crime
કુંભારવાડામાં છોડ કાઢવા બાબતે બે પરિવાર વચ્ચે મારામારી:ઈજાગ્રસ્ત પિતા-પુત્રીને સારવાર માટે ખસેડાયા, ચાર સામે ફરિયાદ દાખલ
ભાવનગર શહેરના કુંભારવાડા વિસ્તારમાં આવેલ મહાલક્ષ્મી મિલની ચાલીમાં ઘર બહાર વાવેલા છોડ કાઢવા બાબતે બે પડોશીઓ વચ્ચે મારામારી સર્જાતા ઇજાગ્રસ્ત પિતા-પુત્રી ને સારવાર માટે સર્ટી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. આ અંગે બોરતળાવ પોલીસ સ્ટેશનમાં ચાર શખ્સ સામે ફરિયાદ દાખલ કરવામાં આવી છે. ઝાડવા બાબતે થયેલી બોલાચાલી અને હુમલો ફરિયાદી જીતેન્દ્રભાઈએ ઘરની બહાર છોડ વાવ્યા હતા. કોઈએ આ છોડ કાઢી નાખતા, તેઓ પોતાની પત્નીને આ બાબતે પૂછપરછ કરી રહ્યા હતા. આ દરમિયાન સામે રહેતા રસિકાબેને બારીમાંથી ઉશ્કેરાઈને કહ્યું કે, "તમે જે જગ્યાએ છોડ વાવ્યા છે તે તમારા બાપની નથી, ત્યાં કંઈ વાવવાનું નથી." ત્યારબાદ તેમના પતિ ફિયાઝ ખાન પઠાણે આવીને જીતેન્દ્રભાઈને તેમની જ્ઞાતિ વિશે અપશબ્દો કહ્યા હતા. મામલો બિચકતા ચારેય શખ્સોએ એકસંપ થઈને જીતેન્દ્રભાઈ અને તેમની દીકરી પર પાવડા તેમજ પથ્થર વડે હુમલો કરી ગંભીર ઈજાઓ પહોંચાડી હતી. જાનથી મારી નાખવાની ધમકી અને પોલીસ કાર્યવાહી હુમલો કર્યા બાદ ચારેય આરોપીઓએ એવી ધમકી આપી હતી કે, "હવેથી અમારું નામ લેશો તો જીવતા નહીં છોડીએ." આ અંગે બોરતળાવ પોલીસે ચારેય આરોપીઓ સામે ભારતીય ન્યાય સંહિતા (BNS) ની વિવિધ કલમો, એટ્રોસિટી એક્ટ (અનુસૂચિત જાતિ અને અનુસૂચિત જનજાતિ અત્યાચાર નિવારણ અધિનિયમ) તેમજ જી.પી. એક્ટ મુજબ ગુનો દાખલ કરીને આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
Read full article on Divya Bhaskar