crime
ટ્રાફિક ડીસીપીની કેપ્સ્યુલ સિસ્ટમ સામે કોંગ્રેસનો વિરોધ:બ્રિજ બનાવ્યા બાદ ભૂલ છુપાવવા કેપ્સ્યુલ સિસ્ટમ લાગુ કરાયાનો આક્ષેપ; અજિત મિલથી મેમ્કો સુધી વાહનચાલકો પરેશાન
અમદાવાદમાં ટ્રાફિકની સમસ્યા ઉકેલવા ટ્રાફિક પોલીસના ડીસીપી નરેશ કણજરીયા દ્વારા કેપ્સ્યુલ સિસ્ટમ લાગુ કરવામાં આવી છે. આ સિસ્ટમ સામે કોંગ્રેસ દ્વારા વિરોધ દર્શાવી અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના ડેપ્યુટી કમિશનર અને ટ્રાફિક ડીસીપીને પત્ર લખી તેને તાત્કાલિક દૂર કરવા માંગ કરાઈ છે. કોઈપણ આયોજન વગર આ સિસ્ટમ લાગુ કરાતાં જનતાને દરેક જંકશન પર બિનજરૂરી વધારાનું અંતર ફરવું પડતું હોવાનો આક્ષેપ કરાયો છે. 28 જેટલાં જંકશન પર કેપ્સ્યુલ સિસ્ટમ ટ્રાફિક પોલીસ દ્વારા શહેરના અલગ-અલગ 28 જેટલા જંકશન પર ટ્રાફિક હળવો કરવા માટે આ કેપ્સ્યુલ સિસ્ટમ લાગુ કરવામાં આવી છે. ડીસીપી નરેશ કણજરીયા સ્થળ મુલાકાત લઈ સોશિયલ મીડિયા પર વીડિયો બનાવી રહ્યા છે. કોંગ્રેસે દાવો કર્યો છે કે અજિત મિલ ચાર રસ્તાથી મેમ્કો સુધી સિસ્ટમ લાગુ કરાતાં પ્રજા પરેશાન થઈ રહી છે. નિષ્પક્ષ સમિતિ બનાવી યોગ્ય સર્વે કર્યા બાદ જ નિર્ણય લેવા માંગણી કરાઈ છે. બ્રિજ બન્યા છતાં ટ્રાફિક યથાવત રહ્યો અજિત મિલ ચાર રસ્તાથી મેમ્કો ચાર રસ્તા સુધીના 1.5 કિલોમીટરના અંતરમાં ચાર જંકશન પર કરોડોના ખર્ચે ફ્લાય ઓવર બ્રિજ બનાવવામાં આવ્યા છે. દબાણો અને તંત્રની નિષ્ક્રિયતાના કારણે ટ્રાફિક હળવો ન થતાં પોતાની ભૂલ છુપાવવા કેપ્સ્યુલ સિસ્ટમ લાગુ કરાઈ હોવાનો કોંગ્રેસનો આક્ષેપ છે. તહેવારોને ધ્યાને રાખી પતરાના શેડ હટાવી ટ્રાફિક સ્ટાફ, TRB અને દબાણ ખાતાને ખડેપગે રાખી પ્રજાહિતમાં નિર્ણય લેવા પત્રમાં જણાવાયું છે. સમય અને ઈંધણનો વ્યય થતો હોવાનો દાવો બાપુનગર ચાર રસ્તા પર કેપ્સ્યુલ સિસ્ટમ લાગુ કરાતાં વાહનચાલકોને દરેક સર્કલ પર કારણ વગર 1 થી 2 કિલોમીટર વધારાનું ફરવું પડી રહ્યું છે. આનાથી નાગરિકોનો સમય અને આર્થિક ખર્ચ બંને વધી રહ્યા છે. કોંગ્રેસે ચીમકી આપી છે કે જો આ સિસ્ટમ તાત્કાલિક હટાવવામાં નહીં આવે તો આગામી દિવસોમાં ઉગ્ર આંદોલન કરવામાં આવશે. તંત્રના અણધડ વહીવટ સામે સવાલો ઊઠ્યા ગુજરાત કોંગ્રેસના પ્રવક્તા અમિત નાયકે જણાવ્યું કે AMC અને ટ્રાફિક વિભાગ દ્વારા અણધડ વહીવટ ચલાવાઈ રહ્યો છે. કરોડોના ખર્ચે બ્રિજ બનાવ્યા પછી પણ દબાણ અને હપ્તાખોરીને કારણે સમસ્યા ઉકેલાઈ નથી. ટ્રાફિક કર્મચારીઓ સમસ્યા ઉકેલવાને બદલે મોબાઈલમાં મશગૂલ રહે છે. તહેવારો પહેલા સર્વે કરી પ્રજાને પરેશાન કરતી આ અણધડ કેપ્સ્યુલ ફોર્મ્યુલા દૂર કરવાની માંગ કરાઈ છે.
Read full article on Divya Bhaskar