crime
કેનેડીપુરમાં ગૌરવંશ સામે સિંહે ચાલતી પકડી:જૂનાગઢના મેંદરડાના કેનેડીપુર ગામમાં શિકારની શોધમાં આવેલો સિંહ ગૌવંશ સામે આવતાં શિકાર કર્યા વગર જ ભાગી છૂટ્યો, સીસીટીવી વાયરલ
જૂનાગઢ જિલ્લાના ગીર સોમનાથ અને આસપાસના સરહદી વિસ્તારોમાં જંગલમાંથી સિંહો અવારનવાર શિકારની શોધમાં રેવન્યુ અને ગ્રામીણ વિસ્તારો તરફ આવી ચડતા હોય છે. આવી જ એક ચોંકાવનારી અને આશ્ચર્યજનક ઘટના મેંદરડા તાલુકાના કેનેડીપુર ગામમાં સામે આવી છે. રાત્રિના સમયે ગામની ગલીઓમાં શિકારની શોધમાં એક સિંહ આવી ચડ્યો હતો. જોકે જંગલના રાજા ગણાતા સિંહનો સામનો ગામમાં રહેલા ગૌવંશના ઝુંડ સાથે થઈ ગયો હતો. સામાન્ય રીતે સિંહને જોઈને અન્ય પ્રાણીઓ ભાગી છૂટતા હોય છે, પરંતુ આ કિસ્સામાં ગાયોના ઝુંડે અકલ્પનીય હિંમત દર્શાવી હતી. સિંહ જેમ જ ગૌવંશના ઝુંડ તરફ આગળ વધ્યો કે તુરંત જ એક ગાયે ભારે ખુમારી અને હિંમત સાથે સિંહનો સામનો કર્યો હતો. ગાયે આક્રમક વલણ અપનાવીને સિંહને વળતો જવાબ આપતાં જંગલનો રાજા પણ હેબતાઈ ગયો હતો. ગૌવંશની આવી એકતા અને ગાયના જોરદાર પ્રતિકાર સામે સિંહને પીછેહઠ કરવી પડી હતી. શિકાર કરવાની કોશિશ કરનાર સિંહ આખરે કોઈ પણ પશુનો શિકાર કર્યા વગર જ ત્યાંથી શરમાઈને ભાગી છૂટ્યો હતો. આ સમગ્ર રોમાંચક ઘટના નજીકમાં લાગેલા સીસીટીવી કેમેરામાં કેદ થઈ ગઈ હતી. આ સીસીટીવી ફૂટેજ સોશિયલ મીડિયા પર વાયરલ થતાં જ લોકો ગૌવંશની હિંમત અને તાકાતના ભારે વખાણ કરી રહ્યા છે. ગામડાઓમાં અવારનવાર શિકાર માટે આવતા સિંહો અને અન્ય હિંસક વન્યપ્રાણીઓના કારણે ગ્રામજનોમાં પણ ભયનો માહોલ સર્જાતો હોય છે. ગીર નજીકના સરહદી વિસ્તારોમાંથી વન્યજીવોના આવા વાયરલ વિડીયો અવારનવાર પ્રકાશમાં આવતા રહે છે. આવી ઘટનાઓની જાણ થતાં જ વન વિભાગની ટીમ તાત્કાલિક અસરથી ઘટનાસ્થળે પહોંચી જાય છે અને સિંહો કે અન્ય હિંસક પ્રાણીઓને સલામત રીતે ગ્રામીણ વિસ્તારમાંથી દૂર જંગલના સલામત વિસ્તાર તરફ ખસેડવાની કામગીરી હાથ ધરે છે. વન વિભાગ દ્વારા પણ સ્થાનિક ગ્રામજનો અને માલધારીઓને સિંહો તથા અન્ય હિંસક પ્રાણીઓ સામે સતર્ક રહેવા માટે વારંવાર અપીલ કરવામાં આવે છે. વન વિભાગે લોકોને વિનંતી કરી છે કે રાત્રિના સમયે કે વન્યજીવો સામે આવે ત્યારે કોઈ પણ પ્રકારની પજવણી ન કરવી અને જાગૃતતા દાખવવી. જો ક્યાંય પણ વન્યજીવો માનવ વસાહતમાં દેખાય તો તુરંત જ વન વિભાગને જાણ કરવા માટે ખાસ સૂચના આપવામાં આવી છે.
Read full article on Divya Bhaskar