top
અનાવાડા ગૌશાળામાં કેદારનાથ જેવું કપિલેશ્વર મહાદેવ મંદિર બનશે:જન્માષ્ટમીએ દાતા ચેતનભાઈ વ્યાસના હસ્તે ભૂમિ પૂજન કરાયું, સંપૂર્ણ પથ્થરથી બનશે
પાટણ તાલુકાના અનાવાડામાં આવેલી શ્રી હરિ ઓમ ગૌશાળામાં શ્રી કપિલેશ્વર મહાદેવ મંદિરનું ભૂમિ પૂજન કરવામાં આવ્યું છે. જન્માષ્ટમીના પવિત્ર દિવસે સવારે દાતા ચેતનભાઈ રામશંકર વ્યાસ અને તેમના પત્ની કાજલબેન વ્યાસના હસ્તે વેદના મંત્રોચ્ચાર સાથે આ પૂજન કરાયું હતું. આ મંદિર સંપૂર્ણપણે પથ્થરોમાંથી કેદારનાથ તીર્થની પ્રતિકૃતિ સમું બનાવવામાં આવશે. ચેતનભાઈ વ્યાસે જણાવ્યું કે, આ મંદિર કેદારનાથ ધામ જેવો જ ઘાટ ધરાવશે. તેના નિર્માણમાં એક પણ ખીલી કે લોખંડનો ઉપયોગ કરવામાં આવશે નહીં, ફક્ત પથ્થરોનો જ ઉપયોગ થશે. અનાવાડામાં સરસ્વતી નદીના કિનારે આવેલી શ્રી હરિઓમ ગૌશાળા અને ગૌ હોસ્પિટલ બીમાર, અશક્ત અને ઘાયલ ગાયો માટે આશ્રયસ્થાન બની છે. આ સ્થળ આધ્યાત્મિક અને પ્રાકૃતિક ધામ તરીકે પણ વિકસી રહ્યું છે. પૂજ્ય રમેશભાઈ ઓઝાની ભાગવત કથા અને ગૌભક્તિ મહોત્સવ યોજાયા બાદ આ ગૌધામ લોકોની આસ્થાનું કેન્દ્ર બન્યું છે. અહીં કપિલા ગાયના દર્શન પણ થાય છે. આ ભૂમિ પૂજન પ્રસંગે ગૌશાળાના સ્થાપક સંચાલક દિનેશભાઈ જોષી સહિત મોટી સંખ્યામાં ગૌભક્તો હાજર રહ્યા હતા.
Read full article on Divya Bhaskar