business
મકાન મેળવવા કેટેગરી બદલવા માટે અરજી કરી શકાશે:EWS-મુખ્યમંત્રી આવાસ યોજનાઓમાં 7 વર્ષથી ભાડે રહેતા હોય એવા લોકોના મકાનોમાં ગમે ત્યારે ચેકિંગ
અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના હાઉસિંગ એન્ડ એસ્ટેટ વિભાગ દ્વારા છેલ્લા 7 વર્ષમાં ફાળવવામાં આવેલા મુખ્યમંત્રી આવાસ અને EWS મકાનોમાં ગેરકાયદેસર રીતે ભાડે આપનારા અથવા વેચાણ કરનારાઓ સામે SRP અને સ્થાનિક પોલીસ બંદોબસ્ત સાથે સઘન ચેકિંગ ઝુંબેશ શરૂ કરવાનો નિર્ણય લેવાયો છે. આવાસ યોજનાઓના થતા દુરુપયોગને રોકવા માટે તમામ ઝોનની ટીમો એકસાથે આકસ્મિક તપાસ કરી નિયમભંગ કરનાર મકાનો સીલ કરવાની કાર્યવાહી કરશે. આ સાથે જ, નવી આવાસ યોજનાઓમાં કેટેગરીની ભૂલના કારણે પાત્ર અરજદારો વંચિત ન રહી જાય તે માટે કોર્પોરેશને પ્રથમ વખત વોટ્સએપ અને SMS દ્વારા કેટેગરી સુધારવાની ખાસ તક પણ આપી છે. પોલીસ બંદોબસ્ત સાથે સામૂહિક ચેકિંગ અને સીલિંગ કાર્યવાહી હાઉસિંગ કમિટીના ચેરમેન દર્શન શાહે જણાવ્યું હતું કે, અગાઉ અલગ-અલગ તપાસ દરમિયાન ઘણા મકાનો બંધ મળતા હોવાથી એકસાથે પૂર્ણ ચેકિંગ શક્ય બનતું નહોતું. હવેથી આસિસ્ટન્ટ મ્યુનિસિપલ કમિશનરની આગેવાની હેઠળ તમામ ઝોનની ટીમો SRP અને સ્થાનિક પોલીસના કડક બંદોબસ્ત સાથે એક જ આવાસ યોજનામાં એકસાથે તપાસ હાથ ધરશે. જો કોઈ મકાન માલિકે આવાસ ભાડે આપ્યું હશે કે વેચી દીધું હશે તો તેને નોટિસ આપી મકાન ખાલી કરાવવા અને સીલ કરવા સહિતની કડક કાનૂની કાર્યવાહી કરવામાં આવશે. અરજીઓમાં કેટેગરી સુધારવા માટે 10 દિવસની મુદત વર્ષ 2010થી ચાલી આવતી આવાસ ફાળવણી પ્રક્રિયામાં અરજદારો દ્વારા ખોટી કેટેગરી પસંદ થવાને કારણે અંદાજે 10 ટકા અરજીઓ રદ થઈ જતી હોય છે. હાલમાં 7,825 મકાનો માટે 97,102 અરજીઓ આવી છે, જેમાં 52,000 જેટલી અરજીઓ જનરલ કેટેગરીની છે. આ સ્થિતિને ધ્યાનમાં રાખીને કોર્પોરેશન દ્વારા ટેક્સ્ટ અને વોટ્સએપ મારફતે અરજદારોને તેમની પસંદ કરેલી કેટેગરીની જાણ કરવામાં આવશે. જો તેમાં કોઈ ભૂલ હોય તો મેસેજ મળ્યાના 10 દિવસની અંદર અરજદારે હાઉસિંગ એન્ડ એસ્ટેટ સેલ વિભાગમાં અરજી કરી સુધારો કરાવી લેવાનો રહેશે.
Read full article on Divya Bhaskar