crime
મોરબી જિલ્લા પંચાયતના 8 કામો રદ્દ:વર્ષ 2020 થી 2022 માં મંજૂર થયેલા કામો અધૂરા રહેતા સામાન્ય સભામાં નિર્ણય, ઉબડખાબડ રોડ-રસ્તા સહિતના પ્રશ્નો રજૂ કરાયા
મોરબી જિલ્લા પંચાયતની સામાન્ય સભાની બેઠક પ્રમુખ ગીતાબેન દૂબરીયાના અધ્યક્ષ સ્થાને મળી હતી. આ બેઠકમાં વર્ષ 2020 થી 2022 દરમિયાન મંજૂર થયેલા 8 વિકાસ કામો હજુ સુધી પૂર્ણ ન થતા તેમને રદ કરવાનો મહત્વપૂર્ણ નિર્ણય લેવાયો હતો. સભામાં ઉબડખાબડ રોડ-રસ્તા સહિતના વિવિધ પ્રશ્નો પણ સદસ્યો દ્વારા રજૂ કરવામાં આવ્યા હતા. 6 વિકાસ કામોની મુદતમાં વધારો જિલ્લા પંચાયતમાં વર્ષ 2020થી અત્યાર સુધીમાં કુલ 345 જેટલા વિકાસ કામો મંજૂર કરાયા હતા. તે પૈકી, વર્ષ 2020-21 અને 2021-22 માં મંજૂર થયેલા 8 કામો લાંબા સમયથી અધૂરા રહેતા તેમને રદ કરવામાં આવ્યા હતા. આ ઉપરાંત, વર્ષ 2025-26 માં મંજૂર થયેલા 6 વિકાસ કામોની મુદતમાં વધારો કરવાનો ઠરાવ પણ પસાર કરાયો હતો. સમિતિ સભ્યોના ફેરફારો કરાયો સામાન્ય સભામાં સમિતિ સભ્યોના ફેરફારો કરવામાં આવ્યા હતા. મોરબી જિલ્લા પંચાયતની શિક્ષણ સમિતિમાં પ્રમુખ ગીતાબેન દૂબરીયાએ સભ્ય પદેથી રાજીનામું આપતા તેમના સ્થાને ભગવતીબેન ગિરીશ લકુમની નિમણૂક કરાઈ હતી. સામાજિક ન્યાય સમિતિના કોઓપ્ટ સભ્ય કાળાભાઈ ગોકળ મકવાણાના રાજીનામા બાદ સોનલબેન રાજેશ બારીયાની નિમણૂક કરાઈ હતી. તીથવા બેઠકના સદસ્ય મહેબુબ અહમદ કડીવાર દ્વારા મોરબી જિલ્લામાં ધાર્મિક સ્થળોને જોડતા ઉબડખાબડ રસ્તાઓને તાત્કાલિક રીપેર કરવા માટે રજૂઆત કરવામાં આવી હતી, જેના પર રોડ-રસ્તા રીપેર કરવા માટેની સૂચનાઓ અપાઈ હતી. સમગ્ર જિલ્લામાં એક સમાન દર રાખવા માટે ઠરાવ વર્ષ 2014માં મોરબી જિલ્લો અસ્તિત્વમાં આવ્યા બાદ સુરેન્દ્રનગર જિલ્લામાંથી આવેલા હળવદ તાલુકા અને જામનગર જિલ્લામાંથી આવેલા ગામોમાં બિનખેતી આકાર અને કરમાં વિસંગતતા જોવા મળતી હતી. આ વિસંગતતા દૂર કરવા અને સમગ્ર જિલ્લામાં એક સમાન દર રાખવા માટે ઠરાવ કરાયો હતો. આગામી પાંચ વર્ષ માટે 3 રૂપિયાનો દર નક્કી કરીને સરકારમાં મંજૂરી માટે દરખાસ્ત મોકલવાનો નિર્ણય લેવાયો હતો. અન્ય નિર્ણયોમાં, કેટલીક ગ્રામ પંચાયતોમાં આંગણવાડી કે શાળાના બાંધકામ માટે જમીન ઉપલબ્ધ ન હોવાથી પંચાયત કે સોસાયટીની સાર્વજનિક જમીનનો ગ્રામજનોની સંમતિથી ઠરાવ કરીને ઉપયોગ કરવાનો નિર્ણય લેવાયો હતો. આ ઉપરાંત, જેટિંગ મશીનના ઉપયોગ માટે એસઓપી જાહેર કરવી, પ્રમુખના હયાત બંગલાને યથાવત્ રાખવો અને ડીડીઓની નવી કાર ન આવે ત્યાં સુધી ભાડાથી કાર રાખવા માટેના ઠરાવોને પણ મંજૂરી અપાઈ હતી.
Read full article on Divya Bhaskar