top
લોખંડનો ડેલો માથે પડતા દોઢ વર્ષની બાળકીનું બાળકીનું મોત:રાજકોટમાં ચાર દીકરીના પિતાએ આર્થિક ભીંસથી કંટાળી તળાવમાં ઝંપલાવ્યું, બીમારીથી કંટાળી મહિલાએ ગળેફાંસો ખાધો
રાજકોટ શહેર અને જિલ્લામાં એક જ દિવસમાં ત્રણ અલગ-અલગ કરુણ ઘટનાઓ સામે આવતાં સમગ્ર પંથકમાં ભારે અરેરાટી અને શોકની કાલિમા છવાઈ ગઈ છે. શહેરમાં આર્થિક સંકડામણ અને લાંબી બીમારીથી કંટાળીને એક યુવાન તેમજ એક પ્રૌઢ મહિલાએ મોતને વહાલું કરી લીધું છે, જ્યારે તાલુકાના પાડાસણ ગામે ઘર આંગણે રમી રહેલી દોઢ વર્ષની માસૂમ બાળકી પર અચાનક લોખંડનો તોતિંગ ડેલો ધરાશાયી થતાં તેનું કરુણ મોત નીપજ્યું છે. આ તમામ બનાવો અંગે યુનિવર્સિટી અને આજીડેમ પોલીસે સ્થળ પર પહોંચી મૃતદેહોને પોસ્ટમોર્ટમ અર્થે રાજકોટ સિવિલ હોસ્પિટલ ખસેડી આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. આર્થિક સંકડામણથી કંટાળી મજૂર પિતાએ તળાવમાં ઝંપલાવ્યું પ્રથમ બનાવની વિગતો અનુસાર, રૈયા રોડ પર આવેલા ભગવતી હોલવાળી શેરી સ્થિત શિવપરા શેરી નંબર 1 માં રહેતા 36 વર્ષીય જયેશભાઈ વિઠ્ઠલભાઈ નકુમ મજૂરી કામ કરીને પોતાના પરિવારનું માંડ-માંડ ગુજરાન ચલાવતા હતા. તેમને સંતાનમાં બે જોડિયા દીકરીઓ સહિત કુલ ચાર નાની દીકરીઓ છે. છેલ્લા કેટલાક સમયથી ચાલી રહેલી આર્થિક ભીંસથી માનસિક રીતે ત્રસ્ત થઈને તેમણે રૈયા રોડ પર પરશુરામ મંદિર પાછળ આવેલા તળાવમાં કૂદીને આપઘાત કરી લીધો હતો. ઘટનાની જાણ થતાં જ 108 એમ્બ્યુલન્સ મારફતે તેમને બહાર કાઢી હોસ્પિટલ ખસેડાયા હતા, જ્યાં ફરજ પરના તબીબોએ તેમને મૃત જાહેર કર્યા હતા. પિતાના અકાળે અવસાનથી ચાર માસૂમ બાળકીઓએ માથેથી પિતાની છત્રછાયા ગુમાવતાં પરિવારમાં હૃદયદ્રાવક કલ્પાંત સર્જાયો હતો. ગુલમ્હોર રેસિડેન્સીમાં બીમારીથી કંટાળી મહિલાએ ફાંસો ખાધો બીજા બનાવમાં શહેરના પોશ ગણાતા સાધુ વાસવાણી રોડ પર આવેલી ગુલમ્હોર રેસિડેન્સીમાં રહેતા 51 વર્ષીય ઈલાબેન વેકરિયાએ પોતાના ઘરે પંખા સાથે ગળેફાંસો ખાધો. પરિવારજનોને બનાવની જાણ થતાં તેમણે તાત્કાલિક 108 ઇમરજન્સી ટીમને જાણ કરી હતી. ઇએમટી સ્ટાફે તપાસીને મહિલાને મૃત જાહેર કર્યા હતા. આ બનાવ અંગે યુનિવર્સિટી પોલીસને જાણ કરવામાં આવતાં પોલીસે મૃતદેહનો કબજો મેળવી પંચનામું કર્યું હતું. પોલીસની પ્રાથમિક પૂછપરછમાં સામે આવ્યું છે કે, મૃતક મહિલા લાંબા સમયથી ગંભીર બીમારીથી પીડાતા હતા અને શારીરિક યાતનાઓ સહન ન થતાં તેમણે અંતિમ પગલું ભરી લીધું હતું. પાડાસણ ગામે ઘર આંગણે રમતી બાળકી પર લોખંડનો ડેલો પડતાં મોત આ તરફ રાજકોટ તાલુકાના પાડાસણ ગામે એક અત્યંત કમનસીબ અકસ્માત સર્જાયો હતો. ગામમાં રહેતા અશ્વિનભાઈ સોરઠીયાની દોઢ વર્ષની માસૂમ દીકરી સવારે અંદાજે 11 વાગ્યાના સુમારે ઘરના આંગણામાં રમી રહી હતી. તે દરમિયાન અચાનક લોખંડનો ભારેખમ ડેલો ઉખડીને માસૂમ બાળકીના માથા પર પડ્યો હતો. લોખંડનો ડેલો માથે પટકાતાં બાળકીને ગંભીર ઈજાઓ પહોંચી હતી અને તે લોહીલુહાણ હાલતમાં બેભાન થઈ ઢળી પડી હતી. પરિવારજનો તાબડતોબ બાળકીને સારવાર માટે રાજકોટ સિવિલ હોસ્પિટલ ખાતે લાવ્યા હતા, જ્યાં હાજર ડોક્ટરોએ તેને મૃત જાહેર કરી હતી. આજીડેમ પોલીસે અકસ્માતે મોતનો ગુનો નોંધી વધુ તપાસ શરૂ કરી છે.
Read full article on Divya Bhaskar