crime
મકરબા-કોર્પોરેટ રોડના વિવાદિત ઓવરબ્રિજ પાસે આખરે ટ્રાફિક સિગ્નલ લાગશે:બ્રિજ બન્યા બાદ કેપ્સુલ સિસ્ટમ લાગુ કરાતા વાહનચાલકોને બિનજરૂરી ફરવું પડતું હતું
અમદાવાદ શહેરના મકરબાથી કોર્પોરેટ રોડને જોડતા વિવાદિત ઓવરબ્રિજ પાસે સર્જાતી ટ્રાફિકજામની કાયમી સમસ્યાનો ઉકેલ લાવવા માટે મ્યુનિસિપલ કોર્પોરેશન અને ટ્રાફિક પોલીસે કવાયત હાથ ધરી છે. આશરે ₹98.60 કરોડના જંગી ખર્ચે તૈયાર થયેલા આ બ્રિજનું 24 સપ્ટેમ્બરના રોજ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ દ્વારા લોકાર્પણ કરવામાં આવ્યું હતું. જોકે, ટ્રાફિકની સમસ્યા હળવી કરવા માટે બનેલો આ બ્રિજ શરૂ થતાં જ તેની ખામીયુક્ત ડિઝાઇનના કારણે વાહનવ્યવહારની મુશ્કેલીઓ ઓછી થવાને બદલે બેવડાઈ ગઈ હતી. બ્રિજનો છેડો સીધો ચાર રસ્તા પર ખૂલતાં હોબાળો થતો આ બ્રિજની ડિઝાઇનમાં સૌથી મોટી ખામી એ હતી કે મકરબાથી શરૂ થતો ઓવરબ્રિજ સીધો કોર્પોરેટ રોડના વ્યસ્ત ચાર રસ્તા પર જ પૂર્ણ થતો હતો. બ્રિજ પરથી ઉતરતાં જ વાહનોનું યોગ્ય મર્જિંગ ન થવાને કારણે ચાર રસ્તા પર વાહનો સામસામે આવી જતાં સતત અકસ્માતનો ભય અને ચક્કાજામની સ્થિતિ સર્જાતી હતી. આ અંધાધૂંધીને થાળે પાડવા માટે તત્કાળ ધોરણે ટ્રાફિક પોલીસ અને AMC દ્વારા બેરિકેડ ગોઠવી કામચલાઉ ‘કેપ્સ્યુલ સિસ્ટમ’ લાગુ કરવામાં આવી હતી. વાહનોના માર્જિન માટે જગ્યા ન છોડ્યાનો ખુલાસો મંગાયો બ્રિજના છેડે વાહનોની અવરજવર માટે પૂરતી જગ્યા ન રાખવા તેમજ ટ્રાફિક માર્જિનના પ્રાથમિક નિયમોની અવગણના કરવા બદલ અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા પ્રોજેક્ટની ડિઝાઇન તૈયાર કરનાર કન્સલ્ટન્ટ કંપનીને કારણદર્શક નોટિસ પણ ફટકારવામાં આવી હતી. તંત્ર દ્વારા આ ગંભીર બેદરકારી બદલ ખુલાસો માગવામાં આવ્યો હતો. જોકે, કામચલાઉ વ્યવસ્થાથી પણ ટ્રાફિકની ગૂંચવણ ન ઉકલતાં આખરે ચાર રસ્તા પર ઓટોમેટિક સિગ્નલ બેસાડવાનો નિર્ણય લેવાયો છે. સ્થાનિકોને બિનજરૂરી ફેરા, સમય અને પેટ્રોલના વેડફાટમાંથી મુક્તિ મળશે હાલમાં લાગુ કરાયેલી કેપ્સ્યુલ સિસ્ટમના કારણે સ્થાનિક સોસાયટીઓ અને કોર્પોરેટ ઓફિસમાં જતા વાહનચાલકોને બિનજરૂરી લાંબો ચક્કર લગાવીને જવું પડતું હતું, જેના લીધે સમય અને ઇંધણનો ભારે બગાડ થતો હતો. હવે મકરબાથી કોર્પોરેટ રોડ તરફ ચાર રસ્તા પર કાયમી ટ્રાફિક સિગ્નલ સ્થાપવાની કામગીરી પૂરજોશમાં ચાલી રહી છે. સિગ્નલ સંપૂર્ણ કાર્યરત થતાં જ બેરિકેડ્સ હટાવી લેવામાં આવશે અને નિયમિત સિગ્નલ સાયકલ દ્વારા ચારેય તરફના ટ્રાફિકનું સુચારુ સંચાલન કરવામાં આવશે, જેનાથી હજારો વાહનચાલકોને મોટી રાહત મળશે.
Read full article on Divya Bhaskar