top
'મારે જીવવું છે, તમે મને મોત તરફ ના મોકલો...':સાસરિયાંના ત્રાસથી ડિલિવરી બોયનો આપઘાત, દર્દનાક સુસાઇડ નોટ મળતાં સાસુ-સાળા સામે ગુનો દાખલ
ગાંધીનગર તાલુકાના પ્રાંતિયા ગામે સાસરિયાં પક્ષ દ્વારા પૈસાની અવારનવાર માંગણી અને પત્નીના છૂટાછેડા કરાવી દેવાની સતત ધમકીઓથી કંટાળીને 33 વર્ષીય ઓનલાઇન ડિલિવરી બોયે પોતાના જ ઘરમાં ગળાફાંસો ખાઈ આત્મહત્યા કરી લીધી છે. યુવકના ખિસ્સામાંથી હૃદયદ્રાવક સુસાઇડ નોટ મળી આવી હતી, જેમાં તેણે પોતાના મોતના જવાબદાર તરીકે સાસુ અને સાળાના નામનો ઉલ્લેખ કર્યો હતો. સમગ્ર મામલે તપાસ બાદ ડભોડા પોલીસે મૃતકના નાના ભાઈની ફરિયાદના આધારે સાસુ અને સાળા સામે આપઘાતની દુષ્પ્રેરણાનો ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે. લગ્નના થોડા સમય બાદ વિવાદ અને પત્ની પિયર જતી રહી પ્રાંતિયા ગામના હાટડીયા વાસમાં રહેતા અને બ્લિંકિટ કંપનીમાં ડિલિવરી બોય તરીકે કામ કરતા 33 વર્ષીય વિજયકુમાર કાંતીજી ઠાકોરના લગ્ન ગત 26 મે, 2025ના રોજ આદરજ મોટી ગામની છાયા સાથે થયા હતા. લગ્નજીવનના થોડા જ સમયમાં દંપતી વચ્ચે નાની-મોટી બાબતોને લઈને ઝઘડો શરૂ થયો હતો. ગત 19 ઓગસ્ટના રોજ થયેલા ઝઘડા બાદ પરિવારે સમાધાન કરાવ્યું હોવા છતાં બીજા દિવસે પત્નીનો ભાઈ આવીને તેને પિયર લઈ ગયો હતો. સાસુ-સાળાની પૈસાની માંગણી અને છૂટાછેડાની ધમકીથી યુવક ડિપ્રેશનમાં આવ્યો ગત 21 ઓગસ્ટે સાસરી પક્ષમાંથી સાળા દશરથજી મણાજી ઠાકોરે ફોન કરી વિજય અને તેના પરિવાર સાથે ગાળાગાળી તેમજ ઉદ્ધત વર્તન કર્યું હતું. વિજયે પોતાના પરિવારને જણાવ્યું હતું કે તેની સાસુ સોમીબેન અને સાળો દશરથજી અવારનવાર નાણાંની માંગણી કરતા હતા અને પૈસા નહીં આપે તો પત્ની સાથે છૂટાછેડા કરાવી દેવાની ખુલ્લી ધમકીઓ આપતા હતા. આ સતત માનસિક ત્રાસના કારણે વિજય ઊંડા ડિપ્રેશનમાં સરી પડ્યો હતો અને ગત 23 ઓગસ્ટે ઘરમાં એકલતાનો લાભ લઈ પંખા સાથે સાડી બાંધી ગળાફાંસો ખાઈ લીધો હતો. 'મને માફ કરજો, મારે જીવવું છે'—મૃતકના ખિસ્સામાંથી સુસાઇડ નોટ મળી હોસ્પિટલ ખસેડાયા બાદ ફરજ પરના તબીબે વિજયને મૃત જાહેર કર્યો હતો. તે દરમિયાન મૃતકના ખિસ્સામાંથી એક ભાવુક સુસાઇડ નોટ મળી આવી હતી, જેમાં તેણે લખ્યું હતું કે, "મને માફ કરજો મેં ભૂલ કરી છે પણ તમે મને આટલી મોટી સજા ના આપો. મારે જીવવું છે પણ તમે મને મોત તરફ ના મોકલો... ગમે તેની ભૂલ હોય પણ એક વખત માફ કરો પણ તમે ના સમજી શક્યા એટલે મારે આ પગલું ભરવું પડ્યું. મારા મોત પાછળ જવાબદાર મારી સાસરીવાળા છે, આજે એમને મને મજબૂર કર્યો આ કરવા માટે... મને વધારે ટોર્ચર કરવામાં સોમીબેન મણાજી અને દશરથજી મણાજીનો હાથ છે." ડભોડા પોલીસે સાસુ અને સાળા સામે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી સુસાઇડ નોટ અને પરિવારજનોના નિવેદનોના આધારે ડભોડા પોલીસે મૃતકના નાના ભાઈ શૈલેષકુમાર ઠાકોરની ફરિયાદ નોંધી છે. પોલીસે સાળા દશરથજી મણાજી ઠાકોર અને સાસુ સોમીબેન મણાજી ઠાકોર વિરુદ્ધ ભારતીય ન્યાય સંહિતાની સંબંધિત કલમો હેઠળ આત્મહત્યાની દુષ્પ્રેરણાનો ગુનો નોંધીને આગળની કાયદેસરની તપાસ તેજ કરી છે.
Read full article on Divya Bhaskar