top
મહિલા કોર્પોરેટરે મીઠાઈ ખરીદી ને ભાંડો ફૂટ્યો:નાનપુરાની 'કૈલાશ સ્વીટ'માંથી બે દિવસ પહેલાં પાલિકાએ સેમ્પલ લીધા ને આજે ફૂગવાળી કાજુ કતરી પકડાઈ, ₹5,000નો દંડ
સુરત શહેરના નાનપુરા વિસ્તારમાં આવેલી પ્રતિષ્ઠિત 'કૈલાશ સ્વીટ' નામની દુકાનમાં નિર્દોષ ગ્રાહકોના સ્વાસ્થ્ય સાથે ખુલ્લેઆમ ચેડાં થતાં હોવાનો પર્દાફાશ થયો છે. વોર્ડ નંબર 20ના સ્થાનિક મહિલા કોર્પોરેટર હીનાબેન ટાલીયા જાતે મીઠાઈ ખરીદવા માટે આ સ્વીટ માર્ટમાં પહોંચ્યા હતા, જ્યાં મીઠાઈના બોક્સમાં પેક કરેલી કાજુ કતરી પર સફેદ ફૂગ વળેલી નજરે પડી હતી. બગડેલી અને અખાદ્ય ગુણવત્તાવાળી મીઠાઈ જોઈને કોર્પોરેટરે દુકાન સંચાલકનો ઉધડો લીધો હતો અને તાત્કાલિક સુરત મહાનગરપાલિકાના ફૂડ એન્ડ હેલ્થ વિભાગને જાણ કરી સ્થળ પર બોલાવી લીધો હતો. કોર્પોરેટરની હાજરીમાં આરોગ્ય વિભાગે અખાદ્ય જથ્થાનો સ્થળ પર નાશ કર્યો ફૂગવાળી મીઠાઈ પકડાઈ હોવાની માહિતી મળતાં જ SMC સેન્ટ્રલ ઝોનની આરોગ્ય ટીમ તાબડતોબ નાનપુરા સ્થિત કૈલાશ સ્વીટ પર પહોંચી ગઈ હતી. આરોગ્ય અધિકારીઓએ દુકાન અને સ્ટોરેજમાં રહેલા અન્ય તમામ મીઠાઈના જથ્થાનું બારીકાઈથી ચેકિંગ હાથ ધર્યું હતું. તપાસ દરમિયાન મળી આવેલી ફૂગવાળી કાજુ કતરી સહિતના તમામ બિનઆરોગ્યપ્રદ જથ્થાને ગ્રાહકો સુધી પહોંચતો અટકાવવા માટે સ્થળ પર જ કચરાપેટીમાં નાખીને નાશ કરવામાં આવ્યો હતો. આ ઉપરાંત ફૂડ સેફ્ટીના નિયમોનો ભંગ કરવા બદલ દુકાન માલિકને સ્થળ પર જ ₹5,000નો રોકડ દંડ ફટકારવામાં આવ્યો હતો. બે દિવસ અગાઉ જ તંત્રએ લીધા હતા સેમ્પલ ચોંકાવનારી બાબત એ છે કે માત્ર બે દિવસ પહેલાં જ મનપાના આરોગ્ય વિભાગની ટીમે આ જ દુકાનની મુલાકાત લઈને ખાદ્યપદાર્થોના સેમ્પલ લીધા હતા, છતાં પણ દુકાનદાર દ્વારા બેરોકટોક ફૂગવાળી મીઠાઈઓનું વેચાણ ચાલુ રાખવામાં આવ્યું હતું. કોર્પોરેટરની ત્વરિત સતર્કતાને પગલે વેપારીની આ ઘોર બેદરકારી છતી થઈ હતી. આરોગ્ય ટીમે આજે સ્થળ પરથી શંકાસ્પદ અને બગડેલી મીઠાઈના નવા નમૂનાઓ મેળવીને વધુ તપાસ માટે લેબોરેટરીમાં મોકલી આપ્યા છે. લેબ રિપોર્ટ આવ્યા બાદ દુકાનદાર વિરુદ્ધ ફૂડ સેફ્ટી એક્ટ મુજબ કાયદેસરની વધુ કડક શિક્ષાત્મક કાર્યવાહી હાથ ધરાશે.
Read full article on Divya Bhaskar