crime
'મમ્મી, પ્રસાદ લેવા જાઉં' કહી નીકળેલા 7 વર્ષના બાળકનું મોત:બસના દરવાજામાં ગળું ફસાતાં માસૂમ બાળકે ઘટનાસ્થળે દમ તોડ્યો
વડોદરા શહેરના સૂર્યનગર-તરસાલી બાયપાસ નજીક એક અત્યંત કરુણ અને હૃદયદ્રાવક અકસ્માત સર્જાયો છે, જેમાં રોડ પર ઊભેલી એક બસના દરવાજામાં ગળું ફસાઈ જવાથી 7 વર્ષીય બાળકનું મોત નીપજ્યું છે. પ્રસાદ લેવા જવાનું કહીને ઘરની બહાર નીકળેલા પુત્રના અચાનક મોતના સમાચાર મળતાં શ્રમિક પરિવારમાં ભારે શોકનું મોજું ફરી વળ્યું છે. આ બનાવ અંગે કપુરાઈ પોલીસે ગુનો નોંધી આગળની કાયદેસરની તપાસ હાથ ધરી છે. પ્રસાદ લેવા નીકળેલા બાળક સાથે બની દુર્ઘટના સૂર્યનગર બાયપાસ નજીક આવેલી એસ.આર. એનર્જી કંપનીમાં નોકરી કરતા રાકેશભાઈ રાઠવાનો 7 વર્ષીય પુત્ર દિવ્યેશ બપોરના સમયે માતાને પ્રસાદ લેવા જવાનું કહીને ઘરેથી નીકળ્યો હતો. આ દરમિયાન રસ્તા પર ઊભેલી એક બસના દરવાજામાં અકસ્માતે તેનું ગળું ફસાઈ ગયું હતું. બનાવ બન્યાના થોડા સમય બાદ બે અજાણ્યા વ્યક્તિઓએ આવીને પરિવારને જાણ કરી હતી કે દિવ્યેશ જમીન પર બેભાન હાલતમાં પડ્યો છે. સારવાર મળે તે પહેલાં જ તબીબોએ મૃત જાહેર કર્યો ઘટનાની જાણ થતાં જ પરિવારજનો તાત્કાલિક સ્થળ પર પહોંચ્યા હતા અને ગંભીર હાલતમાં રહેલા બાળકને 108 એમ્બ્યુલન્સ મારફતે સારવાર માટે વડોદરાની સયાજી હોસ્પિટલ (SSG) ખાતે ખસેડ્યો હતો. જોકે, હોસ્પિટલમાં ફરજ પરના તબીબોએ પ્રાથમિક તપાસ બાદ દિવ્યેશને મૃત જાહેર કરતાં પરિવારજનો પર આભ તૂટી પડ્યું હતું. કપુરાઈ પોલીસે અકસ્માતે મોતનો ગુનો નોંધી તપાસ શરૂ કરી દુર્ઘટનામાં ભોગ બનનાર મૃતક બાળકની ઓળખ દિવ્યેશ રાકેશભાઈ રાઠવા (ઉંમર વર્ષ 7) તરીકે થઈ છે. સમગ્ર ઘટનાની જાણ થતાં કપુરાઈ પોલીસનો કાફલો સયાજી હોસ્પિટલ પહોંચ્યો હતો અને બાળકના મૃતદેહનું પંચનામું કરી પોસ્ટમોર્ટમ અર્થે મોકલી આપ્યો હતો. પોલીસે હાલ અકસ્માતે મોતનો ગુનો નોંધી સમગ્ર મામલે વધુ કાયદેસરની તપાસ હાથ ધરી છે.
Read full article on Divya Bhaskar