ગખંડના બાંધકામની તપાસ કરી હતી. તેમણે જરૂરી સૂચનો પણ આપ્યાં હતાં. તેઓ કડીયાણા પે.સેન્ટર પ્રાથમિક શાળાની પ્રાર્થનાસભામાં હાજર રહ્યા હતા અને વિદ્યાર્થીઓ સાથે વાતચીત કરી હતી. તેમણે વિદ્યાર્થીઓને મહેનત, આત્મવિશ્વાસ અને ધ્યેયનિષ્ઠા સાથે અભ્યાસ કરવા કહ્યું હતું, જેથી તેઓ IAS, IPS અને કલેક્ટર જેવા હોદ્દા સુધી પહોંચી શકે.કલેક્ટરે મધ્યાહન ભોજન અને પીવાના પાણીની સુવિધા તપાસી હતી. ગુણોત્સવના રિપોર્ટ કાર્ડના આધારે માર્ગદર્શન આપ્યું હતું. પ્રાર્થનાસભાખંડની જરૂરિયાતને ધ્યાનમાં રાખીને દરખાસ્ત તૈયાર કરવા પણ સૂચના આપી હતી. હળવદની પીએમ શ્રી શાળા નંબર-4ની મુલાકાત દરમિયાન તેમણે ગુણોત્સવના રિપોર્ટ કાર્ડના આધારે શૈક્ષણિક કામગીરીમાં સુધારા માટે સૂચનો આપ્યાં હતાં. વિદ્યાર્થીઓ વધુમાં વધુ સ્પર્ધાત્મક પરીક્ષાઓમાં ભાગ લે તે માટે આયોજન અને તૈયારી કરાવવા માર્ગદર્શન આપ્યું હતું. તેમણે શાળામાં CWSN ટોયલેટ, સ્વચ્છતા, વર્ગખંડો, લાઇબ્રેરી, મધ્યાહન ભોજન વ્યવસ્થા, ઔષધીય ગાર્ડન અને ઓક્સિજન ગાર્ડનની પણ મુલાકાત લીધી હતી.
Read full article on Divya Bhaskar