crime
Mehsanaમાં ACBનું ઓપરેશન: ગમનપુરા ગામના સરપંચ અને તલાટી રૂ.1 લાખની લાંચ લેતા રંગે હાથે ઝડપાયા
મહેસાણા જિલ્લામાંથી ભ્રષ્ટાચાર વિરુદ્ધ એન્ટી કરપ્શન બ્યુરો (ACB) ની ટીમે વધુ એક મોટી સફળતા મેળવી છે. મહેસાણાના ગમનપુરા ગામના ગ્રામ પંચાયત વિસ્તારમાં ફરિયાદી દ્વારા જમીન ખરીદીને એન.એ. (NA) કરાવીને વોટર ટ્રીટમેન્ટ કેમિકલ યુનિટ શરૂ કરવામાં આવ્યું હતું. આ યુનિટમાં વધુ ઉત્પાદન માટે વધારાના બાંધકામની પરવાનગી મેળવવા માટે પંચાયતમાં અરજી કરવામાં આવી હતી. આ મંજૂરી આપવાની પ્રક્રિયાના બદલામાં ગામના સરપંચ અને તલાટી કમ મંત્રી દ્વારા કુલ રૂપિયા 1,00,000ની માતબર રકમની લાંચની માંગણી કરવામાં આવી હતી. અમદાવાદ ACBની ટીમે ગોઠવ્યું સફળ છટકું ફરિયાદી લાંચની રકમ આપવા માંગતા ન હોવાથી તેમણે આ અંગે અગાઉથી જ એસીબી (ACB) નો સંપર્ક કરીને સત્તાવાર ફરિયાદ નોંધાવી હતી. આ ફરિયાદના આધારે અમદાવાદ શહેર એસીબી પોલીસ સ્ટેશનના પોલીસ ઇન્સ્પેક્ટર એમ.આર. શેઠ તથા તેમની ટીમે પૂર્વ આયોજનબદ્ધ રીતે એક સચોટ છટકું (ટ્રેપ) ગોઠવ્યું હતું. સરપંચ અને તલાટી બંને મહિલાઓ રંગે હાથે ઝડપાઈ એસીબીની આ ઓપરેશનલ કાર્યવાહી દરમિયાન લાંચની રકમ સ્વીકારતી વેળાએ બંને મહિલા લોકસેવકો રંગે હાથે ઝડપાઈ ગયા હતા. જેમાં મણીબેન મહેન્દ્રજી ઠાકોર (સરપંચ) રૂ. 80,000 અને દીપ્તીબેન વસંતભાઈ પટેલ (તલાટી કમ મંત્રી) રૂ. 20,000ની લાંચ સ્વીકારતા રંગે હાથે ઝડપાયા હતા. એસીબીની ટીમે બંને આરોપી મહિલાઓને સ્થળ પરથી જ લાંચની રકમ સાથે ઝડપી લઈને કાયદેસરની અટકાયત કરી છે અને આગળની સઘન તપાસ શરૂ કરી છે. સ્થાનિક સ્તરે પંચાયતના જવાબદાર હોદ્દેદારો જ લાંચ લેતા ઝડપાઈ જવાથી ભારે ચકચાર મચી ગઈ છે. ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો
Read full article on Sandesh