top
માલિકા ગામમાં 1.90 કરોડના ખર્ચે નવી શાળાનું લોકાર્પણ:પ્રભારી મંત્રી દર્શનાબેન વાઘેલાએ લોકાર્પણ કર્યું, 2001માં અહીં શિક્ષિકા હતા
માલિકા ગામમાં રૂ.1.90 કરોડના ખર્ચે બનેલા નવા શાળા ભવનનું લોકાર્પણ કરાયું. શહેરી વિકાસ અને જિલ્લાના પ્રભારી મંત્રી દર્શનાબેન વાઘેલાના હસ્તે આ ભવન ખુલ્લું મુકાયું હતું. મંત્રીએ શિક્ષણ દ્વારા સમાજ નિર્માણ અને ગ્રામ વિકાસની ખાતરી આપી. મંત્રી દર્શનાબેન વાઘેલાએ જણાવ્યું કે, 2001માં તેમણે આ જ ગામની શાળામાં શિક્ષિકા તરીકે કામ શરૂ કર્યું હતું. પારિવારિક કારણોસર નોકરી છોડવી પડી હતી. આજે એ જ ગામમાં મંત્રી તરીકે પાછા ફરવાનો તેમને આનંદ છે. તેમણે શિક્ષકના વ્યવસાયને પવિત્ર કાર્ય ગણાવ્યું હતું. મંત્રીએ કહ્યું કે, ગામની હાઈસ્કૂલની 30 દીકરીઓનું 'નમો લક્ષ્મી યોજના' હેઠળ રજિસ્ટ્રેશન થયું છે. આ યોજનામાં ધોરણ 12થી કોલેજ સુધીનો ખર્ચ સરકાર ઉઠાવે છે. તેમણે ગામના બાકી રોડ-રસ્તાના કામો જલ્દી પૂરા કરવાની ખાતરી પણ આપી. અત્રે ઉલ્લેખનીય છે કે, જૂન 2021માં ગુજરાત રાજ્યના શિક્ષણ વિભાગ દ્વારા મંજૂર થયેલી આ સરકારી માધ્યમિક શાળા આજે સર્વજનહિતાય, સર્વજન સુખાય, સર્વજન અભ્યાસાયના મંત્રને ખરા અર્થમાં સાર્થક કરી રહી છે. વર્ષ 2022થી 2026 સુધી સળંગ પાંચ વર્ષથી આ શાળાનું ધોરણ-10નું પરિણામ 80 ટકાથઈ વધારે આવ્યું છે. સરકારની તમામ યોજનાઓનો લાભ આ શાળાના બાળકોને સમયસર મળી રહ્યો છે. તાજેતરમાં જ માધ્યમિક શિષ્યવૃત્તિ પરીક્ષામાં 4 વિદ્યાર્થીઓ ઉત્તીર્ણ થયા છે. રાજ્ય સરકારની ખાસ ઝુંબેશ અંતર્ગત આ શાળાનો ડ્રોપઆઉટ રેશિયો ઝીરો કરવામાં આવ્યો છે, જે એક બહુ મોટી સિદ્ધિ છે. આ લોકાર્પણ પ્રસંગે જિલ્લા પંચાયત પ્રમુખ રંજનબેન ભૂસડીયા, જિલ્લા પંચાયત કારોબારી સમિતિના ચેરમેન અજયસિંહ રાણા, જિલ્લા કલેક્ટર જી.એચ.સોલંકી, વઢવાણ પ્રાંત અધિકારી મેહુલ ભરવાડ સહિત મોટી સંખ્યામાં ગ્રામજનો અને વિદ્યાર્થીઓ ઉપસ્થિત રહ્યા હતા.
Read full article on Divya Bhaskar