crime
વન્યજીવ રેસ્ક્યુ વોલન્ટિયરોની હડતાળ સમેટાઈ:અકસ્માત વીમા સહિત માંગણી સ્વીકારાતા કામ શરૂ
અરવલ્લી જિલ્લામાં વન્યજીવોના રેસ્ક્યુ કાર્ય સાથે જોડાયેલા વોલન્ટિયરો દ્વારા અકસ્માત વીમા કવચ, સુરક્ષા કિટ, આધુનિક રેસ્ક્યુ સાધનો અને યોગ્ય તાલીમ જેવી વિવિધ પડતર માંગણીઓને લઈને ચાલી રહેલી હડતાળ આખરે સમેટવામાં આવી છે. જીવદયાપ્રેમી અને પ્રાણી અત્યાચાર નિવારણ સોસાયટીના ઉપાધ્યક્ષ નિલેશ જોશીની ઉપસ્થિતિમાં અધિકારીઓ સાથે સમાધાન બેઠક યોજાઈ હતી. વોલન્ટિયરોની માંગણીઓ અંગે હકારાત્મક અભિગમ દાખવી જરૂરી કાર્યવાહી કરવાની એસીએફ સંદીપ ડામોરે ખાતરી આપતા, વોલન્ટિયરોએ હડતાળ સમેટવાનો નિર્ણય લીધો છે. અરવલ્લી જિલ્લામાં રુદ્રાણી ચેરીટેબલ ટ્રસ્ટના સ્વૈચ્છિક વોલન્ટિયરો લાંબા સમયથી વન્યજીવ રેસ્ક્યુની કામગીરી કરે છે. જોખમી કામગીરી દરમિયાન સાપ કરડવા, ગંભીર ઈજા કે અકસ્માતનું જોખમ રહેતું હોવાથી સુરક્ષા અને સુવિધાઓના પ્રશ્ને તેઓ હડતાળ પર ઉતર્યા હતા. જેમાં ઓછામાં ઓછા 10 લાખ રૂપિયાના અકસ્માત વીમાની વ્યવસ્થા કરવા તેમજ અધિકૃત ઓળખપત્ર અને કાયદાકીય માર્ગદર્શન પૂરા પાડવાની માંગ કરવામાં આવી હતી. અધિકારીઓ સાથે થયેલી બેઠકમાં સમાધાનકારી વલણ અપનાવાતા વન્યજીવોના રેસ્ક્યુની કામગીરી ફરી શરૂ કરી દેવામાં આવી છે. આ નિર્ણયથી સાપ, અજગર સહિતના વન્યજીવો માનવ વસાહતો, શાળાઓ અને જાહેર સ્થળોએ દેખાય ત્યારે તેમને સુરક્ષિત રીતે રેસ્ક્યુ કરવાની કામગીરી રાબેતા મુજબ શરૂ થતાં નાગરિકોએ પણ રાહત અનુભવી છે. આ ઉપરાંત, મોડાસા ખાતે વન વિભાગના માર્ગદર્શન હેઠળ રેસ્ક્યુ સેન્ટર અને જરૂરી સાધનોથી સજ્જ રેસ્ક્યુ વાન ઉપલબ્ધ કરાવવાની પણ રજૂઆત કરાઈ છે.
Read full article on Divya Bhaskar