crime
અકસ્માત:હિંમતનગર ઓવરબ્રિજ પર બસની ટક્કરે બાઇક સવાર કાકાનું મોત, ભત્રીજાને ઇજા
હિંમતનગરના મોતીપુરા ઓવરબ્રિજ પર શામળાજીથી અમદાવાદ તરફ જતા માર્ગ પર સોમવારે વહેલી સવારે બાઈક પર ગાંધીનગર જઈ રહેલા કાકા-ભત્રીજાને અજાણી લક્ઝરી બસે અડફેટે લીધા હતા. આ અકસ્માતમાં બાઇક સવાર કાકાનું માથાના ભાગે ગંભીર ઈજાઓ થતાં ઘટનાસ્થળે જ કમકમાટીભર્યું મોત નીપજ્યું હતું, જ્યારે ભત્રીજાને ઈજાઓ પહોંચી હતી. અકસ્માત સર્જી લક્ઝરી બસનો ચાલક વાહન સાથે ભાગી ગયો હતો. રાજસ્થાનના ડુંગરપુર જિલ્લાના ગામડી અહાડા તાલુકાના પાલ ગલંદર ગામના વતની નટવરભાઈ થાવરાભાઈ મનાત ઉં.વ. 35 ગાંધીનગર ખાતે ડ્રાઇવર તરીકે નોકરી કરે છે. સોમવારે તારીખ 02/11/26ના રોજ વહેલી સવારે તેઓ પોતાના કાકા નારણલાલ વાલાજી મનાત ઉં.વ. 59 સાથે પોતાના બાઈક નં RJ-12-SX-1265 પર સવાર થઈ ગાંધીનગર જવા નીકળ્યા હતા. સવારે આશરે 06:30 વાગ્યાના સુમારે હિંમતનગરના મોતીપુરા ઓવરબ્રિજ પરથી પસાર થઈ રહ્યા હતા. તે વખતે ધ્વનિ હોસ્પિટલ સામે વચ્ચેના ટ્રેક પર પાછળથી પૂરપાટ ઝડપે આવી રહેલી એક કેસરી કલરની લક્ઝરી ટ્રાવેલ્સ બસે ખાલી સાઈડમાંથી ઓવરટેક કરવાનો પ્રયાસ કરી લક્ઝરી ચાલકે બાઇકને ડાબી બાજુ જોરદાર ટક્કર મારી દીધી હતી. ટક્કર વાગતાં જ કાકા-ભત્રીજો બાઇક સાથે રોડ પર પટકાયા હતા. જેમાં નારણલાલ મનાતને માથાના ભાગે અતિ ગંભીર ઈજાઓ થતાં લોહીલુહાણ હાલતમાં સ્થળ પર જ પ્રાણપંખેરુ ઊડી ગયું હતું. જ્યારે નટવરભાઈને માથામાં તેમજ હાથ-પગમાં ઈજાઓ પહોંચી હતી. આ ઇજાગ્રસ્ત યુવકને પ્રાથમિક સારવાર માટે ખસેડાયો હતો અને મૃતકની લાશને હિંમતનગર સિવિલ મોકલી અપાઈ હતી. હિંમતનગર એ ડિવિઝન પોલીસે ફરાર લક્ઝરી બસના અજાણ્યા ચાલક વિરુદ્ધ ગુનો નોંધી સીસીટીવી ફૂટેજના આધારે ચાલકને ઝડપી પાડવા ચક્રો ગતિમાન કર્યા છે.
Read full article on Divya Bhaskar