crime
નિર્મળનગરમાં જૂની અદાવતની દાઝ:યુવક પર છરી વડે હુમલો કરી રોકડની લૂંટ ચલાવી ચાર શખ્સો ફરાર
ભાવનગર શહેરના નિર્મળનગર વિસ્તારમાં સામાજિક કાર્યક્રમોમાં આગેવાની લેવા જેવી બાબતે જૂની અદાવતની દાઝ રાખી ચાર શખ્સોએ યુવક પર છરી વડે હુમલો તેમજ ઢીકાપાટુનો માર મારી યુવકના ખિસ્સામાંથી 500ની લૂંટ ચલાવી જાનથી મારી નાખવાની ધમકી આપી નાસી છૂટ્યા હતા. આ બનાવ સંદર્ભે ઈજાગ્રસ્ત યુવકે નિલમબાગ પોલીસ મથકમાં ચાર શખસો સામે ફરિયાદ નોંધાવી છે. દાળપુરીની લારીએ નાસ્તો કરતી વખતે હુમલો બનાવ અંગે જાણવા મળતી વિગતો અનુસાર, શહેરના નિર્મળનગર શેરી નં.9 શિવાલય ફ્લેટમાં રહેતા અને મજૂરી કામ કરતા કૃપાલસિંહ ભૂપતસિંહ ચૌહાણ (ઉં.વ.35)એ નિલમબાગ પોલીસ મથકમાં આજ વિસ્તારમાં રહેતા કુશ દીપકભાઈ પરમાર, નિલેશ જયેશભાઈ, સંજય ઉર્ફે ઢબુ તથા એક અજાણ્યા શખ્સ સામે ફરિયાદ નોંધાવી હતી કે, ગત તારીખ 24 સપ્ટેમ્બરના રોજ રાત્રે સવા અગિયારેક વાગ્યે માધવરત્ન બિલ્ડિંગ પાસે આવેલ મહાદેવ દાળપુરીની લારીએ તેઓ નાસ્તો કરી રહ્યા હતા. તે વખતે નિર્મળનગરમાં થતા કાર્યક્રમોની આગેવાની લેવા મુદ્દે અગાઉ થયેલી માથાકૂટની અદાવત રાખીને આ ચારેય શખ્સો ત્યાં આવી પહોંચ્યા હતા. ચારેય શખ્સોએ ગાળાગાળી કરી "તું શું કામ આગેવાની લે છે" તેમ કહી એકસંપ થઈ ઢીકાપાટુનો માર મારવાનું શરૂ કર્યું હતું. બાદમાં ઝપાઝપી દરમિયાન કુશ પરમારે છરી વડે કૃપાલસિંહના ડાબા પગના ગોઠણના ઉપરના ભાગે બે-ત્રણ ઘા ઝીંકી દેતાં લોહીલુહાણ ઇજા પહોંચાડી હતી. આ સાથે સંજય ઉર્ફે ઢબુએ શર્ટના ખિસ્સામાંથી બળજબરીથી રૂ. 500ની નોટ કાઢી લઈ મોઢા પર પંચ માર્યા હતા. મિત્રો વચ્ચે પડતાં જાનથી મારી નાખવાની ધમકી આપી બૂમાબૂમ સાંભળી કૃપાલસિંહના મિત્રો તાત્કાલિક વચ્ચે પડી તેમને બચાવવા દોડી આવ્યા હતા. જેથી હુમલાખોરોએ "આજે તો આ વચ્ચે પડ્યા એટલે જવા દઈએ છીએ, હવે પછી જો અમારી કોઈ મેટરમાં આગેવાની લીધી તો જાનથી મારી નાખીશું" તેવી ખુલ્લી ધમકી આપી ત્યાંથી ફરાર થઈ ગયા હતા. ઈજાગ્રસ્તને તાત્કાલિક સર ટી. હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા, જ્યાં પ્રાથમિક સારવાર બાદ તેમને રજા અપાઈ હતી. આ મામલે નિલમબાગ પોલીસે ચાર શખ્સો સામે BNS એક્ટ 118(1), 309(6), 115(2), 352, 351(2), 351(3), 54 તેમજ જીપી એક્ટ 135 મુજબ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
Read full article on Divya Bhaskar