top
રાજ્યમાં વનપાલ - બીટગાર્ડ્સના આંદોલનનો સુખદ અંત આવ્યો:જીએડી અને નાણાં વિભાગ સંલગ્ન બાકી રહેલા મુદ્દાઓનો પણ નિયમાનુસાર સત્વરે ઉકેલ લવાશે
પોરબંદર સહિત સમગ્ર રાજ્યમાં ચાલતા વનપાલ અને બીટગાર્ડ્સના આંદોલનનો આવ્યો સુખદ અંત આવ્યો છે.આ કર્મીઓની જીએડી અને નાણાં વિભાગ સંલગ્ન બાકી રહેલા મુદ્દાઓનો પણ નિયમાનુસાર સત્વરે ઉકેલ લાવવા વનમંત્રીએ ખાત્રી આપી છે. રાજ્યમાં વન અને વન્યજીવોના રક્ષણ સાથે જોડાયેલા વનપાલ તેમજ બીટગાર્ડ સંવર્ગના કર્મચારીઓ દ્વારા વિવિધ પડતર માંગણીઓને લઈને ચલાવવામાં આવી રહેલા આંદોલનનો આખરે સુખદ અંત આવ્યો છે. રાજ્ય સરકાર દ્વારા સંવેદનશીલ અને હકારાત્મક અભિગમ અપનાવીને કર્મચારી મંડળો સાથે ફળદ્રુપ બેઠક યોજતાં કર્મચારીઓએ આંદોલન સત્તાવાર રીતે પાછું ખેંચવાની જાહેરાત કરી છે. વનમંત્રી અર્જુનભાઈ મોઢવાડિયાએ આ અંગે વિગતો આપતાં જણાવ્યું હતું કે, મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની ખાસ સૂચના અનુસાર વન વિભાગના ઉચ્ચ અધિકારીઓ અને કર્મચારી એસોસિએશનના પ્રતિનિધિઓ વચ્ચે મહત્વપૂર્ણ બેઠક યોજાઈ હતી. આ બેઠકમાં કર્મચારીઓની મોટાભાગની માંગણીઓ બાબતે વિસ્તૃત ચર્ચા-વિચારણા બાદ સુખદ સમાધાન સધાયું છે. અમુક બાકી રહેતા વહીવટી પ્રશ્નો સામાન્ય વહીવટ વિભાગ અને નાણાં વિભાગ સાથે સંકળાયેલા હોવાથી, નિયમાનુસાર યોગ્ય પ્રક્રિયા હાથ ધરીને ટૂંક સમયમાં તેનું પણ સત્વરે નિરાકરણ લાવી દેવામાં આવશે. વન કર્મીઓ કઠિન પરિસ્થિતિઓમાં જંગલ અને વન્યપ્રાણીઓની સુરક્ષા કરે છે તે તેમની સેવા નોંધપાત્ર છે. સરકારના આ સકારાત્મક વલણથી સમગ્ર વન વિભાગના કર્મચારી આલમમાં ખુશી અને ઉત્સાહનો માહોલ જોવા મળી રહ્યો છે.
Read full article on Divya Bhaskar