top
રેતી ખનન મામલે રજૂઆત:કલેક્ટર કચેરી ખાતે સંકલનની બેઠક મળી, ડભોઇના ધારાસભ્ય શૈલેષ મહેતાએ ખોટી રીતે પ્લોટોના વેચાણ અંગે રજૂઆત
વડોદરા જિલ્લા કલેકટર કચેરી ખાતે અધિક નિવાસી કલેકટરના અધ્યક્ષસ્થાને સરકારી કામગીરી અને સ્થાનિક પ્રશ્નોના નિકાલ અર્થે મહત્વપૂર્ણ સંકલન સમિતિની બેઠક યોજાઈ હતી. આ બેઠકમાં જિલ્લાના વિવિધ વહીવટી વિભાગોના ઉચ્ચ અધિકારીઓ તેમજ લોકપ્રતિનિધિઓ ખાસ ઉપસ્થિત રહ્યા હતા. બેઠક દરમિયાન પ્રજાકીય પ્રશ્નો, વિકાસકામો અને સ્થાનિક સ્તરની વિવિધ સમસ્યાઓ અંગે વિસ્તૃત ચર્ચા-વિચારણા કરવામાં આવી હતી. વહીવટી પ્રક્રિયાને વધુ ઝડપી અને પારદર્શક બનાવવા માટે અધિકારીઓને જરૂરી દિશાનિર્દેશો આપવામાં આવ્યા હતા, જેથી સામાન્ય નાગરિકોના અટકેલા પ્રશ્નોનો વહેલી તકે ઉકેલ લાવી શકાય. ડભોઇના ધારાસભ્યની ધારદાર રજૂઆત આ સંકલન બેઠકમાં ડભોઇના ધારાસભ્ય શૈલેષ સોટ્ટાએ હાજરી આપીને ક્ષેત્રના ગંભીર પ્રશ્નો અંગે અત્યંત ધારદાર અને આક્રમક રજૂઆતો કરી હતી. તેમણે પોતાના મતવિસ્તાર અને આસપાસના વિસ્તારોમાં ચાલી રહેલી ગેરકાયદેસર પ્રવૃત્તિઓ તરફ વહીવટી તંત્રનું ધ્યાન દોર્યું હતું. ધારાસભ્યએ ખાસ કરીને ખોટી રીતે પ્લોટોના વેચાણ અને મોટા પાયે થઈ રહેલા ગેરકાયદેસર રેતી ખનનનો મુદ્દો ઉઠાવ્યો હતો. તેમણે આક્ષેપ કર્યો હતો કે, નિયમોનું ઉલ્લંઘન કરીને જમીનો અને પ્લોટોની હેરાફેરી કરવામાં આવી રહી છે, જેના કારણે સામાન્ય અને ગરીબ નાગરિકો ભારે મુશ્કેલીમાં મુકાઈ રહ્યા છે. રેતી ખનન માફીયાઓ ઉપર અધિકારીઓની રહેમ નજર વધુમાં, ધારાસભ્ય શૈલેષ સોટ્ટાએ રેતી ખનન માફિયાઓ સામે કડક કાર્યવાહી ન થવા અંગે ગંભીર સવાલો ઉઠાવ્યા હતા. તેમણે ખુલ્લેઆમ આક્ષેપ કરતા જણાવ્યું હતું કે વિસ્તારમાં સક્રિય રેતી ખનન માફિયાઓને કેટલાક જવાબદાર અધિકારીઓની સંપૂર્ણ છત્રછાયા અને આશીર્વાદ પ્રાપ્ત છે. અધિકારીઓની મિલીભગત અને આંતરિક સમર્થનના કારણે જ માફિયાઓ બેફામ બનીને કુદરતી સંપત્તિ લૂંટી રહ્યા છે અને સરકારી તિજોરીને મોટું નુકસાન પહોંચાડી રહ્યા છે. તેમણે કલેકટર તંત્ર પાસે માગ કરી હતી કે આ સમગ્ર મામલે તટસ્થ તપાસ કરવામાં આવે અને દોષિત અધિકારીઓ તથા ખનન માફિયાઓ સામે તાત્કાલિક ધોરણે કડકમાં કડક કાનૂની પગલાં ભરવામાં આવે.
Read full article on Divya Bhaskar